Commonwealth Kabaddi Championship 2026:અમદાવાદમાં પ્રથમ કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપની શરૂઆત ભારત માટે યાદગાર રહી છે. 23 ઑક્ટોબર, શુક્રવારે રમાયેલી મેચોમાં ભારતીય મહિલા ટીમે મલેશિયાને 73-13થી હરાવીને એકતરફી જીત મેળવી હતી. ત્યારબાદ પુરુષ ટીમે પણ શાનદાર રમત બતાવીને ઇંગ્લેન્ડને 46-26થી પરાજય આપ્યો હતો. આમ, ઘરઆંગણે રમાતી આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભારતની બંને ટીમોએ જીત સાથે પોતાના અભિયાનનો પ્રારંભ કર્યો છે.
ભારતીય મહિલાઓનો ધમાકો, મલેશિયાને 60 પોઈન્ટથી હરાવ્યું
મલેશિયા સામેની મેચમાં ભારતીય મહિલા ટીમ શરૂઆતથી જ હાવી રહી હતી. ભારતે પ્રથમ હાફમાં 30-11ની સરસાઈ મેળવી હતી અને ત્યારબાદ બીજા હાફમાં પણ મલેશિયાને વાપસી કરવાની તક આપી નહોતી. ભારતીય ખેલાડીઓએ રેડ અને ટૅકલ બંને વિભાગમાં અસરકારક પ્રદર્શન કર્યું હતું. ભારતે કુલ 40 રેડ પોઈન્ટ અને 20 ટૅકલ પોઈન્ટ મેળવ્યા હતા, જ્યારે મલેશિયાની ટીમને માત્ર નવ રેડ અને બે ટૅકલ પોઈન્ટ મળ્યા હતા. ભારતે મેચ દરમિયાન છ વખત ઓલઆઉટ કરીને 73-13ના મોટા અંતરથી જીત નોંધાવી હતી.
સાક્ષી અને કેપ્ટન નિધિ શર્માનું શાનદાર પ્રદર્શન
ભારતીય મહિલા ટીમની જીતમાં સાક્ષીએ સૌથી વધુ 13 પોઈન્ટનું યોગદાન આપ્યું હતું. તેણે આઠ રેડ પોઈન્ટ અને પાંચ ટૅકલ પોઈન્ટ મેળવ્યા હતા. ટીમની કેપ્ટન નિધિ શર્માએ પણ આઠ રેડ પોઈન્ટ મેળવીને મહત્વની ભૂમિકા ભજવી હતી. બીજી તરફ, અવેજી ખેલાડી તરીકે મેદાનમાં ઉતરેલી રેણુકાએ નવ રેડમાંથી નવ પોઈન્ટ મેળવીને પ્રભાવિત કરી હતી. ટીમના અન્ય ખેલાડીઓએ પણ રેડ અને ટૅકલમાં સારો સાથ આપ્યો હતો. ભારતીય મહિલાઓના આ પ્રદર્શનથી સ્પષ્ટ થયું કે ટીમ ટૂર્નામેન્ટમાં મજબૂત દાવેદાર તરીકે ઉતરી છે.
પુરુષ ટીમે ઇંગ્લેન્ડને 46-26થી હરાવ્યું
મહિલા ટીમની જીત બાદ ભારતીય પુરુષ ટીમે પણ ઇંગ્લેન્ડ સામે દમદાર રમત બતાવી હતી. કેપ્ટન સુરજીત સિંહના નેતૃત્વમાં ભારતે પ્રથમ હાફમાં 23-9ની સરસાઈ મેળવી હતી. ઇંગ્લેન્ડે ત્યારબાદ વાપસી કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભારતીય ખેલાડીઓએ અંતિમ તબક્કામાં ફરી મેચ પર પકડ મજબૂત કરી હતી. ભારતે અંતિમ ક્વાર્ટરમાં 16 પોઈન્ટ મેળવીને 46-26થી જીત સુનિશ્ચિત કરી હતી. ભારતીય ટીમે ત્રણ વખત ઇંગ્લેન્ડને ઓલઆઉટ કર્યું હતું, જ્યારે પોતે એક પણ વખત ઓલઆઉટ થઈ નહોતી.
નવીન કુમાર અને નીરજ નરવાલે સંભાળી જવાબદારી
ઇંગ્લેન્ડ સામેની જીતમાં નવીન કુમાર ભારતનો ટોચનો સ્કોરર રહ્યો હતો. તેણે કુલ 12 પોઈન્ટ મેળવ્યા, જેમાં 11 રેડ પોઈન્ટ અને એક ટૅકલ પોઈન્ટનો સમાવેશ થાય છે. નીરજ નરવાલે પણ 11 રેડ પોઈન્ટ મેળવીને ટીમની જીતમાં મોટો ફાળો આપ્યો હતો. ભારતીય ખેલાડીઓએ આક્રમક રેડ સાથે મજબૂત ટૅકલનું પણ પ્રદર્શન કર્યું હતું. શરૂઆતમાં મેળવેલી સરસાઈ જાળવી રાખીને ટીમે મેચના અંત સુધી પોતાનું પ્રભુત્વ જાળવી રાખ્યું હતું.
પ્રથમ દિવસે અન્ય ટીમોએ પણ નોંધાવી જીત
ચેમ્પિયનશિપના પ્રથમ દિવસે ભારત ઉપરાંત અન્ય દેશોની ટીમોએ પણ જીત મેળવી હતી. પુરુષોની સ્પર્ધામાં કેન્યાએ સિંગાપોરને 48-28થી, શ્રીલંકાએ તાન્ઝાનિયાને 48-21થી અને સ્કોટલેન્ડે ઑસ્ટ્રેલિયાને 59-30થી હરાવ્યું હતું. યુગાન્ડાએ મલેશિયા સામે 45-29થી જીત મેળવી હતી. મહિલા વિભાગમાં યુગાન્ડાએ સિંગાપોરને 61-12થી, કેન્યાએ બાંગ્લાદેશને 34-25થી અને શ્રીલંકાએ સ્કોટલેન્ડને 53-10થી હરાવ્યું હતું. આ પરિણામો સાથે ટૂર્નામેન્ટના શરૂઆતના દિવસથી જ વિવિધ ટીમો વચ્ચે રસપ્રદ સ્પર્ધા જોવા મળી હતી.
અમદાવાદમાં 31 ઑક્ટોબર સુધી ચાલશે કબડ્ડીનો મહાકુંભ
પ્રથમ કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ 23થી 31 ઑક્ટોબર, 2026 દરમિયાન અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં યોજાઈ રહી છે. આ સ્પર્ધામાં પુરુષોની 13 અને મહિલાઓની 10 ટીમો ભાગ લઈ રહી છે. ગ્રુપ સ્ટેજની મેચો બાદ 30 ઑક્ટોબરે સેમિફાઇનલ અને 31 ઑક્ટોબરે ગોલ્ડ મેડલ માટેની ફાઇનલ મેચો રમાશે. આ ચેમ્પિયનશિપ કોમનવેલ્થ દેશો માટે કબડ્ડીની અલગ આંતરરાષ્ટ્રીય સ્પર્ધા છે, જેનાથી રમતને વૈશ્વિક સ્તરે વધુ ઓળખ મળે તેવી આશા છે.
આજે પણ મેદાનમાં ઉતરશે ભારતીય ટીમો
પ્રથમ દિવસે જીત મેળવ્યા બાદ હવે ભારતીય ટીમોની નજર આગામી મુકાબલાઓ પર રહેશે. 24 ઑક્ટોબરે ભારતીય મહિલા ટીમ સિંગાપોર સામે રમશે, જ્યારે પુરુષ ટીમનો મુકાબલો યુગાન્ડા સામે નિર્ધારિત છે. અમદાવાદમાં યોજાઈ રહેલી આ ચેમ્પિયનશિપમાં ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન સ્થાનિક કબડ્ડી ચાહકો માટે પણ ખાસ આકર્ષણ બની રહ્યું છે. ગ્રુપ સ્ટેજની તમામ મેચો પૂરી થયા બાદ ટોચની ટીમો વચ્ચે 30 ઓક્ટોબરે સેમિફાઇનલ અને 31 ઓક્ટોબર 2026ના રોજ ફાઇનલ મેચો રમાશે, જેના પર સમગ્ર રમત જગતની નજર ટકેલી છે.








