Childrens health issue: પેકેટમાં મળતા ખાદ્ય પદાર્થોમાં વધુ પડતી ખાંડ, મીઠું અને સેચ્યુરેટેડ ફેટના ઉપયોગને લઈને સુપ્રીમ કોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. પેકેટના આગળના ભાગમાં સ્પષ્ટ ચેતવણી દર્શાવતું ફ્રન્ટ ઓફ પેક લેબલિંગ એટલે કે FoPL ફરજિયાત કરવાની માગ કરતી અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે આ મુદ્દે પોતે જરૂરી નિર્દેશો જારી કરવાની વાત કરી છે. જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ કે વિનોદ ચંદ્રનની બેંચે બાળકો સહિત લોકોના સ્વાસ્થ્યને અત્યંત મહત્વપૂર્ણ ગણાવી આ મામલાને રાષ્ટ્રીય હિત સાથે જોડાયેલો ગણાવ્યો છે. હવે આ કેસમાં આગામી સુનાવણી 28 સપ્ટેમ્બરે થશે.
સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર અપલોડ થવાની શક્યતા
સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે આ મુદ્દે અદાલતે પૂરતું હોમવર્ક કર્યું છે અને ગુરુવારે ઔપચારિક આદેશ જાહેર કરવામાં આવશે, જે બાદમાં સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર અપલોડ થવાની શક્યતા છે. બેંચે તમામ પક્ષકારોને આદેશનો વિગતવાર અભ્યાસ કરીને આગામી સુનાવણીમાં હાજર રહેવા જણાવ્યું છે. અરજદારો તરફથી હાજર વરિષ્ઠ વકીલ દેવદત્ત કામતે અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ અંગે વધુ કડક ચેતવણીની જરૂરિયાત વ્યક્ત કરી હતી. તેમણે આવા ખાદ્ય પદાર્થોને પૌષ્ટિક ખોરાકની સમકક્ષ ન ગણવા અંગે દલીલ કરી હતી અને ચેતવણી માટે લાલ સિવાય અન્ય રંગનો વિકલ્પ પણ વિચારવા સૂચન કર્યું હતું.
ચેતવણી લેબલ લગાવવાનો પ્રસ્તાવ કોર્ટ સમક્ષ રજૂ
આ મામલે ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક સત્તામંડળ (FSSAI)એ પણ પેકેટના આગળના ભાગે ચેતવણી લેબલ લગાવવાનો પ્રસ્તાવ કોર્ટ સમક્ષ રજૂ કર્યો છે. પ્રસ્તાવિત વ્યવસ્થા મુજબ, નિર્ધારિત મર્યાદા કરતાં વધુ પ્રમાણમાં બે કે તેથી વધુ સંબંધિત તત્વો ધરાવતા ઉત્પાદનો પર લાલ રંગનું ષટ્કોણ આકારનું ચેતવણી ચિહ્ન મૂકવાની દરખાસ્ત છે. તેમાં વધુ પડતી ચરબી, મીઠું અને ખાંડ સહિતના તત્વો અંગે ગ્રાહકોને સ્પષ્ટ ચેતવણી આપવાનો સમાવેશ થાય છે.
નિયમમાંથી મુક્તિ આપવાની દરખાસ્ત
FSSAIના પ્રસ્તાવ મુજબ નવી લેબલિંગ વ્યવસ્થા બે તબક્કામાં લાગુ કરવાની યોજના છે. પ્રથમ તબક્કામાં ઉમેરેલી ચરબી, ખાંડ અથવા મીઠામાંથી બે કે તેથી વધુ તત્વો નિર્ધારિત મર્યાદા કરતાં વધુ હોય તેવા ઉત્પાદનોને આવરી લેવામાં આવશે. બીજા તબક્કામાં કોઈ એક તત્વનું પ્રમાણ પણ નક્કી કરેલી મર્યાદા કરતાં વધુ હોય તો તે ઉત્પાદનને પણ ચેતવણી લેબલના દાયરામાં લાવવામાં આવશે. જોકે ઘી, ખાદ્ય તેલ, સાદું મીઠું, ખાંડ, ગોળ અને મધ જેવી સિંગલ-ઇન્ગ્રીડિયન્ટ વસ્તુઓને આ નિયમમાંથી મુક્તિ આપવાની દરખાસ્ત છે. હવે જરૂરી નિયમોમાં સુધારા બાદ આ વ્યવસ્થા લાગુ કરવાની પ્રક્રિયા આગળ વધશે.








