Ration Card Holders: મોંઘવારી વચ્ચે સરકારી સસ્તા અનાજની દુકાન પરથી રેશન મેળવતા કાર્ડધારકોની મુશ્કેલી વધી શકે છે. રાજ્ય અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે સપ્ટેમ્બર મહિનાના રેશનિંગના અનાજના જથ્થામાં ફેરફાર કર્યો છે. અગાઉ વ્યક્તિદીઠ 3 કિલો ચોખા મળતા હતા, જેમાં ઘટાડો કરીને હવે વ્યક્તિદીઠ માત્ર 1 કિલો ચોખા આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. ચોખાના જથ્થામાં ઘટાડો થતાં ગરીબ અને મધ્યમ વર્ગના રેશનકાર્ડ ધારકોમાં નારાજગી જોવા મળી રહી છે.
ચોખામાં 2 કિલો ઘટાડો, બાજરીનો જથ્થો વધારાયો
નવા પ્રમાણ મુજબ વ્યક્તિદીઠ ચોખાના જથ્થામાં 2 કિલોનો ઘટાડો કરવામાં આવ્યો છે. તેની સામે પૌષ્ટિક અનાજ તરીકે આપવામાં આવતી બાજરીનો જથ્થો 1 કિલોથી વધારીને 2 કિલો કરવામાં આવ્યો છે. અર્થાત, આ મહિને રેશનકાર્ડ ધારકોને ચોખા ઓછા અને બાજરી વધુ પ્રમાણમાં મળશે. રેશનની દુકાનો પર અનાજનો નવો જથ્થો પણ પહોંચવા લાગ્યો છે.
દાળ-ભાત અને ખીચડી ખાનારા પરિવારોની મુશ્કેલી વધશે?
રેશનકાર્ડ ધારકોનું કહેવું છે કે ઘણા ગુજરાતી પરિવારોના રોજિંદા ભોજનમાં ચોખાનો મહત્વનો હિસ્સો છે. ખાસ કરીને દાળ-ભાત અને ખીચડી જેવા ભોજનમાં ચોખાનો નિયમિત ઉપયોગ થાય છે. આવા પરિવારો માટે અચાનક ચોખાનો જથ્થો 3 કિલોથી ઘટીને 1 કિલો થઈ જતાં વધારાના ચોખા બજારમાંથી ખરીદવાની ફરજ પડી શકે છે. મોંઘવારી વચ્ચે આ વધારાનો ખર્ચ તેમના ઘરનું બજેટ વધુ બગાડી શકે છે.
બાજરી વધારવાથી કાર્ડધારકોમાં સંતોષ નહીં
અગાઉ પુરવઠા વિભાગ દ્વારા વ્યક્તિદીઠ 1 કિલો બાજરી આપવામાં આવતી હતી. હવે આ જથ્થો વધારીને 2 કિલો કરવામાં આવ્યો છે. જો, કે રેશનકાર્ડ ધારકોનું કહેવું છે કે વધારાની બાજરી તેમની રોજિંદી જરૂરિયાત મુજબ ઉપયોગી નથી. તેમની દલીલ છે કે ઘઉં અને બાજરી કરતાં તેમના પરિવારમાં ચોખાનો વપરાશ વધુ છે.
3 કિલો ચોખા આપવાની ફરીથી માંગ
ચોખાના જથ્થામાં ઘટાડો થતાં રેશન દુકાનો પર કાર્ડધારકો દ્વારા અગાઉની જેમ જ વ્યક્તિદીઠ 3 કિલો ચોખા આપવાની માંગ કરવામાં આવી રહી છે. કાર્ડધારકોનું કહેવું છે કે સરકાર દ્વારા અનાજના પ્રમાણમાં ફેરફાર કરતા પહેલાં લોકોની વાસ્તવિક જરૂરિયાતને ધ્યાનમાં લેવી જોઈએ. સાથે જ સરકાર આ નિર્ણય પર પુનઃવિચાર કરે તેવી માંગ પણ ઉઠી રહી છે.








