US Stock Market Crash: અમેરિકાના શેરબજારમાં ગુરુવારે ભારે ઘટાડો નોંધાયો હતો. આ કડાકાની સૌથી વધુ અસર ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સાથે જોડાયેલી કંપનીઓ પર જોવા મળી હતી. નાસ્ડેક-100ની મોટી કંપનીઓના કુલ બજાર મૂલ્યમાંથી એક જ દિવસમાં આશરે 2.5 ટ્રિલિયન ડોલરનું ધોવાણ થયું હોવાનું અહેવાલમાં જણાવાયું છે. ભારતીય ચલણમાં આ રકમ આશરે 236 લાખ કરોડ રૂપિયા થાય છે. ચૂંટણીનાં પરિણામો બાદ AI કંપનીઓ પર કડક નિયમો લાગુ થવાની આશંકાએ રોકાણકારોની ચિંતા વધારી છે.
અમેરિકાની ચૂંટણીનાં પરિણામો બાદ AI કંપનીઓ પર નિયમોનો ડર
અમેરિકામાં યોજાયેલી મિડટર્મ ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીની મોટી જીત બાદ શેરબજારમાં અનિશ્ચિતતા વધી છે. રોકાણકારોને આશંકા છે કે રાજકીય બદલાવ બાદ AI કંપનીઓના કામકાજ પર વધુ કડક દેખરેખ રાખવામાં આવી શકે છે. ખાસ કરીને AI સિસ્ટમ ચલાવવા માટે જરૂરી હજારો કમ્પ્યુટર અને સર્વર્સ ધરાવતા ડેટા સેન્ટર્સના નિર્માણ પર નવા નિયમો લાગુ થવાની શક્યતા છે. આ ઉપરાંત, ડેટા સેન્ટર્સ બનાવવાની પ્રક્રિયા ધીમી પડી શકે તેવી ચિંતાએ પણ રોકાણકારોને સતર્ક કર્યા છે.
નાસ્ડેકમાં 5.5 ટકાનો મોટો ઘટાડો
ગુરુવારે બજાર ખુલતાની સાથે જ ટેક કંપનીઓના શેરમાં વેચવાલી જોવા મળી હતી. અહેવાલો મુજબ, ટેકનોલોજી કંપનીઓનું પ્રતિનિધિત્વ કરતા નાસ્ડેક કમ્પોઝિટ ઇન્ડેક્સમાં 5.5 ટકાનો ઘટાડો નોંધાયો હતો. એપ્રિલ 2025 પછીનો આ એક દિવસનો સૌથી મોટો ઘટાડો હોવાનું જણાવાયું છે. ચિપ બનાવતી કંપનીઓના શેરમાં પણ ભારે ઘટાડો થયો હતો. સંબંધિત સેમિકન્ડક્ટર ઇન્ડેક્સ આશરે 12 ટકા તૂટીને છ મહિનાના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો હતો.
ઓક્ટોબરના રેકોર્ડ સ્તરથી 12 ટકા નીચે નાસ્ડેક
ઓક્ટોબરમાં રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા બાદ નાસ્ડેક ઇન્ડેક્સમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. હવે તે પોતાના ઉચ્ચતમ સ્તરથી આશરે 12 ટકા નીચે આવી ગયો છે, જેના કારણે બજાર કરેક્શનની સ્થિતિમાં હોવાનું માનવામાં આવે છે. ઊંચા વ્યાજદરને કારણે નાની AI કંપનીઓ માટે ભંડોળ મેળવવું પહેલેથી જ મુશ્કેલ બન્યું હતું. હવે AI ક્ષેત્રમાં કડક નિયમો લાગુ થવાની આશંકાએ આ કંપનીઓની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. રોકાણકારો હવે ટેક કંપનીઓના ભવિષ્ય અને AI ક્ષેત્રમાં થતા રોકાણ અંગે વધુ સાવચેત બની રહ્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પે બજારના ઘટાડા માટે ડેમોક્રેટ્સને જવાબદાર ગણાવ્યા
અમેરિકાના શેરબજારમાં આવેલા આ મોટા ઘટાડા અંગે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ પ્રતિક્રિયા આપી હતી. તેમણે સોશિયલ મીડિયા પર ડેમોક્રેટિક પાર્ટીની ચૂંટણીમાં જીતને બજારની ઉથલપાથલ સાથે જોડતાં ડેમોક્રેટ્સ પર નિશાન સાધ્યું હતું. ટ્રમ્પે લખ્યું હતું કે ચૂંટણીનાં પરિણામોને કારણે બજારે તેના ઇતિહાસના સૌથી ખરાબ દિવસોમાંથી એક જોયો છે. તેમણે આ ઘટાડાથી લોકોના રિટાયરમેન્ટ એકાઉન્ટ્સ પર પણ અસર પડી હોવાનું જણાવ્યું હતું. જોકે, સાથે જ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે અમેરિકા ટૂંક સમયમાં ફરી મજબૂત સ્થિતિમાં આવશે.
AI કંપનીઓ અને રોકાણકારો માટે વધી ચિંતા
અમેરિકાના શેરબજારમાં થયેલા આ ઘટાડાએ ટેકનોલોજી ક્ષેત્રમાં રોકાણ કરનારા લોકોની ચિંતા વધારી છે. ખાસ કરીને AI, સેમિકન્ડક્ટર અને ડેટા સેન્ટર સાથે જોડાયેલી કંપનીઓ પર તેની અસર જોવા મળી છે. હવે રોકાણકારોની નજર સરકારની આગામી નીતિઓ અને AI ક્ષેત્ર માટેના સંભવિત નિયમો પર રહેશે.








