Global oil crisis says IEA report: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને તેલ-ગેસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર વધતા હુમલાઓ વચ્ચે આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સી (IEA) એ વિશ્વ માટે ગંભીર ચેતવણી જાહેર કરી છે. એજન્સીએ સ્પષ્ટ કર્યું છે કે હાલનું ઊર્જા સંકટ માત્ર પુરવઠો વધારવાથી ઉકેલાશે નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે વપરાશ ઘટાડવાની દિશામાં પણ તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે.
2 કરોડ બેરલ તેલના સપ્લાયમાં ઘટાડો નોંધાયો
IEAના અહેવાલ મુજબ, વર્તમાન પરિસ્થિતિ અત્યાર સુધીનો સૌથી મોટો 'સપ્લાય શોક' સાબિત થઈ રહી છે. એજન્સીએ તાજેતરમાં બજારમાં 40 કરોડ બેરલ તેલ છોડવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો, છતાં સ્થિતિમાં ખાસ સુધારો જોવા મળ્યો નથી. રિપોર્ટ અનુસાર, વિશ્વના લગભગ 20 ટકા તેલ પુરવઠો જે માર્ગોથી પસાર થાય છે તે ગંભીર રીતે પ્રભાવિત થયો છે, જેના કારણે દરરોજ અંદાજે 2 કરોડ બેરલ તેલના સપ્લાયમાં ઘટાડો નોંધાયો છે. આ સંકટની સીધી અસર વૈશ્વિક અર્થતંત્ર પર પડી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ 100 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગયા છે, જેના કારણે ડીઝલ, જેટ ફ્યુઅલ અને LPG જેવી આવશ્યક ઊર્જા સામગ્રીના ભાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ફાતિહ બિરોલે ચેતવણી આપી છે કે જો પરિસ્થિતિ ઝડપથી કાબૂમાં નહીં આવે, તો આ ઊર્જા સંકટ વધુ ઊંડું અને ઘાતક બની શકે છે.
સ્વચ્છ ઊર્જા વિકલ્પ અપનાવવાની ભલામણ કરવામાં આવી
આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે IEAએ કેટલાક તાત્કાલિક અને વ્યવહારૂ ઉપાયો સૂચવ્યા છે. એજન્સીએ વર્ક ફ્રોમ હોમ મોડલને પ્રોત્સાહન આપવા, હાઈવે પર વાહનોની ગતિ મર્યાદા ઘટાડવા અને જાહેર પરિવહનનો વધુ ઉપયોગ કરવાની સલાહ આપી છે. ઉપરાંત, કાર શેરિંગને પ્રોત્સાહન આપવું, ઈંધણ બચત માટે સુધારેલી ડ્રાઈવિંગ પદ્ધતિ અપનાવવી અને હવાઈ મુસાફરીને માત્ર અત્યંત જરૂરી પરિસ્થિતિમાં જ મર્યાદિત રાખવી પણ મહત્વપૂર્ણ ગણાવવામાં આવ્યું છે. IEAએ વધુમાં જણાવ્યું છે કે વાહનોમાં LPGનો ઉપયોગ ઘટાડીને વિકલ્પરૂપે CNG અથવા ઈલેક્ટ્રિક ઉર્જા તરફ વળવું જરૂરી છે. ઘરેલું સ્તરે પણ ગેસના ઉપયોગને ઘટાડીને ઈલેક્ટ્રિક સ્ટવ અથવા અન્ય સ્વચ્છ ઊર્જા વિકલ્પ અપનાવવાની ભલામણ કરવામાં આવી છે. એજન્સીએ અંતમાં ભારપૂર્વક જણાવ્યું છે કે આ સંકટમાંથી બહાર આવવા માટે વિશ્વને લાંબા ગાળે તેલ અને ગેસ પરની નિર્ભરતા ઘટાડવી પડશે. નવી ઊર્જા નીતિઓ અને જીવનશૈલીમાં ફેરફાર જ આ વૈશ્વિક ઊર્જા સંકટનો સ્થાયી ઉકેલ સાબિત થઈ શકે છે.








