NSE Becomes World's Fifth-Largest Listed Exchange: ભારતના નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) એ વૈશ્વિક સ્તરે મોટી સિદ્ધિ હાંસલ કરી છે. સપ્ટેમ્બર મહિનામાં શેરબજારમાં લિસ્ટિંગ થયા બાદ શેરના ભાવમાં સતત તેજી આવતાં NSE માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ વિશ્વનું પાંચમું સૌથી મોટું લિસ્ટેડ એક્સચેન્જ બની ગયું છે. આ સાથે તેણે હોંગકોંગ સ્ટોક એક્સચેન્જ (HKEX) અને અમેરિકાના Nasdaq ને પણ પાછળ છોડી દીધા છે. NSE નું માર્કેટ કેપિટલાઇઝેશન વધીને અંદાજે 59.7 અબજ ડોલર એટલે કે રૂ.5.56 લાખ કરોડ થયું છે.
વૈશ્વિક રેન્કિંગમાં ટોપ-5માં NSEનું સ્થાન
તાજેતરના માર્કેટ ડેટા અનુસાર, NSE નું માર્કેટ કેપિટલાઇઝેશન 59.7 અબજ ડોલર પર પહોંચ્યું છે. તેની સરખામણીએ હોંગકોંગ એક્સચેન્જનું માર્કેટ કેપ 58.1 અબજ ડોલર અને Nasdaq નું માર્કેટ કેપ 57.7 અબજ ડોલર નોંધાયું છે. આ રીતે NSE બંને એક્સચેન્જને પાછળ છોડીને પાંચમા ક્રમે પહોંચ્યું છે. વિશ્વના સૌથી મોટા લિસ્ટેડ એક્સચેન્જની યાદીમાં CME ગ્રુપ 111.05 અબજ ડોલરના માર્કેટ કેપ સાથે પ્રથમ સ્થાને છે. ત્યારબાદ ઇન્ટરકોન્ટિનેન્ટલ એક્સચેન્જ 95.5 અબજ ડોલર સાથે બીજા, ડોઇશ બોર્સ 65 અબજ ડોલર સાથે ત્રીજા અને લંડન સ્ટોક એક્સચેન્જ ગ્રુપ 60.3 અબજ ડોલર સાથે ચોથા ક્રમે છે.
LIC અને કોટક મહિન્દ્રા બેંકને પાછળ છોડી
NSE ના શેરમાં તેજી વચ્ચે તેનું માર્કેટ કેપ વધીને રૂ.5.56 લાખ કરોડ થયું છે. અહેવાલ લખાયો ત્યારે NSE નો શેર રૂ.47.80 એટલે કે 2.18 ટકાના ઉછાળા સાથે રૂ.2,236.10 પર ટ્રેડ થઈ રહ્યો હતો. આ માર્કેટ કેપ સાથે NSE ભારતની નવમી સૌથી મોટી લિસ્ટેડ કંપની બની ગયું છે. તેણે રૂ.5 લાખ કરોડનું માર્કેટ કેપ ધરાવતી કોટક મહિન્દ્રા બેંક અને લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LIC) ને પણ પાછળ છોડી દીધાં છે. આ સિદ્ધિ સાથે NSE દેશની અગ્રણી બેંકિંગ, ફાઇનાન્શિયલ સર્વિસ અને ટેક્નોલોજી ક્ષેત્રની કંપનીઓની હરોળમાં સામેલ થયું છે.
સપ્ટેમ્બરમાં થયું હતું NSEનું લિસ્ટિંગ
NSE ને આ સિદ્ધિ શેરબજારમાં લિસ્ટિંગ થયાના બે મહિનાથી પણ ઓછા સમયમાં મળી છે. 24 સપ્ટેમ્બરે BSE પર NSE નું બહુપ્રતિક્ષિત લિસ્ટિંગ થયું હતું. NSE નો ઇશ્યૂ પ્રાઇસ રૂ.1,785 હતો, જ્યારે શેર 0.84 ટકાના પ્રીમિયમ સાથે રૂ.1,800 પર લિસ્ટ થયો હતો. ટ્રેડિંગ દરમિયાન શેરનો ભાવ વધીને રૂ.1,876.70 સુધી પહોંચ્યો હતો. આ અગાઉ 17થી 21 સપ્ટેમ્બર દરમિયાન NSE નો રૂ.22,561 કરોડનો IPO ખુલ્યો હતો, જે કુલ 5.69 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. આ IPO સંપૂર્ણપણે ઓફર ફોર સેલ (OFS) હતો.
વિશ્વનું સૌથી મોટું ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ છે NSE
વર્ષ 1992માં સ્થપાયેલું નેશનલ સ્ટોક એક્સચેન્જ 1994માં ભારતના પ્રથમ ઇલેક્ટ્રોનિક સ્ટોક એક્સચેન્જ તરીકે કાર્યરત થયું હતું. આજે NSE ઇક્વિટી, ડેટ, કરન્સી, કોમોડિટી અને ડેરિવેટિવ્ઝ ક્ષેત્રે ટ્રેડિંગ, ક્લિયરિંગ અને સેટલમેન્ટની સેવાઓ પૂરી પાડે છે. ફ્યુચર્સ ઇન્ડસ્ટ્રી એસોસિએશનના આંકડા અનુસાર, ટ્રેડિંગ વોલ્યુમની દ્રષ્ટિએ NSE વર્ષ 2025માં વિશ્વનું સૌથી મોટું ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ પણ રહ્યું હતું. હવે માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ વિશ્વના ટોચના પાંચ લિસ્ટેડ એક્સચેન્જમાં સ્થાન મેળવીને NSE એ ભારતની વૈશ્વિક નાણાકીય ક્ષેત્રમાં વધતી હાજરીને વધુ મજબૂત બનાવી છે.








