EPFO New Rule: નોકરીયાત વર્ગ અને પ્રોવિડન્ટ ફંડ (EPF) ખાતાધારકો માટે એક અત્યંત રાહતજનક અને મોટા સમાચાર સામે આવ્યા છે. એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) હવે પોતાના કરોડો સભ્યો માટે પીએફના પૈસા ઉપાડવાની પ્રક્રિયાને વધુ સરળ અને ઝડપી બનાવવાની દિશામાં મોટું કદમ ઉઠાવી રહ્યું છે. ટૂંક સમયમાં જ પીએફ ધારકો પોતાના બેંક ખાતામાં UPI (યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ) દ્વારા સીધા જ પીએફના નાણાં મેળવી શકશે. આ સુવિધા ઉપલબ્ધ થવાથી હવે લાંબી ઓનલાઈન અરજીઓ કે કાગળની પ્રક્રિયાઓમાંથી મુક્તિ મળશે.
ડિસેમ્બર સુધીમાં શરૂ થઈ શકે છે સેવા: બેંકો સાથે ટ્રાયલ શરૂ
મળતી માહિતી મુજબ, EPFO દ્વારા આ સુવિધા આપવા માટે વિવિધ બેંકો અને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) ના સહયોગથી ટેસ્ટિંગ અને ટ્રાયલ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, જો બધું યોજના મુજબ રહ્યું તો આ વર્ષના ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં આ સુવિધા સત્તાવાર રીતે તમામ સબસ્ક્રાઇબર્સ માટે શરૂ કરી દેવામાં આવશે. આ સેવા શરૂ થવાથી દેશના આશરે 30 કરોડ નોંધાયેલા સભ્યોને સીધો ફાયદો થશે.
ક્લેમ પ્રોસેસ બનશે એકદમ સરળ: UAN સાથે લિંક થશે UPI
હાલના સમયમાં જો તમારે પીએફમાંથી પૈસા ઉપાડવા હોય, તો UAN (Universal Account Number) પોર્ટલ પર જઈને ઓનલાઈન ક્લેમ કરવો પડે છે. આ પ્રક્રિયામાં સામાન્ય રીતે કેટલોક સમય લાગી જાય છે. પરંતુ નવી પ્રક્રિયા હેઠળ EPFO તેના UAN પોર્ટલ અને નવી મોબાઈલ એપને યુઝર્સના UPI એકાઉન્ટ તેમજ BHIM અને અન્ય લોકપ્રિય UPI એપ્સ સાથે લિંક કરી દેશે. આ સંકલન બાદ સબસ્ક્રાઇબર્સ પોતાના મોબાઈલમાંથી જ માત્ર કેટલાક સ્ટેપ્સ અનુસરીને ચપટીમાં પીએફની રકમ મેળવી શકશે.
કેટલા પૈસા ઉપાડી શકાશે? જાણો શું છે નિયમ
નવા નિયમો મુજબ, સબસ્ક્રાઇબર્સ ચોક્કસ જરૂરી શરતોને આધીન રહીને પોતાના કુલ EPF બેલેન્સમાંથી 75% સુધીની રકમ ટૂંકા ગાળાની જરૂરિયાતો માટે ઉપાડી શકશે. જેમાં બાળકોનું શિક્ષણ, લગ્નપ્રસંગ, ઘરનું સમારકામ કે તબીબી સારવાર જેવા ખર્ચાઓનો સમાવેશ થાય છે. બાકીના 25% નાણાં સબસ્ક્રાઇબરના ખાતામાં સુરક્ષિત રહેશે, જેના પર સરકાર દ્વારા મળતું કર-મુક્ત (Tax-free) વ્યાજ સતત જમા થતું રહેશે.
EPFO ભંડોળ અને વેતન મર્યાદામાં મહત્વનો ફેરફાર
હાલમાં EPFO પાસે અંદાજે ₹26 લાખ કરોડનું કુલ ફંડ છે અને લગભગ 7.5 કરોડ સક્રિય ફાળો આપતા સભ્યો છે. આ ઉપરાંત, કેબિનેટ દ્વારા કર્મચારીઓની વેતન મર્યાદા (Wage Limit) પણ ₹15,000 થી વધારીને ₹25,000 કરી દેવામાં આવી છે. વર્ષ 2014 પછી એટલે કે 12 વર્ષ બાદ આ મર્યાદામાં સુધારો કરાયો હોવાથી લાખો કર્મચારીઓના પીએફ યોગદાનમાં પણ સાનુકૂળ ફેરફાર જોવા મળશે, જે કર્મચારીઓના ભવિષ્ય માટે લાભદાયી સાબિત થશે.








