Rule Change From 1st September: સપ્ટેમ્બર મહિનાની શરૂઆત સાથે જ દેશમાં કેટલાક મહત્વપૂર્ણ નિયમો અને દરોમાં ફેરફાર લાગુ થયા છે. 1 સપ્ટેમ્બર 2026થી કોમર્શિયલ LPG સિલિન્ડર, CNG-PNG, દૂધ અને વાહનોના ભાવમાં ફેરફાર થયો છે. બીજી તરફ, વિદેશ પ્રવાસ કરનારા મુસાફરો માટે બોર્ડિંગ પાસ સંબંધિત પ્રક્રિયામાં રાહત આપવામાં આવી છે. મુંબઈમાં ઓટો અને ટેક્સીના ભાડામાં પણ વધારો થયો છે. જાણો 1 સપ્ટેમ્બરથી લાગુ થયેલા 7 મોટા ફેરફાર.
કોમર્શિયલ LPG સિલિન્ડર ₹9.50 મોંઘો થયો
દર મહિનાની પહેલી તારીખે LPGના ભાવની સમીક્ષા કરવામાં આવે છે. આ વખતે 1 સપ્ટેમ્બર 2026થી 19 કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ₹9.50નો વધારો કરવામાં આવ્યો છે. આ વધારા બાદ દિલ્હીમાં 19 કિલોના સિલિન્ડરની કિંમત ₹2,747.50 થઈ ગઈ છે. જો, કે ઘરેલુ ઉપયોગ માટેના 14.2 કિલોના LPG સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે ઘરેલુ ગ્રાહકોને આ વખતે સીધી રાહત મળી છે.મુંબઈમાં CNG અને PNG મોંઘા થયા
મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં મહાનગર ગેસ લિમિટેડ (MGL) દ્વારા CNG અને ઘરેલુ PNGના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. 1 સપ્ટેમ્બરથી CNGના ભાવમાં ₹2 પ્રતિ કિલોનો વધારો થતાં નવી કિંમત ₹88 પ્રતિ કિલો થઈ છે. આ ઉપરાંત ઘરેલુ PNGના ભાવમાં પણ ₹1 પ્રતિ SCMનો વધારો કરવામાં આવ્યો છે. ગેસના ભાવ વધારાની અસર મુંબઈમાં જાહેર પરિવહનના ખર્ચ પર પણ જોવા મળી રહી છે.LPG e-KYC નહીં કરાવ્યું હોય તો મુશ્કેલી વધી શકે
સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ LPG ગ્રાહકો માટે e-KYCની સમયમર્યાદા 31 ઓગસ્ટ 2026 સુધી લંબાવી હતી. હવે આ સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ છે. જે ગ્રાહકોએ સમયસર e-KYC પૂર્ણ કરાવ્યું નથી, તેમને આગળ જતાં LPG સિલિન્ડર મેળવવામાં મુશ્કેલી પડી શકે છે. કેટલાક કિસ્સામાં સિલિન્ડરની કિંમત અથવા સબસિડી સંબંધિત અસર પણ થઈ શકે છે.કાર ખરીદવી મોંઘી થઈ
સપ્ટેમ્બર મહિનાની શરૂઆત સાથે કેટલાક ઓટોમોબાઇલ ઉત્પાદકોએ પોતાના વાહનોની કિંમતોમાં વધારો કર્યો છે. વિવિધ કાર અને SUV મોડલ્સ પર ₹25,000 સુધીનો ભાવવધારો કરવામાં આવ્યો છે. કંપનીઓના જણાવ્યા અનુસાર, ઉત્પાદન ખર્ચ, કાચા માલ અને અન્ય ઇનપુટ કોસ્ટમાં થયેલા વધારાને કારણે વાહનોની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે. એટલે નવી કાર ખરીદવાનું વિચારી રહેલા ગ્રાહકોના બજેટ પર તેની અસર પડી શકે છે.મુંબઈમાં દૂધ ₹9 પ્રતિ લીટર મોંઘું થયું
મુંબઈમાં 1 સપ્ટેમ્બરથી તબેલાના દૂધના ભાવમાં પ્રતિ લીટર ₹9નો વધારો કરવામાં આવ્યો છે. ભાવવધારા બાદ ₹93 પ્રતિ લીટરના ભાવે મળતું દૂધ હવે ₹102 પ્રતિ લીટર મળશે. દૂધ ઉત્પાદકો અને વેપારીઓના જણાવ્યા અનુસાર, પશુ આહાર, ચારો અને અન્ય ખર્ચમાં વધારો થતાં દૂધના ભાવ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તહેવારોની સિઝનમાં આ ભાવવધારાથી પરિવારોના ઘરખર્ચ પર વધારાનો બોજ પડી શકે છે.વિદેશ જતાં મુસાફરોને બોર્ડિંગ પાસ પર સ્ટેમ્પની જરૂર નહીં પડે
1 સપ્ટેમ્બરથી ભારતમાંથી વિદેશ પ્રવાસ કરનારા મુસાફરો માટે બોર્ડિંગ પાસની પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. હવે ઈમિગ્રેશન કાઉન્ટર પર બોર્ડિંગ પાસ પર સ્ટેમ્પ કરાવવાની જરૂર રહેશે નહીં. મુસાફરો મોબાઈલમાં રહેલો ઈલેક્ટ્રોનિક બોર્ડિંગ પાસ અથવા તેની પ્રિન્ટેડ કોપી રજૂ કરીને ઈમિગ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરી શકશે. આ ફેરફારથી એરપોર્ટ પર પ્રક્રિયા ઝડપી બનવાની અને મુસાફરોનો સમય બચવાની શક્યતા છે.મુંબઈમાં ઓટો અને ટેક્સીનું ભાડું વધ્યું
મુંબઈ અને MMR વિસ્તારમાં ઓટો-રિક્ષા અને ટેક્સીના ભાડામાં પણ વધારો લાગુ થયો છે. 1 સપ્ટેમ્બરથી ઓટોના ભાડામાં ₹1 પ્રતિ કિલોમીટર અને ટેક્સીના ભાડામાં ₹2 પ્રતિ કિલોમીટરનો વધારો કરવામાં આવ્યો છે. ઓટોનું લઘુત્તમ ભાડું ₹26થી વધીને ₹27 થયું છે, જ્યારે ટેક્સીનું લઘુત્તમ ભાડું ₹31થી વધીને ₹33 થયું છે. શેરીંગ ઓટોના ભાડામાં પણ વધારો કરવામાં આવ્યો છે.
સપ્ટેમ્બરથી ક્યાં રાહત અને ક્યાં મોંઘવારી?
1 સપ્ટેમ્બરથી કેટલાક ફેરફારો સામાન્ય ગ્રાહકો માટે રાહત આપનારા છે, તો કેટલાક ફેરફારો સીધા ઘરખર્ચ અને મુસાફરીના બજેટને અસર કરશે. ઘરેલુ LPGના ભાવ યથાવત રહેતા પરિવારોને રાહત મળી છે, જ્યારે કોમર્શિયલ ગેસ, CNG, દૂધ, કાર અને મુંબઈના ઓટો-ટેક્સીના વધેલા દરને કારણે ખર્ચમાં વધારો થશે. બીજી તરફ, વિદેશ પ્રવાસ કરનારા મુસાફરો માટે બોર્ડિંગ પાસની પ્રક્રિયા સરળ બનશે.








