Ratan Tata Will vs Family Pact:દિગ્ગજ ઉદ્યોગપતિ સ્વ. રતન ટાટાના અવસાન બાદ તેમની વિપુલ સંપત્તિના વારસા અંગે ચર્ચા ચાલી રહી હતી, ત્યારે જ અચાનક ટાટા સન્સના શેરોને લઈને એક મોટો કાયદાકીય પ્રશ્ન ઊભો થયો છે. રતન ટાટા પાસે ટાટા સન્સમાં અંદાજે 0.83 ટકાનો હિસ્સો હતો, જેનું વર્તમાન બજાર મૂલ્ય ₹10,000 કરોડથી પણ વધુ આંકવામાં આવે છે. તેમણે પોતાના વસિયતનામામાં આ તમામ શેર ચેરિટેબલ ટ્રસ્ટોને દાન આપવાની જોગવાઈ કરી છે. પરંતુ મહારાષ્ટ્રના ચેરિટી કમિશનર સમક્ષ રજૂ થયેલા એક જૂના દસ્તાવેજે આખી પ્રક્રિયા પર પ્રશ્નાર્થચિહ્ન લગાવી દીધું છે. આ વિવાદનું મુખ્ય કેન્દ્રબિંદુ રતન ટાટાના પિતા નવલ ટાટા સાથે ત્રણ દાયકા પહેલાં થયેલો એક ખાસ કૌટુંબિક કરાર છે.
1989નો કરાર અને નાની પાલખીવાલાની ખાસ શરત
આ સમગ્ર વિવાદની પાછળ 1989માં થયેલો એક મહત્વપૂર્ણ શેર ટ્રાન્સફર સોદો જવાબદાર છે. એ સમયે નવાજબાઈ રતન ટાટા ટ્રસ્ટ (NRTT) તરફથી રતન ટાટાના પિતા નવલ ટાટાને કેટલાક શેર સોંપવામાં આવ્યા હતા. દેશના જાણીતા બંધારણીય અને કાયદાકીય નિષ્ણાત નાની પાલખીવાલાની સલાહથી તૈયાર કરાયેલા આ કરારમાં એક કડક શરત મૂકવામાં આવી હતી. શરત એ હતી કે નવલ ટાટા અથવા તેમના વારસદારો આ શેરો પરિવાર કે ટ્રસ્ટની બહારની કોઈ ત્રીજી વ્યક્તિ કે સંસ્થાને ટ્રાન્સફર કરી શકશે નહીં. આ જોગવાઈ કરવાનો મુખ્ય આશય એ હતો કે ટાટા સન્સનું માલિકીપણાનું નિયંત્રણ હંમેશાં ટાટા પરિવાર અને તેના મૂળ ટ્રસ્ટો પાસે જ સુરક્ષિત રહે.
રતન ટાટાનું વસિયતનામું અને ફેમિલી પેક્ટ વચ્ચેનો વિરોધાભાસ
રતન ટાટાએ પોતાના વસિયતનામામાં ટાટા સન્સના આ તમામ શેરો પોતાના નવા સ્થપાયેલા ચેરિટેબલ એન્ટિટીઝ, 'રતન ટાટા એન્ડોમેન્ટ ટ્રસ્ટ' (RTET) અને 'રતન ટાટા એન્ડોમેન્ટ ફાઉન્ડેશન' (RTEF)ને સોંપવાની સ્પષ્ટ જોગવાઈ કરી છે. પરંતુ કાયદાકીય પ્રશ્ન એ ઉપસ્થિત થયો છે કે જો પિતા નવલ ટાટા પર આ શેર બહાર ન આપવાની શરત લાગુ પડતી હતી, તો શું રતન ટાટા તેને પરિવારની બહારના નવા એન્ડોમેન્ટ ટ્રસ્ટને આપી શકે? ચેરિટી કમિશનરના વલણ મુજબ, જો જૂના કરારની શરતોનો ભંગ થતો હોય, તો મૂળ નવાજબાઈ રતન ટાટા ટ્રસ્ટ (NRTT)ના ટ્રસ્ટીઓ આ વસિયતનામા સામે યોગ્ય લીગલ સ્ટેપ લેવા માટે સ્વતંત્ર છે.
કોર્ટ કચેરીના બદલે પરિવારમાં જ શાંતિપૂર્ણ ઉકેલ લાવવાની મથામણ
જોકે, ટાટા જૂથની પરંપરાને ધ્યાનમાં રાખીને આ મામલો સાર્વજનિક કોર્ટમાં જવા દેવાને બદલે પરિવાર અને ટ્રસ્ટો વચ્ચે પરસ્પર સંમતિથી ઉકેલવાની કોશિશ થઈ રહી છે. NRTTના ટ્રસ્ટીઓ જેમાં નોએલ ટાટા, વેણુ શ્રીનિવાસન અને વિજય સિંહ જેવા અનુભવી અગ્રણીઓનો સમાવેશ થાય છે. તેઓ રતન ટાટાના વસિયતનામાના એક્ઝિક્યુટર્સ સાથે સીધી વાટાઘાટો કરી રહ્યા છે. વસિયતનામાના અમલીકરણ માટે રતન ટાટાએ જાણીતા વકીલ ડેરિયસ ખંભટ્ટા, મેહલી મિસ્ત્રી અને શિરીન જેજીભોય જેવા વિશ્વાસુ સહયોગીઓની નિમણૂક કરી હતી, જેથી વાતચીત દ્વારા કાયદાકીય રસ્તો નીકળી શકે.
કાયદાકીય નિષ્ણાતોના બે ભિન્ન મત અને ભવિષ્યની દિશા
આ જટિલ કેસમાં દેશના લીગલ એક્સપર્ટ્સ પણ બે ભાગમાં વહેંચાયેલા જોવા મળે છે. એક વર્ગનું માનવું છે કે જ્યારે પિતાને શેર જ શરતી ધોરણે મળ્યા હોય, ત્યારે તેમના પુત્રને પણ તે શેર શરતોમુક્ત વારસામાં મળી શકે નહીં, એટલે કે જૂનો કરાર જ શિરોમાન્ય રહે. બીજી તરફ, રતન ટાટાના વસિયતનામાનો મુસદ્દો તૈયાર કરનારા કાયદાકીય તજજ્ઞોનો દાવો છે કે રતન ટાટાએ આ સંપત્તિ કોઈ ખાનગી વ્યક્તિને નથી આપી, પરંતુ સમાજકલ્યાણ માટેના ચેરિટેબલ હેતુસર દાન કરી છે. તેથી આ ટ્રાન્સફર સંપૂર્ણપણે વૈધ છે. હાલ તુરંત તો સૌની નજર ટ્રસ્ટીઓ અને એક્ઝિક્યુટર્સ વચ્ચે થનારી બેઠકો પર મંડાયેલી છે, જે નક્કી કરશે કે ₹10,000 કરોડના આ શેરોનો આખરી માલિક કોણ બનશે.








