India Presents 2036 Olympics Roadmap to IOC: ભારતમાં પહેલીવાર ઓલિમ્પિક્સ યોજાય તે દિશામાં ભારતે વધુ એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. વર્ષ 2036માં યોજાનારી ઓલિમ્પિક અને પેરાલિમ્પિક રમતોની યજમાની મેળવવા માટે ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA)એ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC) સમક્ષ પોતાનું વિઝન અને પ્રસ્તાવિત રોડમેપ રજૂ કર્યો છે. 26 નવેમ્બર, 2026ના રોજ IOCના ફ્યુચર હોસ્ટ કમિશન સાથે વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી. આ રજૂઆતમાં અમદાવાદને કેન્દ્રમાં રાખીને રમતગમતની સુવિધાઓ, પ્રસ્તાવિત સ્થળો અને ભવિષ્યના વિકાસની યોજનાઓની રૂપરેખા રજૂ કરવામાં આવી હતી.
30 મિનિટની રજૂઆત બાદ 20 મિનિટ સુધી ચર્ચા
ભારતીય ઓલિમ્પિક સંઘ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, ભારતની રજૂઆત આશરે 30 મિનિટ ચાલી હતી. ત્યારબાદ IOCના ફ્યુચર હોસ્ટ કમિશનના નવ સભ્યો સાથે લગભગ 20 મિનિટ સુધી ચર્ચા થઈ હતી. આ કમિશનની અધ્યક્ષતા ક્રોએશિયાના પૂર્વ રાષ્ટ્રપતિ કોલિન્ડા ગ્રાબર-કિતારોવિચ કરી રહ્યાં છે. બેઠકમાં ભારતે માત્ર રમતગમતનાં મેદાનોની વાત જ નહીં, પરંતુ મોટી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ યોજવાનો અનુભવ, સરકારોનો સહયોગ અને લાંબા ગાળાની આયોજન ક્ષમતા પણ રજૂ કરી હતી.
અમદાવાદને કેન્દ્રમાં રાખીને તૈયાર થયો યજમાનીનો પ્લાન
ભારતની દાવેદારીમાં અમદાવાદને મુખ્ય સ્થાન આપવામાં આવ્યું છે. શહેરમાં હાલ ઉપલબ્ધ રમતગમતની સુવિધાઓ, પ્રસ્તાવિત સ્પોર્ટ્સ વેન્યૂ અને નવા માળખાના વિકાસની યોજનાઓ વિશે IOCને માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર અને સ્થાનિક પ્રશાસન તરફથી મળતા સહયોગનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. અમદાવાદ 2030ના કોમનવેલ્થ ગેમ્સનું યજમાન બનવાનું છે. તેથી આ સ્પર્ધા માટે વિકસાવવામાં આવનારાં રમતગમતનાં સ્થળો અને અન્ય માળખાં ભવિષ્યમાં ઓલિમ્પિક્સની તૈયારીઓ માટે પણ ઉપયોગી બની શકે છે.
બેઠકમાં ભારત તરફથી કોણ-કોણ જોડાયું?
આ મહત્ત્વપૂર્ણ બેઠકમાં ભારત તરફથી રમતગમત મંત્રી મનસુખ માંડવિયા, રમતગમત સચિવ હરિ રંજન રાવ, ભારતીય ઓલિમ્પિક સંઘનાં પ્રમુખ પી.ટી. ઉષા, IOAના CEO રઘુરામ ઐયર અને એથ્લેટ્સ કમિશનનાં અધ્યક્ષ પી.વી. સિંધુ હાજર રહ્યાં હતાં. ભારતનાં IOC સભ્ય નીતા અંબાણી અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ બેઠકમાં જોડાયા હતા. આ ઉપરાંત કેન્દ્ર અને ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીઓએ પણ ભારતની રજૂઆતમાં ભાગ લીધો હતો.
ભારત સામે સાત દેશોની સ્પર્ધા
2036 ઓલિમ્પિક્સની યજમાની મેળવવાની દોડમાં ભારત એકમાત્ર દાવેદાર નથી. IOCની સતત ચર્ચા પ્રક્રિયામાં ભારત ઉપરાંત જર્મની, હંગેરી, કતાર, દક્ષિણ કોરિયા, દક્ષિણ આફ્રિકા અને તુર્કીનો સમાવેશ થાય છે. એટલે કુલ સાત દેશો આ આયોજનમાં રસ ધરાવે છે. અહેવાલો મુજબ તુર્કીએ પણ ફ્યુચર હોસ્ટ કમિશન સમક્ષ પોતાની રજૂઆત કરી છે. હવે દરેક દેશની રમતગમતની સુવિધાઓ, નાણાકીય આયોજન, સરકાર અને જનતાનો સહયોગ તથા સ્પર્ધા સફળતાપૂર્વક યોજવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવશે.
IOCની પસંદગી પ્રક્રિયામાં હવે આગળ શું?
ભારતની રજૂઆત બાદ હવે IOC દરેક દાવેદાર દેશની યોજનાઓનું ટેકનિકલ મૂલ્યાંકન કરશે. IOCના જાહેર કરાયેલા સમયપત્રક મુજબ માર્ચ 2027માં IOCનું એક્ઝિક્યુટિવ બોર્ડ પસંદગીના દાવેદારોને આગળના 'સ્ટ્રેટેજિક ડાયલોગ' તબક્કામાં લઈ જવા અંગે નિર્ણય કરશે. આ તબક્કામાં દેશોએ સ્થળોની યોજના, નાણાકીય ગેરંટી અને અન્ય જરૂરી વિગતો રજૂ કરવાની રહેશે. ત્યારબાદ ડિસેમ્બર 2028માં પસંદ કરાયેલા દેશો સાથે અંતિમ 'ટાર્ગેટેડ ડાયલોગ' શરૂ થવાની યોજના છે. 2036 ઓલિમ્પિક્સના યજમાનની પસંદગી 2029ના મધ્યમાં IOCના સભ્યો દ્વારા કરવામાં આવવાની છે.
યજમાની માટે માત્ર મેદાનો નહીં, લાંબા ગાળાનું આયોજન પણ જરૂરી
ઓલિમ્પિક્સ જેવી વૈશ્વિક સ્પર્ધા યોજવા માટે માત્ર સ્ટેડિયમ અને રમતગમતનાં મેદાનો પૂરતાં નથી. ખેલાડીઓ માટેની સુવિધાઓ, પરિવહન, રહેઠાણ, સુરક્ષા, નાણાકીય આયોજન, સ્પર્ધાનું સંચાલન અને રમતો પૂરી થયા પછી પણ ઉપયોગી રહે તેવું માળખું તૈયાર કરવું જરૂરી છે. IOC પણ દાવેદારોની યોજનાઓનું મૂલ્યાંકન કરતી વખતે રમતવીરોના અનુભવ, નાણાકીય વ્યવસ્થા, રાજકીય અને જાહેર સમર્થન તથા લાંબા ગાળાના લાભો જેવા મુદ્દાઓને મહત્ત્વ આપે છે. એટલે ભારત માટે અમદાવાદની તૈયારીઓની સાથે સમગ્ર આયોજનની વિશ્વસનીયતા સાબિત કરવી પણ મહત્ત્વપૂર્ણ રહેશે.
અમદાવાદ માટે 2030થી 2036 સુધીની મોટી તક
2030ના કોમનવેલ્થ ગેમ્સનું આયોજન અમદાવાદને આંતરરાષ્ટ્રીય રમતગમતના નકશા પર વધુ મજબૂત સ્થાન અપાવી શકે છે. આ આયોજન માટે ઊભું થનારું માળખું, રમતગમતના સ્થળો અને સંચાલનનો અનુભવ ભવિષ્યમાં વધુ મોટી સ્પર્ધાઓ માટે ઉપયોગી બની શકે છે. જોકે, 2036 ઓલિમ્પિક્સની યજમાની હજુ ભારતને મળી નથી અને પસંદગીની પ્રક્રિયા પણ પ્રારંભિક તબક્કામાં છે. હાલ ભારતે IOC સમક્ષ પોતાનો દાવો રજૂ કર્યો છે. હવે આગામી તબક્કામાં ભારતની તૈયારીઓ અને અન્ય દેશોની યોજનાઓ વચ્ચે કોની દાવેદારી વધુ મજબૂત સાબિત થાય છે તે જોવાનું રહેશે.








