Smartphone Price Hike in India: આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન દરેક વ્યક્તિની જરૂરિયાત બની ગયો છે. પરંતુ જો તમે આગામી થોડા મહિનામાં નવો મોબાઈલ ફોન ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તાજેતરમાં સામે આવેલા એક રિપોર્ટ મુજબ, આવનારા સમયમાં સ્માર્ટફોન ખરીદવો ઘણો મોંઘો પડી શકે છે. અત્યાર સુધી જે ફોન સામાન્ય બજેટમાં મળી જતા હતા, તેના માટે પણ હવે ગ્રાહકોએ વધુ રૂપિયા ચૂકવવા પડશે. રિસર્ચ ફર્મ Counterpoint Researchના અહેવાલ અનુસાર, આ વર્ષના અંત સુધીમાં પ્રીમિયમ સ્માર્ટફોનની કિંમતોમાં 30 ટકાથી પણ વધુનો ઉછાળો જોવા મળી શકે છે.
1 લાખથી વધુ કિંમતના ફોન હવે સામાન્ય બનશે
થોડા વર્ષો પહેલા ભારતીય બજારમાં 1 લાખ રૂપિયાથી મોંઘો ફોન ખરીદવો એ બહુ મોટી વાત ગણાતી હતી, પરંતુ હવે આ કિંમત સામાન્ય બનવા જઈ રહી છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે અગાઉ જે ફોન 50,000થી 70,000 રૂપિયાની આસપાસ મળતા હતા, તેની કિંમત હવે ઝડપથી 1 લાખ રૂપિયાને પાર જઈ રહી છે. આ ઉપરાંત Apple અને Samsung જેવી દિગ્ગજ કંપનીઓના ટોપ-એન્ડ મોડલની કિંમતો પણ 2 લાખ રૂપિયાની નજીક પહોંચી રહી છે. આ સ્થિતિમાં નવો અને સારી બ્રાન્ડનો ફોન ખરીદવો સામાન્ય ગ્રાહક માટે થોડું મુશ્કેલ બની શકે છે.
મોંઘવારી પાછળ મેમરી ચિપનો મોટો ફાળો
સ્માર્ટફોનની કિંમતો આટલી ઝડપથી કેમ વધી રહી છે, તેનું મુખ્ય કારણ ફોનમાં વપરાતી મેમરી ચિપ એટલે કે DRAM અને NANDના વધતા ભાવ છે. સમગ્ર વિશ્વમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ડેટા સેન્ટર્સની માંગ ખૂબ જ વધી ગઈ છે, જેની સીધી અસર આ મેમરી પાર્ટ્સની કિંમતો પર પડી છે. Counterpoint Researchના ડેટા મુજબ, વર્ષ 2025ની શરૂઆતમાં એક સ્માર્ટફોન બનાવવાના કુલ ખર્ચમાં મેમરી ચિપનો હિસ્સો માત્ર 13 ટકા જેટલો હતો. પરંતુ આ વર્ષના અંત સુધીમાં આ હિસ્સો વધીને 43 ટકા સુધી પહોંચી જવાની શક્યતા છે. ઉત્પાદન ખર્ચમાં આટલો મોટો વધારો થવાને કારણે કંપનીઓ માટે જૂના ભાવે ફોન વેચવા અશક્ય બની ગયા છે.
Apple, Samsung સહિતની મોટી બ્રાન્ડ્સના ભાવ વધ્યા
મેમરી ચિપ મોંઘી થવાની અસર કોઈ એક કંપની પર નહીં, પરંતુ સમગ્ર મોબાઈલ માર્કેટ પર જોવા મળી રહી છે. રિપોર્ટ મુજબ, છેલ્લા એક વર્ષમાં Oppoના ફ્લેગશિપ ફોનની કિંમતોમાં 82થી 87 ટકા સુધીનો જંગી વધારો થયો છે. તેવી જ રીતે Appleના iPhone પણ 20થી 22 ટકા જેટલા મોંઘા થયા છે. Samsung કંપનીએ પણ દિવાળી પહેલા પોતાના Galaxy S26 ફ્લેગશિપ મોડલના ભાવમાં 17 ટકાનો વધારો કર્યો હતો. આ ઉપરાંત Xiaomiએ પણ તહેવારોની સિઝન પૂરી થયા બાદ પોતાના ફોનના ભાવ વધાર્યા છે, જ્યારે દિવાળી પછી અન્ય કેટલાક મોડલની કિંમતમાં પણ 2,000થી 4,000 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે.
ગ્રાહકોએ સમજી-વિચારીને ખરીદી કરવી જરૂરી
મોબાઈલ બનાવતી કંપનીઓ વધતા ખર્ચને પહોંચી વળવા માટે હવે નવા ફોનના ફીચર્સમાં ફેરફાર કરવા અને કિંમતો વધારવા મજબૂર બની છે. મોંઘવારીના આ સમયમાં ગ્રાહકો માટે કિંમત અને ફીચર્સ વચ્ચે યોગ્ય તાલમેલ બેસાડવો ખૂબ જરૂરી છે. નિષ્ણાતોનું માનવું છે કે હવે ગ્રાહકોએ ઉતાવળમાં ફોન બદલવાને બદલે એવા સ્માર્ટફોન પર પસંદગી ઉતારવી જોઈએ, જે લાંબા સમય સુધી સારું પર્ફોર્મન્સ આપે અને ચૂકવેલા રૂપિયાનું પૂરું વળતર આપી શકે.








