Subhash Chandra Insolvency: ઝી ગ્રૂપના સ્થાપક અને પૂર્વ રાજ્યસભા સાંસદ સુભાષ ચંદ્રા સામે ચાલી રહેલા પર્સનલ ઇન્સોલ્વન્સી કેસમાં મોટો વળાંક આવ્યો છે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)ની 5 સભ્યોની વિશેષ બેન્ચે અગાઉની બેન્ચ દ્વારા 25 ઓગસ્ટે આપવામાં આવેલા આદેશના અમલ પર વચગાળાનો સ્ટે મૂક્યો છે. સાથે જ સુભાષ ચંદ્રાને પોતાની કોઈપણ સંપત્તિ વેચવા કે અન્ય વ્યક્તિના નામે ટ્રાન્સફર કરવા પર પણ રોક લગાવવામાં આવી છે.
પહેલાના ચુકાદા પર કેમ મૂકાયો સ્ટે?
NCLTના પ્રેસિડેન્ટ જસ્ટિસ (નિવૃત્ત) અનુપિન્દર સિંહ ગ્રેવાલના નેતૃત્વ હેઠળની 5 સભ્યોની વિશેષ બેન્ચે નોંધ્યું કે અગાઉના ચુકાદામાં ટ્રિબ્યુનલના સભ્યો વચ્ચે સ્પષ્ટ બહુમતીનો અભિપ્રાય સામે આવ્યો નથી. આ કારણે હવે સમગ્ર કેસની નવેસરથી સુનાવણી કરવામાં આવશે. કેસ સાથે જોડાયેલા ધિરાણકર્તાઓ, બેન્કો અને અન્ય પક્ષકારોને નોટિસ પાઠવવામાં આવી છે. નવી સુનાવણી પૂર્ણ ન થાય ત્યાં સુધી 25 ઓગસ્ટના અગાઉના આદેશનો અમલ કરી શકાશે નહીં.
સુભાષ ચંદ્રાએ શું રિપેમેન્ટ પ્લાન આપ્યો હતો?
આ કેસની કાર્યવાહી ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ દ્વારા ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડની કલમ 95 હેઠળ શરૂ કરવામાં આવી હતી. કેસમાં મંજૂર થયેલા કુલ ₹22,006.57 કરોડના દાવા સામે સુભાષ ચંદ્રા તરફથી માત્ર ₹6.25 કરોડની ચુકવણીનો રિપેમેન્ટ પ્લાન રજૂ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ઇન્સોલ્વન્સી પ્રક્રિયાના ખર્ચ માટે ₹25 લાખ ફાળવવાની દરખાસ્ત કરવામાં આવી હતી.
લેણદારોએ શા માટે કર્યો વિરોધ?
સુભાષ ચંદ્રાના રિપેમેન્ટ પ્લાન સામે લેણદારો તરફથી ગંભીર વાંધા ઉઠાવવામાં આવ્યા છે.
₹22,006 કરોડથી વધુના મંજૂર દાવા સામે માત્ર ₹6.25 કરોડ ચૂકવવાની દરખાસ્ત છે.
આ રકમ કુલ દાવાની સરખામણીએ અત્યંત નાની છે.
લેણદારોનું કહેવું છે કે આ પ્લાન સ્વીકારવામાં આવે તો બેન્કો અને અન્ય ધિરાણકર્તાઓને મોટું આર્થિક નુકસાન થઈ શકે છે.
‘મારું વ્યક્તિગત દેવું શૂન્ય છે’ : સુભાષ ચંદ્રા
સોશિયલ મીડિયા પર સુભાષ ચંદ્રાએ પોતાના બચાવમાં કહ્યું હતું કે તેમણે વ્યક્તિગત રીતે બેન્કો અથવા નાણાકીય સંસ્થાઓ પાસેથી કોઈ લોન લીધી નથી. તેમના જણાવ્યા મુજબ, તેમણે માત્ર પોતાની કંપનીઓ દ્વારા લેવામાં આવેલી લોન માટે વ્યક્તિગત ગેરંટી આપી હતી. ₹22,006.57 કરોડનો આંકડો તેમના નામ સાથે જોડાતા લોકોમાં તેમના વિશે ખોટી છાપ ઊભી થઈ રહી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
5 સભ્યોની વિશેષ બેન્ચ હવે શું કરશે?
કેસની ગંભીરતા અને અગાઉના ચુકાદામાં રહેલા મતભેદોને ધ્યાનમાં રાખીને NCLT પ્રેસિડેન્ટે 5 સભ્યોની વિશેષ બેન્ચની રચના કરી છે. આ બેન્ચમાં જસ્ટિસ (નિવૃત્ત) અનુપિન્દર સિંહ ગ્રેવાલ, બચુ વેંકટ બલરામ દાસ, મહેન્દ્ર ખંડેલવાલ, અતુલ ચતુર્વેદી અને રવિન્દ્ર ચતુર્વેદીનો સમાવેશ થાય છે. હવે વિશેષ બેન્ચ સુભાષ ચંદ્રાના રિપેમેન્ટ પ્લાનની કાયદેસરતા તેમજ લેણદારો દ્વારા કરવામાં આવેલા વાંધાઓ પર ફરીથી દલીલો સાંભળશે. ત્યારબાદ કેસમાં નવો નિર્ણય લેવામાં આવશે.








