RBI Special Dollar Window OMCs October 2026: અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયામાં સતત થઈ રહેલા ઘસારા અને ઐતિહાસિક નીચલા સ્તરના દબાણને પહોંચી વળવા RBI કેટલાક મહત્વપૂર્ણ અને આકરા નિર્ણયો લીધા છે. રિઝર્વ બેંકે દેશની ત્રણ મુખ્ય સરકારી તેલ વિતરણ કંપનીઓની દૈનિક અમેરિકી ડોલરની સંપૂર્ણ જરૂરિયાત પૂરી કરવા માટે એક વિશેષ વિન્ડો ખોલવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત વિદેશી હૂંડિયામણ બજારમાં સટ્ટાખોરી અટકાવવા અને ચલણના જોખમ સંચાલનને મજબૂત કરવા માટે પણ કડક નિયંત્રણો જાહેર કરવામાં આવ્યા છે.
ત્રણ સરકારી તેલ કંપનીઓ માટે સ્પેશિયલ ડોલર વિન્ડોની સુવિધા
RBIના સત્તાવાર નિવેદન અનુસાર સોમવાર 12 ઓક્ટોબર 2026થી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL), હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL) અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) ને નિયુક્ત બેંકો મારફતે સીધા અમેરિકી ડોલર પૂરા પાડવામાં આવશે. આ વ્યવસ્થા આગામી આદેશ સુધી અમલમાં રહેશે. કાચા તેલની આયાત માટે આ કંપનીઓને મોટા પ્રમાણમાં ડોલરની જરૂરિયાત હોય છે, જેના કારણે ખુલ્લા બજારમાં રૂપિયા પર ભારે દબાણ સર્જાતું હતું. નવી વ્યવસ્થાથી તેલ કંપનીઓ બજારમાંથી ડોલર ખરીદવાને બદલે સીધા રિઝર્વ બેંકના માધ્યમથી પોતાની દૈનિક જરૂરિયાતો પૂરી કરી શકશે.
ડોલર સામે રૂપિયો સાર્વકાલિક નીચલા સ્તરે પહોંચતા ચિંતાજનક સ્થિતિ
રિઝર્વ બેંક દ્વારા ખુલ્લા બજારમાં કરાયેલા હસ્તક્ષેપ છતાં, શુક્રવારે ભારતીય રૂપિયો ડોલર સામે 96.73ના અત્યંત નીચલા સ્તરે બંધ રહ્યો હતો, જે મે મહિનામાં નોંધાયેલા 96.96ના ઓલ-ટાઈમ લો સ્તરની અત્યંત નજીક છે. આ ઉપરાંત, 2 ઓક્ટોબરે પૂરા થયેલા સપ્તાહ દરમિયાન ભારતનું વિદેશી હૂંડિયામણ ભંડોળ 12.95 અબજ ડોલર ઘટીને 734.60 અબજ ડોલર થઈ ગયું છે, જે સતત ચોથા સપ્તાહે જોવા મળેલો ઘટાડો છે.
હૂંડિયામણ બજારમાં સટ્ટાખોરી ડામવા લેવાયેલા 3 કડક પગલાં
બજારમાં અસ્થિરતા અને ખોટી સટ્ટાખોરી રોકવા માટે રિઝર્વ બેંકે નીચે મુજબના ત્રણ મહત્વપૂર્ણ સુધારાઓ જાહેર કર્યા છે:
વિદેશી કરન્સી ડેરિવેટિવ્ઝની મર્યાદામાં ઘટાડો: અગાઉની 100 મિલિયન ડોલરની મર્યાદા ઘટાડીને હવે 5 મિલિયન ડોલર કરી દેવામાં આવી છે. સ્ટોક એક્સચેન્જ પર ટ્રેડ થતા કરન્સી ડેરિવેટિવ્ઝ પર પણ આ સુધારેલી મર્યાદા લાગુ થશે.
20% વિદેશી કરન્સી રિઝર્વ રિસ્ક (FERR)ની જરૂરિયાત: 20 લાખ ડોલરથી વધુ મૂલ્ય ધરાવતા રૂપિયા સંબંધિત ફોરેક્સ ડેરિવેટિવ કોન્ટ્રાક્ટ્સ માટે રજિસ્ટર્ડ ડીલરોએ કોન્ટ્રાક્ટના રૂપિયા મૂલ્યના 20% જેટલી રોકડ રકમ આરબીઆઈ પાસે અનામત રાખવી પડશે.
હેજિંગ માટે કડક દસ્તાવેજીકરણ (Documentation): એક જ પ્રકારના જોખમ સામે બેવડું હેજિંગ રોકવા માટે હવે ડીલરોએ ગ્રાહકો પાસેથી બાંહેધરી પત્ર મેળવવો ફરજિયાત રહેશે.
શું આ પગલાંથી રૂપિયાનું ધોવાણ અટકશે?
RBIના આ નિર્ણયોથી ટૂંકા ગાળા માટે ડોલરની સટ્ટાકીય માગ ઘટી શકે છે અને ચલણ બજારની અસ્થિરતામાં રાહત મળી શકે છે. જોકે, નિષ્ણાતોના મતે દીર્ઘકાલીન ધોરણે રૂપિયાની સ્થિરતા આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FPI) ના ભંડોળની આવક અને વૈશ્વિક સ્તરે ડોલર ઈન્ડેક્સની મજબૂતી જેવા વ્યાપક આર્થિક પરિબળો પર નિર્ભર રહેશે.








