Sensex and Nifty Down News: સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારતીય શેરબજારની શરૂઆત નબળી રહી છે. સોમવારે ટ્રેડિંગ શરૂ થતાંની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાનમાં સરકી ગયા હતા. વૈશ્વિક બજારોમાંથી મળેલા નબળા સંકેતો, ક્રૂડ ઓઈલના વધતા ભાવ અને આઈટી શેરોમાં ભારે વેચવાલીના કારણે બજારનું સેન્ટિમેન્ટ ખરાબ થયું છે.
ઓપનિંગ સાથે જ સેન્સેક્સ-નિફ્ટી તૂટ્યા
સોમવારે BSE સેન્સેક્સ અગાઉના 76,515ના બંધ સ્તર સામે 76,446 પર ખુલ્યો હતો. ત્યારબાદ વેચવાલી વધતાં સેન્સેક્સ 264 પોઈન્ટ સુધી ગગડીને 76,251ની સપાટીએ પહોંચ્યો હતો. બીજી તરફ, NSE નિફ્ટી અગાઉના 23,897ના બંધ સ્તર સામે 23,883 પર ખુલ્યો હતો અને બાદમાં ઘટીને 23,818ની સપાટીએ સરકી ગયો હતો.
આઈટી શેરોમાં ભારે વેચવાલી
બજાર ખુલતાની સાથે જ 1,519 શેર વધારા સાથે જ્યારે 1,224 શેર ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. જોકે, આઈટી સેક્ટરના શેરોમાં નોંધપાત્ર વેચવાલી જોવા મળી હતી. ઇન્ફોસિસ 2.60%, ટેક મહિન્દ્રા 1.75%, HCL ટેક 1.60% અને TCS 1% સુધી ઘટ્યા હતા. મિડકેપ આઈટી શેરોમાં પણ દબાણ જોવા મળ્યું હતું. ભારત ફોર્જ, એમફેસિસ અને પર્સિસ્ટન્ટ જેવા શેરોમાં પણ ઘટાડો નોંધાયો હતો.
શેરબજાર તૂટવાના 4 મોટા કારણો:
ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો
આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ ઓઈલનો ભાવ વધીને $97 પ્રતિ બેરલને પાર પહોંચી ગયો છે. ક્રૂડ મોંઘું થવાથી વૈશ્વિક સ્તરે મોંઘવારી વધવાની ચિંતા વધી છે. ભારત જેવા મોટા ક્રૂડ આયાતકાર દેશ માટે ઊંચા ક્રૂડ ભાવને બજાર સામાન્ય રીતે નકારાત્મક સંકેત તરીકે લે છે.અમેરિકા-ઈરાન વચ્ચે વધતો તણાવ
મિડલ ઈસ્ટમાં અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવની અસર વૈશ્વિક બજારો પર પણ જોવા મળી રહી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને લઈને આક્રમક ટિપ્પણીઓ બાદ જિયોપોલિટિકલ અનિશ્ચિતતા વધી છે. રોકાણકારો વધતા તણાવ વચ્ચે સાવચેતીભર્યું વલણ અપનાવી રહ્યા છે.વૈશ્વિક બજારોમાંથી નબળા સંકેતો
એશિયન બજારોમાં જાપાન અને દક્ષિણ કોરિયામાં સુધારો જોવા મળ્યો હોવા છતાં કેટલાક મોટા વૈશ્વિક બજારોમાં નબળાઈ રહી હતી. હોંગકોંગનો હેંગસેંગ તેમજ બ્રિટનનો FTSE, જર્મનીનો DAX અને ફ્રાન્સનો CAC દબાણ હેઠળ રહ્યા હતા. આ ઉપરાંત ભારતીય બજાર માટે મહત્વપૂર્ણ ગણાતા GIFT Niftyમાં પણ આશરે 90 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો.આઈટી શેરોમાં મોટો કડાકો
સોમવારે બજાર પર સૌથી વધુ દબાણ આઈટી સેક્ટરના શેરોમાં જોવા મળ્યું હતું. Nifty IT ઇન્ડેક્સમાં આશરે 1 ટકાનો ઘટાડો નોંધાયો હતો. મોટા આઈટી શેરોમાં એકસાથે વેચવાલી વધતા સમગ્ર બજારના સેન્ટિમેન્ટ પર અસર પડી હતી અને સેન્સેક્સ-નિફ્ટી પર પણ દબાણ વધ્યું હતું.
રોકાણકારોની હવે વૈશ્વિક સંકેતો પર નજર
હાલ ભારતીય શેરબજાર માટે ક્રૂડ ઓઈલના ભાવ, મિડલ ઈસ્ટની સ્થિતિ, વૈશ્વિક બજારોની ચાલ અને આઈટી શેરોમાં વેચવાલી મહત્વના પરિબળો બની રહ્યા છે. આગામી સત્રોમાં આ પરિબળોમાં ફેરફાર થાય છે, કે નહીં તેના આધારે બજારની દિશા નક્કી થઈ શકે છે. શેરબજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણનો નિર્ણય લેતા પહેલાં યોગ્ય નાણાકીય સલાહ લેવી.








