Ahmedabad Real Estate News: અમદાવાદ શહેરમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે ભારે ધમધમાટ જોવા મળી રહ્યો છે. છેલ્લા પાંચ મહિનાના આંકડાઓ પર નજર કરીએ તો પ્રોપર્ટીના દસ્તાવેજોની નોંધણીમાં અભૂતપૂર્વ વધારો થયો છે. ચાલુ વર્ષે 1લી એપ્રિલથી 31મી ઓગસ્ટ સુધીના સમયગાળામાં શહેરમાં પ્રોપર્ટી રજિસ્ટ્રેશનની સંખ્યા ગત વર્ષની સરખામણીએ નોંધપાત્ર રીતે વધી છે. ઘર ખરીદનારાઓ અને રોકાણકારો બંને તરફથી મળી રહેલા સકારાત્મક પ્રતિસાદના કારણે અમદાવાદનું પ્રોપર્ટી માર્કેટ નવી ઊંચાઈઓ તરફ આગળ વધી રહ્યું છે.
પાંચ મહિનામાં 28,700થી વધુ નવા યુનિટ્સનું રજિસ્ટ્રેશન
મળતી માહિતી મુજબ, વર્ષ 2025માં એપ્રિલથી ઓગસ્ટ સુધીના 5 મહિનામાં 1,56,326 યુનિટ્સ નોંધાયા હતા. જેની સામે વર્ષ 2026ના સમાન સમયગાળા દરમિયાન આ આંકડો વધીને 1,85,111 યુનિટ્સ સુધી પહોંચી ગયો છે. આમ, માત્ર પાંચ મહિનાના ટૂંકા સમયગાળામાં કુલ 28,785 જેટલા વધુ પ્રોપર્ટી યુનિટ્સનું રજિસ્ટ્રેશન નોંધાયું છે, જે શહેરમાં મકાનો અને કોમર્શિયલ સ્પેસની સતત વધતી માંગ દર્શાવે છે.
સાયન્સ સિટી, સોલા અને બોપલ જેવા પોશ વિસ્તારો હોટ ફેવરિટ
અમદાવાદના પશ્ચિમ અને પ્રાઇમ વિસ્તારોમાં પ્રોપર્ટી ખરીદવાનો ક્રેઝ સૌથી વધુ જોવા મળ્યો છે. ખાસ કરીને સાયન્સ સિટી વિસ્તારમાં ગત વર્ષ કરતાં આ વર્ષે 4 હજારથી વધુ દસ્તાવેજો નોંધાયા છે. આ સિવાય સોલા અને બોપલ સબરજિસ્ટ્રાર કચેરીઓની વાત કરીએ તો, અહીં2025માં જ્યાં 22 હજાર દસ્તાવેજો નોંધાયા હતા, ત્યાં 2026ના આ જ સમયગાળામાં આ આંકડો વધીને આશરે 26 હજાર સુધી પહોંચી ગયો છે. આ સિવાય સાબરમતી, અમરાઈવાડી, પાલડી, નરોડા અને અસલાલી જેવી કચેરીઓમાં પણ પાંચ મહિનામાં 9 હજારથી વધુ દસ્તાવેજોનું નોંધણી કામકાજ પૂર્ણ થયું છે.
રિડેવલપમેન્ટના કારણે જૂના વિસ્તારોમાં પણ નવો પ્રાણ પૂરાયો
માત્ર નવા ડેવલપ થતા વિસ્તારો જ નહીં, પરંતુ અમદાવાદના પરંપરાગત અને જૂના વિસ્તારોમાં પણ રિયલ એસ્ટેટનો વિકાસ ઝડપી બન્યો છે. પાલડી, વાસણા અને નારણપુરા જેવા વિસ્તારોમાં જૂની સોસાયટીઓના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ પૂરજોશમાં ચાલી રહ્યા છે. તો બીજી તરફ પૂર્વ અમદાવાદના અમરાઈવાડી, ઈસનપુર અને મણિનગર જેવા વિસ્તારોમાં પણ નવા કન્સ્ટ્રક્શન અને ખરીદ-વેચાણમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. રિડેવલપમેન્ટના કારણે લોકોને આધુનિક સુવિધાઓ ધરાવતા નવા ફ્લેટ મેળવવાની તક મળી રહી છે.
ડેવલપર્સની રજૂઆત: રેરા અને પ્લાન પાસિંગની પ્રક્રિયા ઝડપી બનાવવાની માંગ
એક તરફ પ્રોપર્ટી વેચાણમાં તેજી છે, ત્યારે બીજી તરફ ડેવલપર્સ એસોસિએશને માર્કેટના પડકારો અંગે પણ ધ્યાન દોર્યું છે. બિલ્ડર્સ અને ડેવલપર્સના જણાવ્યા મુજબ, નવા પ્રોજેક્ટ શરૂ કરતી વખતે પ્લાન પાસ કરાવવામાં અને રેરા (RERA) રજિસ્ટ્રેશન મેળવવામાં જ 8 થી 9 મહિનાનો મોટો સમય નીકળી જાય છે. જો સરકાર આ મંજૂરીઓની પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બનાવે, તો કન્સ્ટ્રક્શનના સમય અને ખર્ચમાં મોટો ઘટાડો થઈ શકે છે. આનાથી રો-મટિરિયલ્સના વધતા ભાવ સામે ડેવલપર્સને રાહત મળશે અને ગ્રાહકોને પણ વ્યાજબી ભાવે પ્રોપર્ટી ઉપલબ્ધ કરાવી શકાશે.








