Amazon Layoffs 2026: દિગ્ગજ ટેક અને ઈ-કોમર્સ કંપની એમેઝોને (Amazon) પોતાના ગ્લોબલ વર્કફોર્સમાં ફરી એકવાર મોટો કાપ મૂક્યો છે. કંપનીએ તેના ડિવાઇસીસ એન્ડ સર્વિસીસ ડિવિઝનમાંથી (Devices and Services Division) આશરે 250 કર્મચારીઓની છટણી કરવાની સત્તાવાર પુષ્ટિ કરી છે. બુધવારે વહેલી સવારે કંપની દ્વારા પ્રભાવિત કર્મચારીઓને ઈમેલ અને ટેક્સ્ટ મેસેજ મોકલીને નોકરીમાંથી મુક્ત કરવામાં આવ્યા હોવાની જાણ કરવામાં આવી હતી. આ એ જ વિભાગ છે જે એમેઝોનના જાણીતા ડિજિટલ ગેજેટ્સ જેવા કે એલેક્સા (Alexa) આધારિત ડિવાઇસીસ અને કિન્ડલ (Kindle) ઈ-રીડર્સના ડેવલપમેન્ટ અને રિસર્ચ સાથે જોડાયેલો છે.
નવા પ્રોડક્ટ લોન્ચિંગ વચ્ચે નિર્ણય: સોફ્ટવેર ડેવલપર્સ પર સૌથી વધુ અસર
આ છટણી એવા સમયે સામે આવી છે જ્યારે કંપનીએ તાજેતરમાં જ માર્કેટમાં નવા કિન્ડલ ઈ-રીડર્સ, ટેબ્લેટ કોમ્પ્યુટર્સ અને એલેક્સા આધારિત એલાર્મ ક્લોક જેવા પ્રોડક્ટ્સ લોન્ચ કર્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, છટણીનો સૌથી મોટો ફટકો સોફ્ટવેર ડેવલપમેન્ટ ક્ષેત્રમાં કામ કરતા ઈજનેરો અને ટેકનિકલ સ્ટાફને પડ્યો છે. એમેઝોનના ડિવાઇસીસ એન્ડ સર્વિસીસ ડિવિઝનના એચઆર વાઇસ પ્રેસિડેન્ટ શેરી રોબિન્સને (Cherie Robinson) સ્ટાફને પાઠવેલા સંદેશમાં સ્પષ્ટ કર્યું હતું કે કંપનીએ આંતરિક રચનાનું સંપૂર્ણ પુનઃમૂલ્યાંકન કર્યા બાદ આ ચોક્કસ હોદ્દાઓ નાબૂદ કરવાનો મુશ્કેલ નિર્ણય લીધો છે.
ઓપરેશનલ કાર્યક્ષમતા અને બિઝનેસ રોડમેપનું બહાનુ
નોકરીઓ ઘટાડવાના આ નિર્ણય અંગે એમેઝોનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, કંપનીએ બિઝનેસ ઓપરેશન્સને વધુ કાર્યક્ષમ બનાવવા અને ભવિષ્યના પ્રોડક્ટ રોડમેપ સાથે ટીમનું સંરેખણ સુનિશ્ચિત કરવા માટે આ પગલું ભર્યું છે. પ્રવક્તાના શબ્દોમાં, "અમે નાની સંખ્યામાં ભૂમિકાઓ રદ કરવાનો મુશ્કેલ નિર્ણય લીધો છે, જે કંપનીને ઝડપી અને વધુ સુવ્યવસ્થિત રીતે કામ કરવામાં મદદ કરશે." જોકે, કંપની દ્વારા કઈ ચોક્કસ ટીમો કે કયા દેશોના કર્મચારીઓને આ નિર્ણયની અસર થઈ છે તેની વિગતવાર આંકડાકીય માહિતી જાહેર કરવામાં આવી નથી.
ઓક્ટોબરમાં 1,000 રિટેલ જોબ્સ રદ થઈ હતી
ટેક જગત માટે આ સમાચાર ચિંતાજનક છે કારણ કે એમેઝોને ચાલુ ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં જ પોતાના મુખ્ય રિટેલ ડિવિઝનમાંથી આશરે 1,000 કર્મચારીઓને છૂટા કર્યા હતા. રિટેલ વિભાગની છટણીના એક મહિનાથી પણ ઓછા સમયમાં ડિવાઇસીસ ડિવિઝનમાં આ બીજો કાપ મુકાયો છે. આ નિર્ણય સ્પષ્ટપણે દર્શાવે છે કે એમેઝોન તમામ વિભાગોમાં પોતાના ઓપરેટિંગ ખર્ચ, સ્ટાફની જરૂરિયાતો અને ભાવિ વ્યૂહરચનાઓનું સતત ગંભીરતાથી મૂલ્યાંકન કરી રહ્યું છે.
એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ અબજો ડોલરનું રોકાણ
એકતરફ સ્ટાફ ઘટાડવાની પ્રક્રિયા ચાલુ છે, તો બીજી તરફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેકનોલોજી તરફ કંપનીનું ધ્યાન ઝડપથી વધી રહ્યું છે. એમેઝોન વેબ સર્વિસીસ (AWS) ના ક્લાઉડ કમ્પ્યુટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ભારે માંગને કારણે તેની ક્લાઉડ ક્ષમતા વર્ષ 2027 સુધી મોટાભાગે સોલ્ડ આઉટ થઈ ચૂકી છે. કંપનીના CEO એન્ડી જેસીના (Andy Jassy) જણાવ્યા અનુસાર, વર્ષ 2026 અને 2027ની મોટાભાગની ક્ષમતા બુક થઈ ગઈ છે, જ્યારે 2028 માટે પણ અત્યારથી જ એડવાન્સ બુકિંગ મળી રહ્યું છે. એમેઝોન ડેટા સેન્ટર્સ અને AI ચિપ્સ માટે વર્ષ 2026 માં આશરે $220 બિલિયનનું માતબર કેપિટલ એક્સપેન્ડીચર (CapEx) કરવાનો અંદાજ ધરાવે છે.








