Soft Tennis Commonwealth Games 2030: આઈચી-નાગોયા એશિયન ગેમ્સમાં ઇતિહાસ રચ્યાના થોડા જ દિવસોમાં ભારતીય સોફ્ટ ટેનિસ ખેલાડી જય મીણા તરફથી એક મોટું નિવેદન સામે આવ્યું છે. એશિયન ગેમ્સના બ્રોન્ઝ મેડલ વિજેતા ખેલાડીએ આત્મવિશ્વાસ સાથે ભવિષ્યની મોટી આગાહી કરી છે કે, જો 2030માં અમદાવાદ ખાતે યોજાનારી કોમનવેલ્થ ગેમ્સમાં સોફ્ટ ટેનિસનો સમાવેશ કરવામાં આવે છે તો તમામ ગોલ્ડ મેડલ ભારતને જ મળશે. આ માત્ર કોઈ સામાન્ય ઉત્સાહનું નિવેદન નથી, પરંતુ ભારતીય સોફ્ટ ટેનિસ માટે હવે એક નવો નારો બની ગયો છે.
ઐતિહાસિક બ્રોન્ઝ મેડલે બદલ્યો રમતનો માહોલ
એમેચ્યોર સોફ્ટ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા (ASTFI) માટે જય મીણાની આ સફર માત્ર એક વ્યક્તિગત ઉપલબ્ધિ નથી, પરંતુ તે વર્ષ 2002માં ભારતમાં આ રમતની શરૂઆત થઈ ત્યારથી ચાલી રહેલા પ્રયાસોનું મોટું પ્રમાણ છે. ASTFI અને ઇન્ટરનેશનલ સોફ્ટ ટેનિસ ફેડરેશન (ISTF) ના સ્પેશિયલ એડવાઈઝર હર્ષંગ ખોદધરાએ જણાવ્યું હતું કે, આ ભારત માટે એક ઐતિહાસિક ક્ષણ છે. આપણે ચાર એશિયન ગેમ્સમાં ભાગ લીધો અને ચોથીમાં મેડલ જીત્યો છે. આપણો આગામી ટાર્ગેટ સિલ્વર કે ગોલ્ડ જીતવાનો છે અને સરકારના સહયોગથી આપણે એશિયાના દિગ્ગજ દેશોને ચોક્કસ ટક્કર આપીશું.
અમદાવાદ 2030 કોમનવેલ્થ ગેમ્સનું મહત્વ કેમ છે?
ફેડરેશનનો આગામી મુખ્ય ઉદ્દેશ્ય મેડલ જીતવા ઉપરાંત 2030ની કોમનવેલ્થ ગેમ્સમાં આ રમતને સ્થાન અપાવવાનો છે. જોકે, આ રમત પૂર્વ એશિયામાં ખૂબ લોકપ્રિય છે, પરંતુ કોમનવેલ્થ દેશોમાં તેની પહોંચ મર્યાદિત છે. ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ નિયમિતપણે રમે છે, જ્યારે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં પણ ફેડરેશન્સ અસ્તિત્વમાં છે. જો યુરોપિયન દેશો પણ આ રમત અપનાવે તો કોમનવેલ્થમાં પ્રવેશ સરળ બનશે. ફેડરેશનનો દાવો છે કે, કોમનવેલ્થ દેશોમાં ભારત સૌથી ઉચ્ચ રેન્કિંગ ધરાવતી ટીમ છે અને અમદાવાદમાં જો રમત રમાશે તો તમામ ગોલ્ડ ભારત જીતશે.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નવી સુવિધાઓની કોઈ અછત નથી
અન્ય ઉભરતી રકેટ્સ સ્પોર્ટ્સની સરખામણીમાં સોફ્ટ ટેનિસ માટે કોઈ નવા મોટા રોકાણ કે અલગ કોર્ટની જરૂર નથી પડતી. આ રમત લોન ટેનિસ જેવા જ ડાયમેન્શન અને સરફેસ પર રમાય છે. દેશમાં ઉપલબ્ધ લાખો ટેનિસ કોર્ટ્સનો ઉપયોગ કોઈપણ વધારાના ફેરફાર વિના આ સ્પર્ધા માટે થઈ શકે છે. હર્ષંગ ખોદધરાના જણાવ્યા મુજબ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ કોઈ જ સમસ્યા નથી, માત્ર દેશમાં રહેલી પ્રતિભાને ઓળખીને યોગ્ય પ્રોત્સાહન આપવાની જરૂર છે.
આંતરરાષ્ટ્રીય એક્સપોઝર અને નીતિગત પડકારો
ભારત અને એશિયાના દિગ્ગજો વચ્ચેનો તફાવત પ્રતિભાનો નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય એક્સપોઝરનો છે. જાપાન અને દક્ષિણ કોરિયા દાયકાઓથી પ્રોફેશનલ લીગ ચલાવી રહ્યા છે જ્યારે ભારતમાં આ રમતને હજુ બે દાયકા જ થયા છે. આ ઉપરાંત અનેક રાજ્યોની રમતગમત નીતિઓ માત્ર ઓલમ્પિક રમતો પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે, જેના કારણે એશિયન ગેમ્સની રમતો ઘણીવાર પાછળ રહી જાય છે. ફેડરેશને માંગ કરી છે કે, એશિયન ગેમ્સની રમતોને પણ ઓલમ્પિક જેટલું જ મહત્વ અને પ્રોત્સાહન મળવું જોઈએ.








