Gas Discovery in Odisha: વૈશ્વિક સ્તરે ઊર્જા પુરવઠાને લઈને અનિશ્ચિતતા વચ્ચે ભારતને સમુદ્રમાં મોટી સફળતા મળી છે. સરકારી કંપની ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC)એ ઓડિશાના કાંઠાથી આશરે 43 કિલોમીટર દૂર મહાનદી ઓફશોર બેસિનના ઊંડા સમુદ્રમાં કુદરતી ગેસની શોધ કરી છે. આ શોધ 18 સપ્ટેમ્બરે MN-DW18-1-H-D એટલે કે MDW-28 કૂવામાં થઈ હતી. ONGCના જણાવ્યા મુજબ કૂવામાંથી સતત ગેસનો પ્રવાહ અને સારો રિઝર્વોયર પ્રેશર જોવા મળ્યું છે.
આયાત નિર્ભરતા ઘટાડવામાં મળી શકે મદદ
આ શોધ ભારત માટે ઊર્જા સુરક્ષાની દૃષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. જોકે, હાલ આ કૂવામાં ગેસનો કુલ જથ્થો કેટલો છે અથવા તેનું વ્યાવસાયિક ઉત્પાદન કેટલું ફાયદાકારક રહેશે તેની સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. વધુ મૂલ્યાંકન અને પરીક્ષણ બાદ જ ગેસના ભંડાર તથા વ્યાવસાયિક ઉત્પાદનની શક્યતા અંગે સ્પષ્ટતા થશે.
‘સમુદ્ર મંથન’ અભિયાન હેઠળ પ્રથમ સફળતા
MDW-28 કૂવામાં ખોદકામ 25 જુલાઈ 2026ના રોજ શરૂ થયું હતું અને આ મહાનદી બેસિનમાં ONGCના વર્તમાન ડીપવોટર અભિયાન હેઠળનું પ્રથમ કૂવું છે. આ અભિયાન કેન્દ્ર સરકારના ‘સમુદ્ર મંથન’ નેશનલ ઓફશોર એક્સ્પ્લોરેશન સ્કીમનો ભાગ છે. કેન્દ્ર સરકારે જુલાઈમાં આ યોજના માટે ₹84,084 કરોડના ખર્ચને મંજૂરી આપી હતી, જે FY 2030-31 સુધી અમલમાં રહેશે. યોજનાનો હેતુ ઊંડા સમુદ્રમાં હાઇડ્રોકાર્બન સંશોધન, ડીપવોટર ડ્રિલિંગ અને ઉત્પાદન માટે જરૂરી માળખું વિકસાવવાનો છે. આ કૂવામાં 1,441થી 1,452 મીટરના અંતરે ગેસ મળ્યો છે, જ્યારે કૂવાની કુલ લક્ષિત ઊંડાઈ 1,623 મીટર હતી. ઓડિશાના કાંઠા નજીકનું સ્થાન ભવિષ્યમાં ઉત્પાદન શરૂ કરવાની દૃષ્ટિએ અનુકૂળ બની શકે છે, પરંતુ તે માટે વધુ મૂલ્યાંકન જરૂરી રહેશે.
કેન્દ્રીય મંત્રીએ ગણાવી મોટી સિદ્ધિ
કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ આ શોધને ભારતના ઓફશોર ઊર્જા સંશોધન માટે મહત્વપૂર્ણ સિદ્ધિ ગણાવી છે. તેમના જણાવ્યા અનુસાર, મહાનદી બેસિનમાં અગાઉ થયેલી ‘ઉત્કલ’ અને ‘કોણાર્ક’ ગેસ શોધો સાથે આ શોધને ભવિષ્યમાં સંયુક્ત સુવિધાઓ મારફતે વિકસાવવાની શક્યતા છે. ONGCએ પણ જણાવ્યું છે કે આ શોધો માટે શેર કરાયેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને ડીપવોટર સંસાધનોને ઉત્પાદન સાથે જોડવાની શક્યતા તપાસવામાં આવી રહી છે.








