Commonwealth Games 2030 Ahmedabad: આગામી વર્ષ 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સના યજમાન શહેર તરીકે અમદાવાદને આંતરરાષ્ટ્રીય સ્તરે સુસજ્જ કરવાની દિશામાં મેગા આયોજન શરૂ થઈ ગયું છે. અમદાવાદ શહેરમાં વિશ્વસ્તરીય સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાના ભાગરૂપે ઉત્તર અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલા વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમની આસપાસના વિસ્તારને મહત્વાકાંક્ષી સ્પોર્ટ્સ હબ તરીકે વિકસાવવાની કવાયત હાથ ધરાઈ છે. આ માસ્ટરપ્લાનના ભાગરૂપે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળની મહત્વની બેઠકમાં મોટેરા વિસ્તારની જનરલ એગ્રીકલ્ચર ઝોનની જમીનોને રહેણાંક ઝોનમાં ફેરવવા માટેની દરખાસ્તને મંજૂરી આપી દેવામાં આવી છે.
AUDAની બેઠકમાં મોટેરાની એગ્રીકલ્ચર જમીન R-1 ઝોનમાં ફેરવવાનો નિર્ણય
AUDAના મુખ્ય કારોબારી અધિકારી મીરાંત પરીખે આપેલા સત્તાવાર નિવેદન મુજબ, અમદાવાદ અને ઔડા વિસ્તારોમાં કોમનવેલ્થ ગેમ્સ તેમજ ભવિષ્યની ઓલિમ્પિક્સ જેવી વૈશ્વિક રમતગમત સ્પર્ધાઓના સુચારુ આયોજન માટે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ કામગીરી માટે ગુજરાત સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કંપની લિમિટેડ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા રાજ્ય સરકારની માલિકીની જમીનોને સાંકળીને ભવ્ય 'સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ'નું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
સર્વે પૈકીની જમીનને જનરલ એગ્રીકલ્ચરથી R1માં રૂપાંતરિત કરાઈ
આંતરરાષ્ટ્રીય ખેલ મહોત્સવ અને આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબના સ્ટેડિયમ સંકુલ માટે પુરતા પ્રમાણમાં બાંધકામ ક્ષમતા (FSI) મળી રહે તેવા હેતુથી મોટેરાના રેવન્યુ સર્વે નંબર / બ્લોક નંબર 282/અ/પૈકીની જનરલ એગ્રીકલ્ચર ઝોન-1 (A1) માં સમાવિષ્ટ જમીનોને રહેણાંક ઝોન-1 (R1) માં ફેરવવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. આ જમીન વપરાશમાં ફેરફાર (Change of Land Use) થવાથી રમતગમતના બહુહેતુક સ્ટેડિયમ, ટ્રેનિંગ ગ્રાઉન્ડ્સ અને તેને સંલગ્ન વહીવટી તથા રહેણાંક સવલતોના બાંધકામ માટેનો માર્ગ મોકળો બન્યો છે.
નવી ટાઉન પ્લાનિંગ સ્કીમો અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મળશે વેગ
મોટેરા વિસ્તારની આ જમીનને રહેણાંક ઝોનમાં સમાવિષ્ટ કરવામાં આવતા માત્ર સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ નહીં પરંતુ, સમગ્ર વિસ્તારમાં નવી ટાઉન પ્લાનિંગ (TP) સ્કીમો આકાર લેશે. ઔડા દ્વારા મોટેરા, ભાટ અને ચાંદખેડાને સાંકળતી નવી ટીપી સ્કીમો જાહેર કરવામાં આવશે, જેનાથી મોટેરામાં પહોળા રોડ-રસ્તા, ડ્રેનેજ, ગ્રીન કવરેજ અને સુવિધાસભર અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસશે. મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન સાથેની સીધી કનેક્ટિવિટીને કારણે દેશ-વિદેશથી આવતા ખેલાડીઓ અને રમતપ્રેમીઓ માટે વાહનવ્યવહાર અત્યંત સરળ બની રહેશે.
સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવની અદ્યતન વિશ્વસ્તરીય સુવિધાઓ
ઉલ્લેખનીય છે કે, 236 એકરથી વધુ વિસ્તારમાં પથરાયેલા પ્રસ્તાવિત 'સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ'માં માત્ર ક્રિકેટ જ નહીં પરંતુ ફૂટબોલ, એથ્લેટિક્સ, એક્વાટિક્સ (સ્વિમિંગ), ઇન્ડોર સ્પોર્ટ્સ અરેના, ટેનિસ કોર્ટ્સ અને સાયકલિંગ માટે વેલોડ્રોમ જેવા વર્લ્ડ ક્લાસ વેન્યુ તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ સિવાય વિશ્વભરમાંથી આવનારા ખેલાડીઓ માટે સ્પોર્ટ્સ વિલેજ, ફાઈવ સ્ટાર હોટેલ્સ અને મનોરંજન ઝોનનું પણ નિર્માણ થવાનું છે. AUDAના આ નિર્ણયથી અમદાવાદ વૈશ્વિક રમતગમત રાજધાની બનવા તરફ વધુ એક મજબૂત કદમ ભરી રહ્યું છે.








