PVR Inox Shares Drop Pramod Arora Bribery Scam: ભારતની સૌથી મોટી મલ્ટીપ્લેક્સ અને સિનેમા એક્ઝિબિટર કંપની PVR Inoxના શેરમાં સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે 8% કરતાં વધુનો મોટો કડાકો બોલી ગયો હતો. કંપનીના એક સીનિયર એક્ઝિક્યુટિવ દ્વારા સિનેમા પ્રોપર્ટી બનાવતા રિયલ એસ્ટેટ ડેવલોપર્સ પાસેથી અંદાજે ₹200 કરોડની લાંચ (કિકબેક) લેવાના મામલે આંતરિક તપાસ બહાર આવ્યા બાદ રોકાણકારોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.
ચીફ એક્ઝિક્યુટિવ ઓપરેટર પ્રમોદ અરોરાની હકાલપટ્ટી
આંતરિક તપાસમાં ગંભીર ગેરરીતિઓ સામે આવ્યા બાદ કંપનીએ ગ્રોથ અને ઈન્વેસ્ટમેન્ટ વિભાગના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) પ્રમોદ અરોરા અને તેમના કેટલાક સહયોગીઓને તાત્કાલિક અસરે નોકરીમાંથી હાંકી કાઢ્યા હતા. આ કૌભાંડના સમાચાર વાયરલ થતાં જ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર PVR Inoxનો શેર ઘટીને ₹1,126.60ના 1 મહિનાના નીચલા સ્તરે પહોંચી ગયો હતો. જોકે, પાછળથી નીચલા મથાળેથી થોડો સુધારો જોવા મળ્યો હતો.
પ્રમોટર્સ અજય બીજલી અને સંજીવ બીજલી પણ શંકાના દાયરામાં
મીડિયા અહેવાલો મુજબ બોર્ડ ઓફ ડિરેક્ટર્સે તાજેતરની બેઠકોમાં આ ગેરરીતિઓ અંગે ઊંડી ચર્ચા કરી છે. જે સીનિયર એક્ઝિક્યુટિવ સામે કાર્યવાહી કરવામાં આવી છે તેઓ કંપનીના પ્રમોટર્સના અત્યંત નજીકના માનવામાં આવે છે. આનાથી એવા સવાલો ઊભા થયા છે કે, આ ગેરકાયદે લેવડ-દેવડ કેટલા સમયથી ચાલતી હતી અને શું પ્રમોટર્સને આની જાણ હતી કે નહીં? આ કૌભાંડના કારણે ફેબ્રુઆરી 2023માં PVR અને INOXના વિલય (Merger) બાદ કંપની ચલાવી રહેલા કો-પ્રમોટર અજય બીજલી અને સંજીવ બીજલીની પણ તપાસ થવાની પૂરેપૂરી શક્યતા છે.
કોણ છે અજય બીજલી?
અજય બીજલી એક બિઝનેસ પરિવારમાંથી આવે છે. તેમણે 1988માં માત્ર 22 વર્ષની વયે પોતાના પિતાના ટ્રાન્સપોર્ટ બિઝનેસ 'અમૃતસર ટ્રાન્સપોર્ટ કંપની'થી પોતાની કરિયર શરૂ કરી હતી પરંતુ, 1990માં લગ્ન બાદ તેમણે પિતા પાસે અલગ બિઝનેસ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
પ્રિયા સિનેમાથી શરૂઆત: 1990ના દાયકામાં પિતાએ 1978માં ખરીદેલું દિલ્હીનું ખોટમાં ચાલતું 'પ્રિયા સિનેમા' અજયને સોંપવામાં આવ્યું.
મલ્ટીપ્લેક્સ ક્રાંતિ: અજય બીજલીએ દિલ્હીના પ્રિયા સિનેમાનો કાયાકલ્પ કરીને ભારતનું પ્રથમ મલ્ટીપ્લેક્સ (PVR - Priya Village Roadshow) સ્થાપિત કર્યું હતું, જેણે ભારતમાં ફિલ્મ જોવાની રીત બદલી નાખી.
PVR Inox અને ભારતીય સિનેમા માર્કેટ અંગે વિશેષ માહિતી
PVR અને INOXનું ઐતિહાસિક મર્જર: ફેબ્રુઆરી 2023માં ભારતની બે સૌથી મોટી સિનેમા ચેન PVR લિમિટેડ અને Inox લેઝર લિમિટેડનું મર્જર થયું હતું. આ મર્જર બાદ બનેલી નવી કંપની 'PVR Inox Limited' દેશના 75થી વધુ શહેરોમાં 1700થી વધુ સ્ક્રીન્સ સાથે ભારતની સૌથી મોટી સિનેમા એક્ઝિબિટર બ્રાન્ડ બની ગઈ છે.
કોર્પોરેટ ગવર્નન્સ અને કાનૂની જોગવાઈઓ: લિસ્ટેડ કંપનીઓમાં કિકબેક કે બ્રાઈબરી (લાંચ)ના કિસ્સામાં SEBI (સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા) ના નિયમો મુજબ ગંભીર તપાસ થઈ શકે છે. જો નાણાકીય ગોટાળા સાબિત થાય તો કંપની અને જવાબદાર ડિરેક્ટર્સ સામે મની લોન્ડરિંગ અને ફોજદારી કાયદા હેઠળ કાર્યવાહી થઈ શકે છે.








