Why EPF Claim Gets Rejected Repeatedly: નાણાકીય કટોકટી, પરિવારમાં મેડિકલ ઈમરજન્સી, લગ્નનો પ્રસંગ કે પછી ઘર ખરીદવા જેવા મહત્વના પ્રસંગોમાં પ્રોવિડન્ટ ફંડ (PF) નાણાં જમાકર્તા માટે મોટો આશ્રય બને છે. ઈપીએફઓ (EPFO) દ્વારા હવે તમામ પ્રક્રિયા ઓનલાઈન કરી દેવામાં આવી છે, જેથી કર્મચારીઓ પોતાના ઘરબેઠા ક્લેમ સબમિટ કરી શકે છે. પરંતુ ઘણી વખત અરજી કર્યા પછી પણ ખાતામાં પૈસા જમા થવાને બદલે 'ક્લેમ રિજેક્ટેડ' (Claim Rejected) નો મેસેજ આવી જાય છે. સામાન્ય અને નાની ગણાતી ભૂલોને કારણે કર્મચારીઓનો ક્લેમ રદ થઈ જતો હોય છે, જેથી સમયસર જરૂરિયાત પૂરી થઈ શકતી નથી.
1. UAN અને આધાર કાર્ડની વિગતોમાં તફાવત હોવો
ક્લેમ ના મંજૂર થવાનું સૌથી મુખ્ય કારણ યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) અને આધાર કાર્ડની વિગતો મેચ ન થવી છે. જો તમારા નામના સ્પેલિંગ, પિતાનું નામ કે જન્મતારીખમાં આધાર અને EPFO પોર્ટલ વચ્ચે સહેજ પણ તફાવત હશે, તો સિસ્ટમ દ્વારા ઓટોમેટિકલી ક્લેમ અટકાવી દેવામાં આવે છે.
2. બેંક એકાઉન્ટની ખોટી કે અસ્પષ્ટ વિગતો આપવી
પીએફના નાણાં સીધા જ તમારા બેંક ખાતામાં જમા થાય છે. જો ઓનલાઈન ફોર્મ ભરતી વખતે બેંક એકાઉન્ટ નંબર, IFSC કોડ કે એકાઉન્ટ હોલ્ડરના નામના સ્પેલિંગમાં ભૂલ હશે તો ક્લેમ રિજેક્ટ થશે. આ ઉપરાંત, સાથે અપલોડ કરેલી ચેકબુક કે પાસબુકની ઈમેજ ઝાંખી કે અસ્પષ્ટ હશે તો પણ અરજી ફગાવી દેવાય છે.
3. બેંક ખાતું બંધ, ફ્રીઝ કે નિષ્ક્રિય (Inactive) હોવું
EPFO પોર્ટલ સાથે લિંક કરેલું બેંક ખાતું જો કોઈ કારણોસર બંધ થઈ ગયું હોય, ફ્રીઝ થયું હોય કે લાંબા સમયથી ટ્રાન્ઝેક્શન ન થવાના કારણે નિષ્ક્રિય થઈ ગયું હોય, તો સિસ્ટમ નાણાં ટ્રાન્સફર કરી શકતી નથી. આથી ક્લેમ કરતાં પહેલાં બેંક ખાતું ચાલુ છે કે નહીં તે ચકાસવું અનિવાર્ય છે.
4. KYC પ્રક્રિયા અધૂરી કે અનવેરિફાઈડ હોવી
EPFO પોર્ટલ પર તમારું KYC (જેમ કે આધાર, બેંક વિગતો અને પાન કાર્ડ) પૂર્ણ થયેલું અને એમ્પ્લોયર (કંપની) દ્વારા ડિજિટલી સહી કરીને વેરિફાઈ થયેલું હોવું જોઈએ. જો KYC સ્ટેટસ 'પેન્ડિંગ' બતાવતું હોય તો તમારો ક્લેમ આગળ વધતો નથી.
5. વિવિધ દસ્તાવેજો વચ્ચે નામ કે વિગતોની અસમાનતા
જો આધાર કાર્ડ, પીએફ પોર્ટલ અને બેંક ખાતાની પાસબુક - આ ત્રણેય જગ્યાએ તમારું નામ અલગ-અલગ રીતે લખાયેલું હશે (જેમ કે સરનામું આગળ-પાછળ હોવું કે શોર્ટ નેમ હોવું), તો ડેટા વેરિફિકેશન નિષ્ફળ જાય છે અને ક્લેમ રિજેક્ટ થઈ જાય છે.
6. નોકરી છોડ્યાની તારીખ (Date of Exit) અપડેટ ન હોવી
નોકરી છોડ્યા પછી જો પીએફ રેકોર્ડમાં 'ડેટ ઓફ એક્ઝિટ' નોંધવામાં ન આવી હોય, તો ફુલ એન્ડ ફાઈનલ સેટલમેન્ટ કે પીએફ વિડ્રોઅલ શક્ય બનતું નથી. જોકે, હવે કર્મચારી પોતે પણ EPFO મેમ્બર પોર્ટલમાં લોગિન કરીને પોતાની એક્ઝિટ ડેટ અપડેટ કરી શકે છે.
7.કંપની (Employer) ના રેકોર્ડમાં ભૂલ હોવી
ઘણી વખત ભૂલ કર્મચારીની નહીં પરંતુ કંપની તરફથી થતી હોય છે. કંપની દ્વારા નોકરી શરૂ કર્યાની તારીખ (Date of Joining) કે નોકરી છોડ્યાની તારીખ સિસ્ટમમાં ખોટી દાખલ થઈ હોય, તો ક્લેમ પ્રોસેસ અટકી જાય છે. આ માટે કંપનીના HR વિભાગનો સંપર્ક કરી સુધારો કરાવવો પડે છે.
8. ખોટો ફોર્મ ટાઈપ કે કારણ પસંદ કરવું
પીએફમાંથી પૈસા ઉપાડવાના અલગ-અલગ હેતુઓ (જેમ કે ઈમરજન્સી એડવાન્સ, બીમારી, લગ્ન, ઘર બાંધકામ કે નોકરી છોડ્યા પછીનું સેટલમેન્ટ) માટે અલગ-અલગ ફોર્મ હોય છે. જો તમે ખોટો ક્લેમ ટાઈપ કે ગલત કારણ પસંદ કરશો તો અરજી ફગાવી દેવામાં આવશે.
9. જૂનો ક્લેમ કે પીએફ ટ્રાન્સફર પ્રક્રિયા પેન્ડિંગ હોવી
જો તમે અગાઉ કરેલી કોઈ ક્લેમ અરજી હજુ સુધી પ્રોસેસિંગમાં હોય અથવા તો જૂની કંપનીમાંથી નવી કંપનીમાં પીએફ બેલેન્સ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા ચાલુ હોય, તો તે દરમિયાન નવો ક્લેમ સબમિટ કરવાથી સિસ્ટમ તેને અટકાવી દે છે.
10. પીએફ ઉપાડવા માટેની પાત્રતા કે શરતો પૂરી ન થવી
દરેક પ્રકારના પીએફ એડવાન્સ કે વિડ્રોઅલ માટે ચોક્કસ નોકરીના સમયગાળા (Service Period) અને નિયમો નક્કી થયેલા હોય છે. ઉદાહરણ તરીકે, ઘર ખરીદવા કે લગ્ન માટે અમુક વર્ષની સેવા પૂરી થવી જરૂરી છે. જો આ શરતો પૂરી ન થતી હોય છતાં ક્લેમ કરવામાં આવે તો તે રદ થાય છે.
ક્લેમ રિજેક્ટ થાય તો શું કરવું? (ઝડપી ઉકેલ)
જો તમારો પીએફ ક્લેમ રિજેક્ટ થઈ જાય, તો ઉતાવળ કરીને તરત જ નવો ક્લેમ સબમિટ ન કરવો. સૌથી પહેલાં EPFO પોર્ટલ પર લોગિન કરી 'Track Claim Status' માં જઈને રિજેક્શનનું મૂળ કારણ વાંચો. નામ, બેંક ખાતું, KYC કે ડેટ ઓફ એક્ઝિટમાં જે પણ ખામી હોય તેને યોગ્ય રીતે અપડેટ અને વેરિફાઈ કરાવ્યા પછી જ નવી અરજી કરવી, જેથી ક્લેમ સરળતાથી મંજૂર થઈ જાય.








