UPI Transaction Charges Supreme Court: સુપ્રીમ કોર્ટ દ્વારા UPI પેમેન્ટ પર ચાર્જ વસૂલવા સાથે જોડાયેલી જનહિત અરજી પર મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે. સરકારે અગાઉ રૂ. 2,000 થી વધુના પેમેન્ટ પર 0.4% ફી વસૂલવાનો નિર્ણય લીધો છે, જે નવી વ્યવસ્થા હેઠળ આગામી 15 ઓક્ટોબરથી અમલમાં આવવાની છે. આ અરજીમાં આ ફી વસૂલવાના નિર્ણયને રદ કરવાની માંગ કરવામાં આવી છે જેથી સામાન્ય ગ્રાહકો અને નાના વેપારીઓને રાહત મળી શકે.
CJI સૂર્યકાંતની ત્રણ જજોની બેન્ચ કરી રહી છે સુનાવણી
કોર્ટની કોઝ લિસ્ટ અનુસાર, આ મામલાની સુનાવણી ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા (CJI) સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની વિશેષ બેન્ચ સમક્ષ કરવામાં આવી રહી છે. વકીલ અંજન દત્તા દ્વારા આ જનહિત અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં સરકારના આ નિર્ણય સામે ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે.
વગર ચર્ચાએ અને નક્કર કાયદા વિના ફી વસૂલવાનો ગંભીર આરોપ
અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે સરકારે જનતા સાથે કોઈ પણ પ્રકારની ચર્ચા કર્યા વગર અને કોઈ નક્કર નિયમો બનાવ્યા વગર જ આ ફી નક્કી કરી દીધી છે. આ સાથે 'પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ, 2007' ના નિયમ (કલમ 10A) ને પણ અદાલતમાં પડકારવામાં આવ્યો છે. એવો આરોપ છે કે આ નિયમ સરકારને પોતાની મરજીથી એ નક્કી કરવાની છૂટ આપે છે કે કયું ડિજિટલ પેમેન્ટ ફ્રી રહેશે અને કયા પર ચાર્જ લાગશે.
રૂપે કાર્ડ અને UPIના નિયમોમાં તફાવત પર ઉઠાવ્યા સવાલો
અરજીમાં રૂપે ડેબિટ કાર્ડ અને UPI વચ્ચે કરવામાં આવેલા ભેદભાવને સંપૂર્ણપણે ખોટો ઠેરવવામાં આવ્યો છે. અરજીકર્તાના જણાવ્યા મુજબ, સરકારે રૂપે કાર્ડથી થતા પેમેન્ટ પર 'ઝીરો-ચાર્જ' ની સુવિધા યથાવત રાખી છે, પરંતુ UPI દ્વારા રૂ. 2,000 થી વધુના પેમેન્ટ પર ફી લાદી દીધી છે. આને એક મનસ્વી નિર્ણય ગણાવતા કહેવામાં આવ્યું છે કે તેનાથી ઓછા માર્જિન પર કામ કરતા નાના વેપારીઓ પર આર્થિક બોજ વધશે અને સામાન્ય ગ્રાહકોના ખિસ્સા પર પણ તેની અસર પડશે.
UPI ચાર્જ અને MDR ના નવા નિયમોની વેપારીઓ પર કેવી અસર પડશે?
આ નવી વ્યવસ્થા અંતર્ગત મોટા વેપારીઓ કે જેમનું મહિનાનું UPI કલેક્શન રૂ. 1 લાખથી વધુ છે, તેમને રૂ. 2,000 થી મોટા દરેક પેમેન્ટ પર 0.4% MDR અને GST ચૂકવવો પડશે. જ્યારે નાના દુકાનદારો કે જેમની મહિનાની કુલ કમાણી રૂ. 1 લાખ સુધીની છે, તેમના માટે તમામ ટ્રાન્ઝેપ્શન બિલકુલ મફત રહેશે. જો કોઈ નાનો વેપારી સતત 3 મહિના સુધી રૂ. 1 લાખથી વધુનું UPI પેમેન્ટ લેશે, તો બેંક તેને મોટા વેપારીઓની યાદીમાં સામેલ કરી દેશે. આ ઉપરાંત રૂ. 2,000 કે તેથી ઓછા પેમેન્ટ પર કોઈ ફી નહીં લાગે અને મોટા ચાર્જ માટે મહત્તમ મર્યાદા રૂ. 300 અને GST નક્કી કરવામાં આવી છે.








