UPI payment rules 2026: યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ એટલે કે UPI વ્યવહારો પર લાગુ થનારા નવા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) અંગે સરકારે સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે. 2,000 રૂપિયાથી વધુના વ્યાપારી પેમેન્ટ પર લાગુ થનારો 0.4 ટકા શુલ્ક સામાન્ય ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવશે નહીં. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પેટે એકઠો થતો એક પણ રૂપિયો સરકારી ખજાનામાં જશે નહીં. કોંગ્રેસ સહિતના વિપક્ષી પક્ષો દ્વારા આ શુલ્કને જનતા પર લાદવામાં આવેલો છૂપો ટેક્સ ગણાવવામાં આવી રહ્યો હતો, જેને સરકારે સદંતર નકારી કાઢતાં જણાવ્યું છે કે MDR કોઈ ટેક્સ, સેસ કે સરચાર્જ નથી, પરંતુ માત્ર ડિજિટલ નેટવર્ક સંચાલનનો સર્વિસ ચાર્જ છે.
MDRની આવકનું ચાર ભાગમાં વિભાજન
સરકારે સ્પષ્ટ કર્યું છે કે UPI ઇકોસિસ્ટમને આર્થિક રીતે સક્ષમ અને સુરક્ષિત રાખવા માટે આ ચાર્જ લેવામાં આવે છે. 2,000 રૂપિયાથી વધુના ટ્રાન્ઝેક્શન પર એકત્રિત થયેલા MDR ના નાણાંનું ચાર મુખ્ય હિસ્સેદારો વચ્ચે વિતરણ કરવામાં આવશે. જેમાં કુલ MDR માંથી સૌથી મોટો 40 ટકા હિસ્સો ગ્રાહકના બેંક ખાતા સાથે જોડાયેલી બેંકને મળશે. ત્યારબાદ 30 ટકા રકમ સંબંધિત પેમેન્ટ ગેટવે કંપનીઓને ફાળવાશે, 20 ટકા રકમ UPI એપ્લિકેશન પ્રોવાઇડરને અપાશે અને બાકી રહેલો 10 ટકા હિસ્સો UPI એપ્લિકેશનના સ્પોન્સર બેંકના ખાતામાં જશે. આમ, આ સમગ્ર રકમ ડિજિટલ વ્યવહારોને ટેકો આપતી સંસ્થાઓ વચ્ચે વહેંચાશે.
2 ઓક્ટોબરે દેશવ્યાપી 'નો UPI ડે' અને વેપારીઓનો વિરોધ
નવા MDR નિયમોના અમલીકરણ સામે દેશભરના વેપારીઓમાં ભારે રોષ ફેલાયો છે. વેપારી સંગઠનોએ 2 ઓક્ટોબરના રોજ 'નો UPI ડે' પાળવાની જાહેરાત કરી છે, જેના ભાગરૂપે દુકાનદારો તે દિવસે ગ્રાહકો પાસેથી UPI મારફતે કોઈપણ પ્રકારની ચૂકવણી સ્વીકારશે નહીં. આ વિરોધ પ્રદર્શન દરમિયાન વેપારીઓ પોતાની દુકાનો અને શોરૂમમાં લગાવેલા UPI ક્યૂઆર કોડ, સ્કેનર અને સાઉન્ડ બોક્સ જેવા ડિજિટલ ડિવાઇસને કાળા કપડાથી ઢાંકીને સરકાર સામે પોતાનો વાંધો નોંધાવશે. મહારાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ, ઇન્ડસ્ટ્રી એન્ડ એગ્રીકલ્ચર (MACCIA) ના અધ્યક્ષ રવીન્દ્ર મંગવે અનુસાર, આ આંદોલન માત્ર મહારાષ્ટ્ર પૂરતું સીમિત ન રહેતાં દેશભરના 500 થી વધુ અગ્રણી વેપારી સંગઠનો તેમાં જોડાઈ રહ્યા છે. વેપારીઓની સ્પષ્ટ માંગ છે કે 15 ઓક્ટોબરથી લાગુ થનારા આ નવા ચાર્જને સરકારે તાત્કાલિક પાછો ખેંચવો જોઈએ.
વેપારી આલમ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી ચિંતાઓ
રિટેલ વેપારીઓ અને વિતરકોનું કહેવું છે કે મોટાભાગના વેપારીઓ ખૂબ જ ઓછા નફાના માર્જિન પર ધંધો કરે છે, તેથી ડિજિટલ લેવડદેવડ પર વધારાનો ચાર્જ લાદવાથી તેમનો સંચાલન ખર્ચ સીધો વધી જશે. વેપારી સંગઠનોની દલીલ છે કે ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ વ્યવસાયિક પ્રક્રિયા સરળ બનાવવા માટે હતી, વેપારીઓ પર આર્થિક બોજ નાખવા માટે નહીં. UPI ના આગમનથી દેશમાં રોકડ વ્યવહારો ઘટ્યા છે અને વેપારીઓએ સમગ્ર સિસ્ટમને પારદર્શક બનાવવામાં સક્રિય યોગદાન આપ્યું છે, તેવામાં તેમના પર ચાર્જ લાદવો એ ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવાને બદલે સજા કરવા સમાન છે. જો સરકાર આ નિર્ણય પર પુનર્વિચાર નહીં કરે, તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.
નવા MDR નિયમો અને વ્યવસાયિક માળખું
નવા નિયમો મુજબ જે વેપારીઓની માસિક UPI આવક 1 લાખ રૂપિયાથી વધુ હોય (પર્સન-ટુ-મર્ચેન્ટ), તેમણે જ 2,000 રૂપિયાથી વધુના દરેક ટ્રાન્ઝેક્શન પર 0.4 ટકા MDR વત્તા GST ચૂકવવો પડશે. મહિનામાં કુલ 1 લાખ રૂપિયા સુધીનું કલેક્શન ધરાવતા નાના વેપારીઓને આ ચાર્જમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે. જો કોઈ નાનો વેપારી સતત 3 મહિના સુધી 1 લાખથી વધુ રકમ UPI દ્વારા મેળવે, તો બેંક તેને આપમેળે 'મોટા મર્ચેન્ટ'ની કેટેગરીમાં ફેરવી દેશે. મોટા વેપારીઓ માટે પણ 2,000 રૂપિયા સુધીના તમામ નાના પેમેન્ટ સંપૂર્ણપણે મફત રહેશે. આ ઉપરાંત, 75,000 રૂપિયા કે તેથી વધુના મોટા ટ્રાન્ઝેક્શન પર મહત્તમ 300 રૂપિયા વત્તા GST નો કેપ લગાવવામાં આવ્યો છે. રેલવે, પેટ્રોલ પંપ, વીજળી બિલ, ટેલિકોમ અને એજ્યુકેશન જેવા અતિમહત્વના ક્ષેત્રો માટે 0.4 ટકાના બદલે માત્ર 5 રૂપિયાનો ફ્લેટ ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે.
મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) એટલે શું?
મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ એટલે કે MDR એવો શુલ્ક છે જે વેપારી કે દુકાનદાર ડિજિટલ પેમેન્ટ સેવાઓ જેવી કે પીઓએસ મશીન, પેમેન્ટ ગેટવે કે UPI સુવિધાનો ઉપયોગ કરવા બદલ બેંક અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સને ચૂકવે છે. આ રકમ દેશના સમગ્ર ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નેટવર્કને સુરક્ષિત રાખવા માટેના ખર્ચને પહોંચી વળવા લેવાય છે, જે માત્ર વેપારીના પક્ષે ચૂકવવાની હોય છે અને ગ્રાહકે તેના માટે કોઈ વધારાનો ચાર્જ આપવો પડતો નથી.
96% વ્યવહારોને અસર નહીં અને કાર્ડ્સ કરતાં સસ્તું
સરકાર અને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) ના આંકડા અનુસાર, ભારતમાં થતા લગભગ 96 ટકા પર્સન-ટુ-મર્ચેન્ટ UPI વ્યવહારો 2,000 રૂપિયાથી ઓછી રકમના હોય છે, જેથી બહુમતી વ્યવહારો પર તેની કોઈ જ અસર નહીં થાય. સામાન્ય વ્યક્તિ દ્વારા અન્ય કોઈ વ્યક્તિને પૈસા મોકલવા (P2P ટ્રાન્સફર) પર ભવિષ્યમાં પણ કોઈ ચાર્જ લેવામાં નહીં આવે. આ ઉપરાંત, ક્રેડિટ કાર્ડ પર લાગતા 1.5 થી 2.5 ટકા અને ડેબિટ કાર્ડ પર લાગતા આશરે 0.90 ટકા સુધીના MDR ચાર્જની સરખામણીએ UPI પર લાદવામાં આવેલો 0.4 ટકા ચાર્જ ઘણો ઓછો અને વ્યાજબી છે. GST રજિસ્ટર્ડ વેપારીઓ MDR પર ચૂકવેલા GST નો ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) તરીકે પણ લાભ મેળવી શકશે, જેથી તેનાથી વેપાર પર બિનજરૂરી ટેક્સ બોજ નહીં વધે.








