Nayara Energy Russia Petrol Export: રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયાની રિફાઈનરીઓ પર યુક્રેનના ડ્રોન હુમલા વધતાં સ્થાનિક ઈંધણ ઉત્પાદનને મોટો ફટકો પડ્યો છે. આવી સ્થિતિમાં ભારત રશિયાને રિફાઈન્ડ પેટ્રોલ પૂરું પાડનારા મહત્વના દેશ તરીકે ઉભરી આવ્યું છે. ગુજરાતના વાડીનાર ખાતે આવેલી નાયરા એનર્જીની રિફાઈનરીને પણ તેનો મોટો લાભ મળ્યો છે.
રશિયાની રિફાઈનરીઓ પર હુમલાથી ઈંધણ સંકટ
યુક્રેને રશિયાની ઓઈલ રિફાઈનરીઓને નિશાન બનાવીને હુમલા તેજ કર્યા છે. મીડિયા અહેવાલો અનુસાર જુલાઈ અને ઓગસ્ટ દરમિયાન રશિયન રિફાઈનરીઓ પર અનેક ડ્રોન હુમલા કરવામાં આવ્યા હતા. સતત હુમલાઓને કારણે રશિયાની સ્થાનિક ઈંધણ ઉત્પાદન ક્ષમતાને ભારે અસર થઈ છે અને રિફાઈન્ડ પેટ્રોલની આયાત કરવાની જરૂરિયાત ઊભી થઈ છે.
વાડીનાર રિફાઈનરીથી રશિયામાં 10 લાખ બેરલ પેટ્રોલની નિકાસ
ગુજરાતના વાડીનાર ખાતે આવેલી નાયરા એનર્જીની રિફાઈનરીએ બે મહિનાના સમયગાળામાં રશિયામાં અંદાજે 10 લાખ બેરલ ગેસોલીનની નિકાસ કરી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. નાયરા એનર્જીમાં રશિયાની સરકારી ઓઈલ કંપની રોસનેફ્ટની 50 ટકા ભાગીદારી છે. આ કારણે રશિયા-યુક્રેન યુદ્ધની પરિસ્થિતિ ગુજરાતની વાડીનાર રિફાઈનરી માટે વેપારની દૃષ્ટિએ મહત્વપૂર્ણ બની રહી છે.
રશિયામાં પેટ્રોલની આયાતમાં રેકોર્ડ વધારો
એનર્જી એનાલિટિક્સ કંપની વોર્ટેક્સાના આંકડા મુજબ ઓગસ્ટ દરમિયાન સમુદ્ર માર્ગે રશિયામાં પેટ્રોલની આયાત વધીને અંદાજે 1.25 લાખ બેરલ પ્રતિદિનના રેકોર્ડ સ્તરે પહોંચી હતી. સમગ્ર મહિના દરમિયાન આ આયાત આશરે 4.7 લાખ ટન જેટલી હોવાનું જણાવાયું છે. રશિયન રિફાઈનરીઓ પર સતત થઈ રહેલા હુમલાઓને કારણે સ્થાનિક ઈંધણ ઉત્પાદન ક્ષમતામાં મોટો ઘટાડો થયો છે. પરિણામે દેશને પોતાની પેટ્રોલની જરૂરિયાત પૂરી કરવા વિદેશી સપ્લાય પર નિર્ભર રહેવું પડી રહ્યું છે.
ભારતની રશિયન ક્રૂડ ઓઈલ આયાત પણ વધી
બીજી તરફ ભારતની રશિયન ક્રૂડ ઓઈલની આયાતમાં પણ વધારો નોંધાયો છે. જૂન અને જુલાઈ દરમિયાન ભારતે દરરોજ સરેરાશ 26 લાખ બેરલથી વધુ રશિયન ક્રૂડ ઓઈલની આયાત કરી હતી. ફેબ્રુઆરીમાં આ આંકડો આશરે 10 લાખ બેરલ પ્રતિદિન હતો. આ રીતે રશિયામાંથી આયાત કરવામાં આવતા ક્રૂડ ઓઈલને ભારતની રિફાઈનરીઓમાં રિફાઈન કરીને તૈયાર પેટ્રોલ-ડીઝલ જેવા ઉત્પાદનો બનાવવામાં આવે છે અને કેટલાક કિસ્સામાં આ રિફાઈન્ડ ઉત્પાદનો ફરી રશિયા સહિતના બજારોમાં મોકલવામાં આવે છે.
ગુજરાતની રિફાઈનરી માટે કેમ મહત્વપૂર્ણ?
રશિયામાં સ્થાનિક પેટ્રોલ ઉત્પાદનને અસર થતાં રિફાઈન્ડ ઈંધણની માંગ વધી છે. તેનો સીધો લાભ ભારતની મોટી રિફાઈનરીઓને મળી શકે છે. ખાસ કરીને નાયરા એનર્જીની વાડીનાર રિફાઈનરી રશિયન કંપની સાથેની ભાગીદારીને કારણે આ બદલાતા વેપાર પરિદૃશ્યમાં મહત્વનું સ્થાન ધરાવે છે.








