Stock Market News: શુક્રવારે સવારના કારોબારમાં વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે ભારતીય શેરબજારમાં ભારે વેચવાલી જોવા મળી હતી. સેન્સેક્સ 740થી વધુ પોઈન્ટ તૂટીને 74,160ની સપાટીએ પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટી 50 પણ આશરે 250 પોઈન્ટના ઘટાડા સાથે 23,231ની ઇન્ટ્રાડે સપાટીએ સરકી ગયો હતો. બજારમાં અચાનક આવેલા આ કડાકાથી શરૂઆતની મિનિટોમાં જ રોકાણકારોને મોટું નુકસાન થયું હતું.
રોકાણકારોના 6 લાખ કરોડ રૂપિયા ડૂબ્યા
શેરબજારમાં વેચવાલી વધતા બજારમાં વ્યાપક ઘટાડો જોવા મળ્યો હતો. BSE પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન ઘટીને આશરે 478 લાખ કરોડ રૂપિયા થયું હતું. ભારે ઘટાડાને કારણે શરૂઆતની માત્ર પાંચ મિનિટમાં જ રોકાણકારોની સંપત્તિમાં અંદાજે 6 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો હતો. મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં પણ દોઢ ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.
ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ઉછાળો
મિડલ ઈસ્ટમાં અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ વધવાની સાથે યમનના હૂથી વિદ્રોહીઓ અને સાઉદી સમર્થિત દળો વચ્ચેનો સંઘર્ષ પણ વધુ તીવ્ર બન્યો છે. આ સ્થિતિ વચ્ચે બ્રેન્ટ ક્રૂડ ઓઈલનો ભાવ ફરી વધીને પ્રતિ બેરલ 109 ડૉલરને પાર પહોંચી ગયો છે. ક્રૂડના વધતા ભાવથી સપ્લાયમાં વિક્ષેપ અને વૈશ્વિક મોંઘવારી વધવાની ચિંતા વધી છે. તેની અસર ભારતના GDP ગ્રોથ અને કંપનીઓની કમાણી પર પણ પડી શકે છે.
અમેરિકન બોન્ડ યીલ્ડમાં પણ વધારો
અમેરિકામાં વધતી મોંઘવારી અને દેવાના દબાણ વચ્ચે US 10-વર્ષીય બોન્ડ યીલ્ડ વધીને 4.98 ટકા સુધી પહોંચી ગઈ છે. આ દર 5 ટકાની મહત્વપૂર્ણ સપાટીની નજીક હોવાથી વિદેશી રોકાણકારો ભારતીય બજારમાંથી નાણાં પાછાં ખેંચે તેવી ચિંતા વધી છે. સાથે જ અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો કરવાની શક્યતાએ પણ વૈશ્વિક બજારોનું સેન્ટિમેન્ટ નબળું કર્યું છે.
US-ઈરાન તણાવથી બજારની ચિંતા વધી
અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ સતત વધી રહ્યો છે અને નજીકના ભવિષ્યમાં સ્થિતિ સામાન્ય થવાની શક્યતા ઓછી દેખાઈ રહી છે. બીજી તરફ, હૂથી વિદ્રોહીઓ દ્વારા યમનના મોટા પોર્ટ પર કબજો જમાવવાના અહેવાલો વચ્ચે ઓઈલ સપ્લાય શિપમેન્ટને અસર થવાની ચિંતા વધી છે. મિડલ ઈસ્ટમાં વધતી અસ્થિરતા વૈશ્વિક બજારો માટે નકારાત્મક સંકેત બની રહી છે.
IPO અને રૂપિયાના ઘટાડાથી પણ દબાણ
બજારમાં IPOની વધતી પ્રવૃત્તિને કારણે સેકન્ડરી માર્કેટમાંથી મોટું નાણું પ્રાઇમરી માર્કેટ તરફ વળી રહ્યું છે. તેની અસર પણ શેરબજારના સેન્ટિમેન્ટ પર પડી રહી છે. બીજી તરફ, અમેરિકન ડૉલર સામે ભારતીય રૂપિયો 27 પૈસા નબળો પડીને 95.79ના સ્તરે પહોંચ્યો છે. ક્રૂડના વધતા ભાવ, નબળો રૂપિયો અને વૈશ્વિક અનિશ્ચિતતાના કારણે ભારતીય શેરબજાર પર દબાણ વધુ વધ્યું છે.








