SBI UPI service down maintenance alert: દેશની સૌથી મોટી સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI)ના કરોડો ગ્રાહકો માટે અત્યંત મહત્વના સમાચાર સામે આવ્યા છે. બેન્કની ટેકનિકલ સિસ્ટમમાં નિયત મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવવાની હોવાથી ગુરૂવારે એટલે કે 19 નવેમ્બર 2026ના રોજ બપોરે 45 મિનિટ માટે SBIની UPI સેવાઓ અસ્થાયી રૂપે બંધ રહેશે.
ક્યારે અને કેટલા સમય સુધી સેવા રહેશે બંધ?
SBI દ્વારા પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ અંગેની જાહેરાત કરવામાં આવી છે. બેન્કના જણાવ્યા અનુસાર. તારીખ 19 નવેમ્બર 2026 બપોરે 01:15 વાગ્યાથી 02:00 વાગ્યા સુધી (કુલ ૪૫ મિનિટ) સુધી બેન્કની UPI સર્વિસ બંધ રહેશે. આ નિર્ધારિત સમયગાળા દરમિયાન સામાન્ય UPI એપ્સ મારફતે થતા વ્યવહારો ખોરવાઈ શકે છે. જોકે, ટેક્નિકલ કામગીરી નિયત સમય કરતાં વહેલી પૂર્ણ થાય તો સેવાઓ તુરંત જ શરૂ કરી દેવામાં આવશે.
અટક્યા વિના પેમેન્ટ કરવા 'UPI Lite' બનશે મદદરૂપ
મેન્ટેનન્સના આ 45 મિનિટના સમયગાળા દરમિયાન ગ્રાહકોને નાણાંકીય લેવડદેવડમાં કોઈ અગવડ ન પડે તે માટે બેન્કે UPI Lite નો ઉપયોગ કરવાની સલાહ આપી છે. UPI Lite એ નાના વ્યવહારો માટેની ખાસ સુવિધા છે, જેમાં યુઝર્સ પોતાના બેન્ક ખાતામાંથી વોલેટમાં અગાઉથી નાણાં જમા રાખી શકે છે. વોલેટમાં બેલેન્સ હોવાથી દરેક નાની ખરીદી વખતે UPI PIN નાખ્યા વિના પણ સરળતાથી અને ઝડપી પેમેન્ટ કરી શકાય છે, જેના પર બેન્કના સર્વર ડાઉનટાઇમની અસર થતી નથી.
UPI Lite ની ટ્રાન્ઝેક્શન મર્યાદા શું છે?
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)ના નિયમો મુજબ, ડિસેમ્બર 2024માં કરાયેલા સુધારા બાદ UPI Liteની મર્યાદા વધારવામાં આવી છે. પ્રતિ ટ્રાન્ઝેક્શન મર્યાદા રૂ. 500 થી વધારીને રૂ. 1,000 કરી દેવામાં આવી છે. આ સિવાય વોલેટ બેલેન્સ મર્યાદા પણ રૂ.2000 થી વધારીને રૂ. 5000 કરી દેવાઇ છે.








