Verify Electricity Bill Before Payment: દર મહિને જ્યારે ઘરે વીજળીનું બિલ આવે છે, ત્યારે મોટાભાગના લોકો બિલમાં આપેલી અન્ય મહત્વપૂર્ણ વિગતો વાંચવાને બદલે માત્ર છેલ્લે આપેલી કુલ રકમ જ જુએ છે અને તુરંત જ ઓનલાઈન કે ઓફલાઈન ચૂકવણી કરી દે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમે જે રકમ ચૂકવી રહ્યા છો તે ખરેખર તમારા વપરાશ મુજબ જ છે કે પછી તેમાં કોઈ ભૂલ રહી ગઈ છે? વીજ કંપનીઓ દ્વારા બિલ બનાવતી વખતે અથવા મીટર રીડિંગ લેતી વખતે ઘણીવાર ટેકનિકલ કે માનવસર્જિત ભૂલો થતી હોય છે. જો તમે આવી વિગતો ચકાસ્યા વિના જ નાણાં ચૂકવી દેશો, તો અજાણતાં જ તમારે વધારાના પૈસા ચૂકવવાનો વારો આવી શકે છે. તેથી બિલ ચૂકવતાં પહેલાં તેની બારીકાઈથી તપાસ કરવી અત્યંત જરૂરી છે.
બિલની પ્રાથમિક વિગતો, ગ્રાહક નંબર અને કનેક્શન કેટેગરી જરૂર ચકાસો
લાઈટ બિલ હાથમાં આવતાં જ સૌથી પહેલાં તેના પર દર્શાવેલું ગ્રાહકનું નામ, સરનામું અને એકાઉન્ટ આઈડી ચકાસી લેવું જોઈએ. બિલ આઈડી દરેક મહિને બદલાઈ શકે છે, પરંતુ તમારો એકાઉન્ટ નંબર કાયમી રહે છે. આ સિવાય બિલમાં આપેલી 'મંજૂર થયેલ લોડ' અને 'કનેક્શન કેટેગરી' ખાસ જુઓ. સામાન્ય રીતે ઘર વપરાશ માટે 'ડોમેસ્ટિક' અને ધંધાકીય જગ્યાઓ માટે 'કોમર્શિયલ' કેટેગરી હોય છે. બંને કેટેગરીના વીજ દરો અલગ-અલગ હોય છે. જો ભૂલથી તમારું ઘરનું કનેક્શન કોમર્શિયલ કેટેગરીમાં દર્શાવાયું હોય, તો દર મહિને તમારે યુનિટ દીઠ વધારે ચાર્જ ચૂકવવો પડી શકે છે.
મીટર રીડિંગ અને વપરાયેલા યુનિટની ગણતરી સૌથી વધુ મહત્વની
વીજ બિલમાં સૌથી મહત્વનો ભાગ મીટર રીડિંગનો હોય છે. બિલમાં ગત મહિનાનું રીડિંગ અને વર્તમાન મહિનાનું રીડિંગ બંને દર્શાવેલા હોય છે. આ બંને રીડિંગ વચ્ચેનો તફાવત એટલે આ મહિને તમે વાપરેલા કુલ યુનિટ. ઘણીવાર એવું બને છે કે મીટર રીડર ઘરે આવ્યા વિના અંદાજિત રીડિંગ નોંધી લે છે, જેના કારણે વાસ્તવિક વપરાશ કરતાં બિલ ઘણું વધારે કે ઓછું આવી શકે છે. આથી, બિલ આવ્યા પછી તમારા ઘરમાં લાગેલા વીજ મીટર પર દેખાતા આંકડા અને બિલમાં લખેલા વર્તમાન રીડિંગની સરખામણી કરવી જોઈએ. જો બંને વચ્ચે મોટો તફાવત જણાય, તો તુરંત જ વીજ કંપનીનું ધ્યાન દોરવું જોઈએ.
પેપર બિલ અને ઓનલાઈન રકમમાં તફાવત આવવાનું કારણ શું?
ઘણા ગ્રાહકોની એવી ફરિયાદ હોય છે કે ઘરે મળેલા કાગળના બિલમાં રકમ ઓછી હોય છે, પરંતુ જ્યારે તેઓ ગુગલ પે, પેટીએમ કે વીજ કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પર ચૂકવણી કરવા જાય છે ત્યારે રકમ વધારે બતાવે છે. આ તફાવત પાછળ જૂની કોઈ બાકી રકમ, મોડા બિલ ભરવાનો ચાર્જ અથવા સુરક્ષા ડિપોઝિટ જેવા વધારાના શુલ્ક જવાબદાર હોઈ શકે છે. જો તમને ઓનલાઈન અને પેપર બિલની રકમમાં વિસંગતતા દેખાય, તો ગભરાઈને તુરંત પેમેન્ટ કરવાને બદલે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરીને તેની સ્પષ્ટતા મેળવી લેવી હિતાવહ છે.
બિલ ભરવાની છેલ્લી તારીખ અને વિલંબ શુલ્કથી બચો
દરેક વીજ બિલ પર નાણાં ચૂકવવાની છેલ્લી તારીખ એટલે કે 'ડ્યુ ડેટ' સ્પષ્ટ અક્ષરે લખેલી હોય છે. જો તમે નિયત તારીખ સુધીમાં બિલ નથી ભરતા, તો આગળના બિલમાં લેટ પેમેન્ટ ચાર્જ કે સરચાર્જ ઉમેરાઈને આવે છે. આ ઉપરાંત, જો બિલમાં તમારો મોબાઈલ નંબર કે ઈ-મેલ આઈડી ખોટો હોય, તો તેને વીજ કંપનીની ઓફિસે જઈને તુરંત અપડેટ કરાવી લેવો જોઈએ, જેથી દર મહિને એસએમએસ દ્વારા બિલની સમયસર માહિતી મળતી રહે.
બિલ સાચું છે કે નહીં? આ રીતે કરો સ્ટેપ-બાય-સ્ટેપ ચેકિંગ
સ્ટેપ 1: બિલ પર તમારો ગ્રાહક નંબર (Consumer ID) અને નામ સાચું છે કે નહીં તે જુઓ.
સ્ટેપ 2: કનેક્શનનો મંજૂર થયેલો લોડ અને કેટેગરી (રહેણાંક/કોમર્શિયલ) ચકાસો.
સ્ટેપ 3: ઘરના વીજ મીટરનું રીડિંગ અને બિલમાં દર્શાવેલું વર્તમાન રીડિંગ સરખાવો.
સ્ટેપ 4: ગત મહિનાની કોઈ જૂની રકમ બાકી તરીકે ઉમેરાઈને આવી છે કે નહીં તે જુઓ.
સ્ટેપ 5: પેપર બિલ અને ઓનલાઈન પેમેન્ટ એપમાં દર્શાવેલી રકમ સમાન છે કે નહીં તેની ખાતરી કરો.
જો આમાંથી કોઈપણ વિગત ખોટી જણાય તો બિલ ભરતાં પહેલાં તમારા વિસ્તારની વીજ સબ-ડિવિઝન કચેરી અથવા ટોલ-ફ્રી હેલ્પલાઈન નંબર પર ફરિયાદ નોંધાવી શકો છો.








