Commonwealth Cue Sports Championship 2026 Ahmedabad India Medals: ગુજરાતના અમદાવાદ સ્થિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે શનિવારે સંપન્ન થયેલી 'કોમનવેલ્થ ક્યુ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ 2026'માં ભારતીય ખેલાડીઓએ અદ્ભુત પ્રદર્શન કરીને ઇતિહાસ રચ્યો છે. ભારતે કુલ 13 મેડલ્સ જેમાં 3 ગોલ્ડ, 5 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ભારતીય બિલિયર્ડ્સ અને સ્નૂકર ફેડરેશન (BSFI)ની શતાબ્દી ઉજવણીના ભાગરૂપે યોજાયેલી આ સ્પર્ધાનું સંચાલન એપેક્સ સ્પોર્ટ્સ પ્રોમોશન દ્વારા વર્લ્ડ કન્ફેડરેશન ઓફ બિલિયર્ડ્સ સ્પોર્ટ્સ (WCBS)ના સહયોગથી કરવામાં આવ્યું હતું.
ગોલ્ડ મેડલ વિજેતાઓનું પ્રભાવશાળી પ્રદર્શન
ભારતની સુવર્ણ સફળતામાં મુખ્ય યોગદાન આદિત્ય સ્નેહલ મહેતા, અનુપમા રામચંદ્રન અને રાયાન રઝમીનું રહ્યું હતું. પુરુષોના સ્નૂકર વિભાગની ઓલ-ઇન્ડિયન ફાઇનલમાં આદિત્ય મહેતાએ સ્વદેશી ખેલાડી ધ્વજ હરિયાને 3-0થી પરાજય આપીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. મહિલા ઇંગ્લિશ બિલિયર્ડ્સમાં અનુપમા રામચંદ્રને રેવન્ના ઉમાદેવીને 1-0થી હરાવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યું હતું. આ ઉપરાંત પુરુષોના ઇંગ્લિશ બિલિયર્ડ્સમાં રાયાન રઝમીએ સિદ્ધાર્થ શૈલેષ પારીખને હરાવીને ભારતને ત્રીજો ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.
સિલ્વર અને બ્રોન્ઝ મેડલ્સ વિજેતા ખેલાડીઓની યાદી
સ્નૂકર અને બિલિયર્ડ્સમાં ભારતીય ખેલાડીઓએ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ્સની પણ ઝડી વરસાવી હતી. સ્નૂકરમાં ધ્વજ હરિયા અને રેવન્ના ઉમાદેવીએ સિલ્વર મેડલ મેળવ્યો હતો, જ્યારે લક્ષ્મણ સિંહ રાવતે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. મહિલા સ્નૂકરમાં કીર્તના પાંડિયને સિલ્વર અને ઈશિકા શાહ તથા શ્રુતિ લક્ષ્મીનારાયણણે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મેન્સ હેબોલમા પારસ ગુપ્તાએ સિલ્વર અને ઉઝૈર ખાને બ્રોન્ઝ મેળવ્યો હતો. જ્યારે 10-બોલ પૂલમાં દિવ્યા શર્માએ પણ બ્રોન્ઝ મેડલ જીતીને ભારતની મેડલ સંખ્યા 13 સુધી પહોંચાડી હતી.
ડૉ. પી.ટી. ઉષાના હસ્તે એવોર્ડ એનાયત અને આંતરરાષ્ટ્રીય દેશોની ભાગીદારી
મેડલ વિતરણ સમારોહમાં ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA) ના પ્રમુખ ડૉ. પી.ટી. ઉષા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને વિજેતા ખેલાડીઓને ટ્રોફી તથા મેડલ એનાયત કરીને પ્રોત્સાહિત કર્યા હતા. આ 4 દિવસીય મલ્ટિ-ડિસિપ્લિન ચેમ્પિયનશિપમાં ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, મલેશિયા અને કેનેડા સહિત 40થી વધુ દેશોના 144થી વધુ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓએ સ્નૂકર, બિલિયર્ડ્સ, 10-બોલ પૂલ, હેબોલ અને બ્લેકબોલ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો.
વૈશ્વિક ક્યુ સ્પોર્ટ્સના નકશા પર ભારત અને અમદાવાદ ચમક્યું
ભારતમાં પ્રથમવાર યોજાયેલી આ રમત સ્પર્ધાએ દેશમાં બિલિયર્ડ્સ અને સ્નૂકર રમતની લોકપ્રિયતામાં મોટો વધારો કર્યો છે. સ્વદેશી ધરતી પર 13 મેડલ સાથે પ્રથમે સ્થાને રહેવું એ સાબિત કરે છે કે, ભારત હવે ક્યુ સ્પોર્ટ્સ ક્ષેત્રે વૈશ્વિક સ્તરે મહાસત્તા બની રહ્યું છે. આ સફળ આયોજનથી ભવિષ્યમાં એશિયન ગેમ્સ અને અન્ય વૈશ્વિક સ્પર્ધાઓ માટે ભારતીય ખેલાડીઓનો આત્મવિશ્વાસ બેવડાયો છે.








