CWG 2030 Ahmedabad: સ્કોટલેન્ડના ગ્લાસગોમાં ઓગસ્ટ 2026 દરમિયાન યોજાયેલા કોમનવેલ્થ ગેમ્સના સમાપન સમારોહમાં ભારતના સાંસ્કૃતિક વારસા સાથે અમદાવાદમાં 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સની ખાસ ઝલક રજૂ કરવામાં આવી હતી. ભવ્ય સમારોહમાં ભારતીય સંસ્કૃતિ, સંગીત અને રમતગમતની સિદ્ધિઓનું પ્રદર્શન થયું હતું. આ સાથે ગ્લાસગોથી અમદાવાદ 2030 સુધી કોમનવેલ્થ ગેમ્સના આગામી અધ્યાયનું ઔપચારિક સંક્રમણ પણ થયું હતું.
ગ્લાસગોમાં ગુંજ્યું ‘વંદે માતરમ’
સમાપન સમારોહ દરમિયાન ભારતીય ચાહકોએ ત્રિરંગો લહેરાવીને ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. મેદાનમાં ‘વંદે માતરમ’, ‘શિવ સ્તોત્ર’ અને ‘સુનો ગૌર સે દુનિયા વાલોં’ જેવા નારા ગુંજી ઉઠ્યા હતા. મોટી સંખ્યામાં વિદેશી દર્શકોએ પણ ભારતીય સંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમનો આનંદ માણ્યો હતો. સમારોહમાં સ્કોટલેન્ડના સાંસ્કૃતિક વારસાની પણ સુંદર ઝલક જોવા મળી હતી. આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત રોક બેન્ડ સિમ્પલ માઇન્ડ્સ, નૃત્ય મંડળી ડાયવર્સિટી સહિતના સ્થાનિક કલાકારોએ સંગીત, નૃત્ય અને દૃશ્ય પ્રસ્તુતિઓથી પ્રેક્ષકોનું મનોરંજન કર્યું હતું.
અમદાવાદ 2030 માટે 18 મિનિટનું ખાસ પ્રદર્શન
સમારોહ દરમિયાન અમદાવાદ 2030 માટે ભારતનું ખાસ 18 મિનિટ અને 27 સેકન્ડનું સાંસ્કૃતિક પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું હતું. ‘ભારત, જ્યાં રમતગમત જીવનનો એક માર્ગ છે’ સંદેશ સાથે શરૂ થયેલી આ રજૂઆતમાં ભારતની વિવિધતા, સાંસ્કૃતિક વારસો, રમતગમતની સિદ્ધિઓ અને ભવિષ્યની દૃષ્ટિ રજૂ કરવામાં આવી હતી. ભારતીય પ્રસ્તુતિને ચાર મુખ્ય ભાગોમાં વહેંચવામાં આવી હતી. તેમાં ‘વસુધૈવ કુટુંબકમ’ની ભાવના, ‘વંદે માતરમ’ની 150મી વર્ષગાંઠ, કોમનવેલ્થ ગેમ્સમાં ભારતની સફર અને દેશની રમતગમતની સિદ્ધિઓને રજૂ કરવામાં આવી હતી.
ભારત-સ્કોટલેન્ડની સંગીતમય જુગલબંધી
ભારતીય સંગીતકાર ઋષભ શર્મા અને સ્કોટિશ કલાકાર રોસ એન્સલી વચ્ચે ખાસ જુગલબંધી પણ રજૂ કરવામાં આવી હતી. બંને દેશોની સંગીત પરંપરાઓના સુંદર સંગમથી ગ્લાસગોથી અમદાવાદ સુધીના કોમનવેલ્થ ગેમ્સના સંક્રમનને સાંસ્કૃતિક રંગ મળ્યો હતો. સમારોહના અંતિમ તબક્કામાં શંકર મહાદેવન, ઋષભ શર્મા અને ભૂમિ ત્રિવેદીએ શાનદાર સંગીત પ્રસ્તુતિ આપી હતી. પ્રેક્ષકોએ તાળીઓ, નૃત્ય અને ગાન સાથે ભારતીય કલાકારોને ઉત્સાહપૂર્વક પ્રતિસાદ આપ્યો હતો.
જાસ્મીન લેમ્બોરિયાએ લહેરાવ્યો ત્રિરંગો
ભારત માટે સમારોહની વધુ એક ખાસ ક્ષણ ત્યારે આવી, જ્યારે કોમનવેલ્થ બોક્સિંગ ચેમ્પિયન જાસ્મીન લેમ્બોરિયાએ પરંપરાગત એથ્લેટ્સ પરેડમાં ત્રિરંગો લઈને ભારતીય ટુકડીનું નેતૃત્વ કર્યું હતું. આ પરેડમાં તમામ 74 કોમનવેલ્થ દેશો અને પ્રદેશોના ખેલાડીઓએ ભાગ લીધો હતો. પરેડે રમતગમત, મિત્રતા અને એકતાનો સંદેશ આપ્યો હતો.
હર્ષ સંઘવીને સોંપાયો કોમનવેલ્થનો ધ્વજ
સમાપન સમારોહ દરમિયાન કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ ગુજરાતના તત્કાલીન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને સોંપવામાં આવ્યો હતો. આ સાથે 2030માં અમદાવાદમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સના યજમાનપદનું ઔપચારિક સંક્રમણ પૂર્ણ થયું હતું.
અમદાવાદ 2030 શા માટે ઐતિહાસિક?
અમદાવાદ 2030 કોમનવેલ્થ ગેમ્સના ઇતિહાસમાં ખાસ મહત્વ ધરાવશે. આ ગેમ્સ કોમનવેલ્થ ગેમ્સના 100 વર્ષ પૂર્ણ થવાની શતાબ્દી આવૃત્તિ હશે. આ સાથે ભારત ઓસ્ટ્રેલિયા બાદ બે વખત કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરનાર વિશ્વનો બીજો દેશ બનશે. આ રીતે ગ્લાસગોમાં 2026 કોમનવેલ્થ ગેમ્સના સમાપન સાથે અમદાવાદ 2030ના આગામી અધ્યાયની શરૂઆત થઈ હતી. સમારોહમાં ભારતે પોતાની સાંસ્કૃતિક વિવિધતા, રમતગમતની સિદ્ધિઓ અને અમદાવાદ 2030 માટેના વિઝનની ભવ્ય ઝલક વિશ્વ સમક્ષ રજૂ કરી હતી.








