Noel Tata Opposes N Chandrasekaran Reappointment: સામાન્ય રીતે સર્વસંમતિ અને શાંત પારદર્શિતા માટે જાણીતા ટાટા ગ્રૂપના બોર્ડરૂમમાંથી અસામાન્ય અસંતોષની ગંધ બહાર આવતાં જ શેરબજાર ચોંકી ઉઠ્યું છે. ગુરુવારે બજાર બંધ થયા બાદ ટાટા સન્સના બોર્ડ મેમ્બર્સે એન. ચંદ્રશેખરનને ફરી એકવાર ચેરમેન પદે નિયુક્ત કર્યા હતા. જોકે, આ નિર્ણયમાં સૌથી મોટો વળાંક એ આવ્યો કે ખુદ ટાટા પરિવારના સભ્ય નોએલ ટાટાએ આ પુનઃનિયુક્તિનો ખુલ્લેઆમ વિરોધ કરીને ચંદ્રશેખરનની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. કોર્પોરેટ જગતમાં ટાટા પરિવાર તરફથી આવેલો આ અસહમતીનો સૂર સામાન્ય નથી અને દલાલ સ્ટ્રીટે તેને આગામી દિવસોમાં જૂથની લીડરશિપ અને વ્યુહાત્મક દિશા અંગેના સંભવિત આંતરિક ખેંચતાણના સંકેત તરીકે જોયો છે.
ગ્રીન ઝોનમાં દોડતા માર્કેટ વચ્ચે ટાટાના શેરો પર રેડ સિગ્નલ
શુક્રવારે જ્યારે બજાર ખુલ્યું ત્યારે સમગ્ર બજારમાં તેજીનું વાતાવરણ હતું અને નિફ્ટી-સેન્સેક્સ બંને લીલા નિશાનમાં ટ્રેડ કરી રહ્યા હતા, પરંતુ ટાટા ગ્રૂપની બ્લુચિપ કંપનીઓ એકાએક દબાણમાં આવી ગઈ હતી. ગ્રૂપની દિગ્ગજ કંપની ટીસીએસ (TCS)ના શેરમાં 3.31 ટકાનો મોટો ઘટાડો નોંધાતા ભાવ 2115 રૂપિયાની સપાટીએ આવી ગયો હતો. આ સિવાય ટ્રિમેન્ડસ ગ્રોથ બતાવતી ટાટા ટ્રેન્ટના શેર 0.57 ટકા, ટાટા સ્ટીલ 0.51 ટકા ઘટીને 187.05 રૂપિયા અને ટાઈટનના શેર 1 ટકા જેટલા તૂટીને 4825 રૂપિયા પર ટ્રેડ થવા લાગ્યા હતા. જ્યારે સમગ્ર બજારમાં ઉત્સાહ હોય ત્યારે દેશના સૌથી વિશ્વાસુ ઔદ્યોગિક જૂથના શેરોમાં સામૂહિક ઘટાડો થવો એ સ્પષ્ટ કરે છે કે રોકાણકારો કંપનીના આંતરિક નેતૃત્વમાં સર્જાયેલી અસંમતિથી ચિંતિત બન્યા છે.
સમગ્ર આઈટી સેક્ટર પર બેવડો માર
આ ઘટનાક્રમની સીધી અસર આઈટી સેક્ટરના સેન્ટિમેન્ટ પર પણ પડી હતી. બજારમાં મોટાભાગના ક્ષેત્રો તેજીમાં હતા ત્યારે આઈટી સેક્ટર એકમાત્ર એવો ઇન્ડેક્સ રહ્યો જે 1.35 ટકા સુધી લપસી ગયો હતો. ટીસીએસના ઘટાડાની સાથે ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ અને એચસીએલ જેવા અન્ય આઈટી કાઉન્ટર્સ પણ એક ટકાથી વધુ ગગડ્યા હતા. ચંદ્રશેખરનની કારકિર્દી ટીસીએસ સાથે ખૂબ ગાઢ રીતે જોડાયેલી રહી હોવાથી, તેમના નેતૃત્વ પર ઉઠેલા આંતરિક સવાલોએ આઈટી પેકની સાથે ટેલિકોમ સેક્ટર પર પણ એક પ્રકારનું અજંપાભર્યું વાતાવરણ ઊભું કરી દીધું હતું.
આંતરિક મતભેદની અસર ટૂંકાગાળાની કે લાંબા સંઘર્ષની શરૂઆત?
બજારના વિશાળ ચિત્ર પર નજર કરીએ તો બીએસઈના કુલ 3,703 ટ્રેડેડ શેરોમાંથી 2,391 શેર ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા અને 114 શેરોમાં અપર સર્કિટ લાગી હતી, જે બજારની મજબૂત લિક્વિડિટી દર્શાવે છે. આમ છતાં, ટાટા જૂથના કાઉન્ટર્સમાં જોવા મળેલી વેચવાલી દર્શાવે છે કે સંસ્થાકીય રોકાણકારો મેનેજમેન્ટ સ્થિરતાને પ્રાથમિકતા આપે છે. ટાટા ગ્રૂપમાં અગાઉ થયેલા સાયરસ મિસ્ત્રી વિવાદ બાદ રોકાણકારો બોર્ડરૂમની કોઈપણ અસહમતીને અત્યંત ગંભીરતાથી લે છે, જેથી નોએલ ટાટાનો આ અસંમતિનો મત માત્ર એક વોટ નથી પરંતુ ભવિષ્યમાં જૂથના વહીવટ અને દિશા અંગે ઊભા થઈ રહેલા નવા પડકારો તરફ પણ આંગળી ચીંધે છે.








