Ahmedabad Commonwealth Games 2030: અમદાવાદમાં વર્ષ 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસની કામગીરી તેજ બની છે. શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ (SVP) સ્પોર્ટ્સ એન્ક્લેવમાં વિશ્વસ્તરીય એક્વેટિક્સ સેન્ટર બનાવવાની યોજના તૈયાર કરવામાં આવી છે. અંદાજે રૂ. 5,050 કરોડથી રૂ. 6,000 કરોડના ખર્ચે વિકસાવવામાં આવનારા આ સ્પોર્ટ્સ એન્ક્લેવમાં 50થી વધુ ઓલિમ્પિક રમતો માટે આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવશે.
ત્રણ આંતરરાષ્ટ્રીય સ્વિમિંગ પૂલ બનશે ખાસ આકર્ષણ
પ્રસ્તાવિત એક્વેટિક્સ સેન્ટરમાં આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુરૂપ ત્રણ વિશેષ પૂલ બનાવવામાં આવશે. તેમાં ઓલિમ્પિક કક્ષાની સ્વિમિંગ સ્પર્ધા માટેનો પૂલ, ડાઇવિંગ માટે અલગ પૂલ અને ખેલાડીઓની પ્રેક્ટિસ તથા વોર્મ-અપ માટેનો ત્રીજો પૂલ સામેલ હશે. આ સુવિધા વર્લ્ડ એક્વેટિક્સના ધોરણોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવશે, જેથી ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય સ્તરની સ્વિમિંગ અને ડાઇવિંગ સ્પર્ધાઓ યોજી શકાય.
ખેલાડીઓ માટે આધુનિક સુવિધાઓ અને બ્રોડકાસ્ટ વ્યવસ્થા
એક્વેટિક્સ સેન્ટરમાં માત્ર સ્વિમિંગ પૂલ જ નહીં, પરંતુ ખેલાડીઓની તૈયારી અને આરામ માટે ખાસ વ્યવસ્થા પણ હશે. તેમાં રિકવરી એરિયા, વેલનેસ સુવિધાઓ, ચેન્જિંગ રૂમ, વહીવટી વિભાગ અને અન્ય જરૂરી સુવિધાઓ વિકસાવવામાં આવશે. આ ઉપરાંત મોટી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓના જીવંત પ્રસારણ માટે આધુનિક બ્રોડકાસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇવેન્ટ મેનેજમેન્ટની વ્યવસ્થા પણ ઊભી કરાશે.
બે તબક્કામાં વિકસશે SVP સ્પોર્ટ્સ એન્ક્લેવ
સાબરમતી રિવરફ્રન્ટ વિસ્તારની નજીક વિકસાવવામાં આવનારા SVP સ્પોર્ટ્સ એન્ક્લેવનું નિર્માણ બે તબક્કામાં કરવાની યોજના છે. આ સમગ્ર પ્રોજેક્ટમાં વિવિધ ઓલિમ્પિક રમતો માટે આધુનિક રમતગમત સુવિધાઓ ઊભી કરાશે. પ્રોજેક્ટ સાથે સંકળાયેલા અધિકારીઓના જણાવ્યા અનુસાર, ખેલાડીઓ, દર્શકો અને સ્ટાફની અવરજવર સરળ રહે તે માટે પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આસપાસના વિસ્તારોમાં ખુલ્લી જગ્યાઓ, લેન્ડસ્કેપિંગ અને જાહેર પ્લાઝા પણ વિકસાવવામાં આવશે.
કોમનવેલ્થ બાદ સામાન્ય નાગરિકો પણ લઈ શકશે લાભ
આ એક્વેટિક્સ સેન્ટરનો ઉપયોગ માત્ર કોમનવેલ્થ ગેમ્સ પૂરતો મર્યાદિત નહીં રહે. ભવિષ્યમાં સામાન્ય નાગરિકો માટે સ્વિમિંગ શીખવાના કાર્યક્રમો, મનોરંજન અને સ્થાનિક સ્તરે જળક્રીડાના વિકાસ માટે પણ તેનો ઉપયોગ કરવાની યોજના છે. આ રીતે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ પૂર્ણ થયા બાદ પણ આ સુવિધા ખેલાડીઓ અને અમદાવાદના નાગરિકો માટે ઉપયોગી બની રહેશે.
કનેક્ટિવિટી અને અન્ય માળખાકીય સુવિધાઓ પર પણ ભાર
સ્પોર્ટ્સ એન્ક્લેવને અમદાવાદના અન્ય વિસ્તારો સાથે જોડવા માટે પરિવહન અને કનેક્ટિવિટીમાં સુધારા કરવાનું આયોજન પણ ચાલી રહ્યું છે. આ ઉપરાંત વીજળી, પાણી અને અન્ય યુટિલિટી નેટવર્કમાં જરૂરી ફેરફાર કરવામાં આવશે. પ્રોજેક્ટની ડિઝાઇન, એન્જિનિયરિંગ, ખર્ચ અને સંચાલન માટે રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોની મદદ લેવામાં આવી રહી છે. આ સમગ્ર આયોજનથી અમદાવાદને આંતરરાષ્ટ્રીય રમતગમતના નકશા પર વધુ મજબૂત ઓળખ અપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.








