Stock Market Rule Change: જો તમે ભારતીય શેરબજારમાં રોકાણ કરો છો, તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ના પ્રી-ઓપન સેશનના નિયમોમાં 7 સપ્ટેમ્બર 2026થી ફેરફાર લાગુ કરવામાં આવ્યો છે. નવા નિયમ હેઠળ પ્રી-ઓપન સેશન દરમિયાન માર્કેટ અને લિમિટ ઓર્ડરના સમય અને પ્રાથમિકતામાં ફેરફાર કરવામાં આવ્યો છે.
9:00થી 9:05 સુધી માર્કેટ અને લિમિટ ઓર્ડર
પ્રી-ઓપન સેશનના શરૂઆતના પાંચ મિનિટ એટલે કે સવારે 9:00થી 9:05 વાગ્યા સુધી રોકાણકારો માર્કેટ ઓર્ડર અને લિમિટ ઓર્ડર બંને મૂકી શકશે. માર્કેટ ઓર્ડરમાં રોકાણકાર ચોક્કસ કિંમત નક્કી કર્યા વગર શેર ખરીદવા કે વેચવાનો ઓર્ડર આપે છે, જ્યારે લિમિટ ઓર્ડરમાં ચોક્કસ કિંમત નક્કી કરવામાં આવે છે.
9:05થી 9:10 સુધી માત્ર લિમિટ ઓર્ડર
નવા નિયમ મુજબ 9:05થી 9:10 વાગ્યા સુધી માત્ર લિમિટ ઓર્ડર જ મૂકવા, તેમાં ફેરફાર કરવા અથવા તેને રદ કરવા માટેની સુવિધા રહેશે. આ સમયગાળા દરમિયાન નવા માર્કેટ ઓર્ડર સ્વીકારવામાં આવશે નહીં. અગાઉ આ તબક્કો 9:07 વાગ્યા સુધીનો હતો, જેને હવે વધારીને 9:10 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ઓપનિંગ પ્રાઇસ નક્કી કરતી વખતે માર્કેટ ઓર્ડરને લિમિટ ઓર્ડર કરતાં પહેલાં પ્રાથમિકતા આપવામાં આવશે.
રોકાણકારો માટે શું બદલાશે?
નવા નિયમની સૌથી મોટી અસર એવા રોકાણકારો પર પડશે, જેઓ વૈશ્વિક બજારો અથવા રાતોરાત આવેલા સમાચારના આધારે સવારે માર્કેટ ઓર્ડર મૂકતા હોય છે. આવા રોકાણકારોએ હવે 9:05 વાગ્યા પહેલાં જ માર્કેટ ઓર્ડર સબમિટ કરવો પડશે. 9:05 પછી જો ઓર્ડર મૂકવો હોય તો રોકાણકારોએ લિમિટ ઓર્ડરનો ઉપયોગ કરવો પડશે. તેથી પ્રી-ઓપન સેશનના શરૂઆતના પાંચ મિનિટમાં ટ્રેડિંગ પ્લાન કરવો વધુ મહત્વપૂર્ણ બની શકે છે.
મોટા માર્કેટ ઓર્ડરથી થતી હેરાફેરી પર અંકુશ?
આ ફેરફાર પાછળનો એક મહત્વપૂર્ણ ઉદ્દેશ ઓર્ડર ફ્લોમાં થતી સંભવિત હેરાફેરી ઘટાડવાનો છે. અગાઉ પ્રી-ઓપન સેશનના અંતિમ તબક્કામાં મોટા માર્કેટ ઓર્ડર દ્વારા શેરના સૂચક ભાવ પર અસર પાડવાનો પ્રયાસ થઈ શકે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવતી હતી. 9:05 બાદ નવા માર્કેટ ઓર્ડર પર પ્રતિબંધ હોવાથી આવા ઓર્ડર દ્વારા ઓપનિંગ પ્રાઇસને પ્રભાવિત કરવાની સંભાવના ઘટી શકે છે. જોકે, આ નિયમથી બજારમાં હેરાફેરી સંપૂર્ણપણે બંધ થઈ જશે એવું માનવું યોગ્ય નથી.
ઓર્ડર ફ્લો સમજવા માટે મળશે વધુ સમય
9:05થી 9:10 દરમિયાન માત્ર લિમિટ ઓર્ડર હોવાથી રોકાણકારોને પ્રી-ઓપન માર્કેટમાં રહેલા ઓર્ડર ફ્લો અને સંભવિત ઓપનિંગ પ્રાઇસને ધ્યાનમાં લઈને પોતાની ટ્રેડિંગ વ્યૂહરચના બનાવવાની તક મળશે. આ ફેરફારથી પ્રી-ઓપન સેશનનું માળખું વધુ વ્યવસ્થિત બનવાની અપેક્ષા છે અને ઓપનિંગ પ્રાઇસની પ્રક્રિયામાં પારદર્શિતા તથા સ્થિરતા વધારવાનો હેતુ છે.
રોકાણકારોએ હવે શું ધ્યાનમાં રાખવું?
જો તમે પ્રી-ઓપનમાં માર્કેટ ઓર્ડરથી શેર ખરીદવા કે વેચવા માંગતા હોવ, તો 9:05 વાગ્યા પહેલાં ઓર્ડર આપવો જરૂરી રહેશે. 9:05થી 9:10 દરમિયાન લિમિટ ઓર્ડર દ્વારા જ ટ્રેડિંગ કરવું પડશે. તેથી નવા નિયમ હેઠળ પ્રી-ઓપન સેશનના સમયને સમજવું અને ઓર્ડરનો પ્રકાર યોગ્ય રીતે પસંદ કરવો રોકાણકારો માટે વધુ મહત્વપૂર્ણ બની ગયું છે. પ્રી-ઓપન સેશનના નિયમો અને ઓર્ડર પ્રોસેસિંગ અંગે NSE અને BSE દ્વારા જાહેર કરાયેલી સત્તાવાર માર્ગદર્શિકાને પ્રાથમિકતા આપવી. ટ્રેડિંગ પહેલાં પોતાના બ્રોકરની ઓર્ડર વિન્ડો અને લાગુ નિયમો પણ ચકાસવા.








