Lemon Price Hike in Gujarat:રાજ્યમાં દિવસેને દિવસે વધી રહેલી મોંઘવારી સામાન્ય નાગરિકો અને મધ્યમ વર્ગ માટે મોટો પડકાર બનીને ઉભરી છે. અનાજ, કઠોળ, તેલ અને શાકભાજીના ભાવમાં સતત થઈ રહેલા વધારા વચ્ચે હવે રસોડાની દૈનિક જરૂરિયાત ગણાતા લીંબુના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. સામાન્ય દિવસોમાં વ્યાજબી ભાવે મળતા લીંબુ હાલમાં છૂટક બજારમાં ₹200થી લઈને ₹300 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. આસમાને આંબી ગયેલા આ ભાવ વધારાને કારણે સામાન્ય નાગરિકો અને ગૃહિણીઓનું માસિક બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે.
આસો મહિનાનો કાળઝાળ તાપ અને નવરાત્રિના ઉપવાસથી વધ્યું સંકટ
પરંપરાગત રીતે ગણતરી કરીએ તો આસો મહિનો શરૂ થતાંની સાથે જ વાતાવરણમાં હળવી ગુલાબી ઠંડકનો અનુભવ થવા લાગતો હોય છે. પરંતુ આ વર્ષે સ્થિતિ તદ્દન વિપરીત જોવા મળી રહી છે. નવરાત્રિ તહેવાર દરિયાન પણ બપોરના સમયે અસહ્ય કાળઝાળ ગરમી અને બફારાનો સામનો કરવો પડી રહ્યો છે. ગરમી સામે રાહત મેળવવા માટે લોકો લીંબુ શરબત, લીંબુ પાણી કે શિકંજીનો સહારો લેતા હોય છે. બીજી તરફ, નવરાત્રિ દરમિયાન મોટાભાગના લોકો નકોડા કે ફરાળી ઉપવાસ રાખતા હોવાથી ફરાળ અને પીણાંમાં લીંબુનો વપરાશ નોંધપાત્ર રીતે વધી જાય છે. માગમાં થયેલા આ અચાનક વધારા સામે પૂરતો જથ્થો ન હોવાના કારણે ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે.
ભાવ સાંભળીને જ ગ્રાહકો લારીઓ પરથી મોં ફેરવવા મજબૂર
શહેરના મુખ્ય શાકભાજી માર્કેટો તેમજ ગલી-મહોલ્લાની શાકભાજીની લારીઓ પર હાલ વિપરીત દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સામાન્ય ગ્રાહક જ્યારે શાકભાજી લેવા પહોંચે છે અને લીંબુનો ભાવ પૂછે છે, ત્યારે ₹300 પ્રતિ કિલોનો આંકડો સાંભળીને જ અવાક રહી જાય છે. મોટાભાગના ગ્રાહકો લીંબુ ખરીદવાનું ટાળી રહ્યા છે અથવા તો જરૂરિયાત કરતાં ખૂબ જ ઓછી માત્રામાં એટલે કે 100 કે 250 ગ્રામથી જ કામ ચલાવી રહ્યા છે. ગરીબ અને સામાન્ય પરિવાર માટે તો લીંબુ અત્યારે પહોંચ બહાર થઈ ગયા છે.
આવક ઘટતાં વેપારીઓએ પણ ઓછો જથ્થો મંગાવવાનું શરૂ કર્યું
શાકભાજીના નાના અને મોટા વેપારીઓ પણ આ અચાનક થયેલા ભાવવધારાથી ચિંતિત બન્યા છે. વેપારીઓના જણાવ્યા મુજબ, હોલસેલ મંડીઓમાંથી જ ઊંચા ભાવે માલ મળી રહ્યો હોવાથી છૂટક બજારમાં ભાવ વધારવા સિવાય તેમની પાસે કોઈ વિકલ્પ રહ્યો નથી. પરંતુ ઊંચા ભાવને કારણે ગ્રાહકોની ખરીદશક્તિ પર સીધી અસર પડી છે, જેનાથી દૈનિક વેચાણ ઘટી ગયું છે. લીંબુ જલ્દી બગડી જવાની શક્યતા રહેતી હોવાથી અને ગ્રાહકોની ઘટેલી સંખ્યાને કારણે વેપારીઓએ પણ નુકસાનથી બચવા માટે બજારમાંથી ઓછો જથ્થો જ મંગાવવાનું વલણ અપનાવ્યું છે.
વચેટિયાઓ કમાય છે અને ગ્રાહકો-ખેડૂતો બંને પીસાય છે
બજારના વિશ્લેષકોનું માનવું છે કે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ (APMC) કે હોલસેલ બજારોમાં ખેડૂતોને તેમના ઉત્પાદનનો યોગ્ય ને પોષણક્ષમ ભાવ મળતો નથી. માર્કેટિંગ યાર્ડમાંથી છૂટક માર્કેટ સુધી માલ પહોંચતા વચ્ચે વચેટિયાઓ અને કમિશન એજન્ટો મોટો નફો રળી લે છે. પરિણામે ખેડૂત અને અંતિમ ગ્રાહક બંનેને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડે છે. ગ્રાહકો હવે આશા રાખી રહ્યા છે કે આગામી દિવસોમાં નવા પાકની આવક વધશે અને વાતાવરણ બદલાશે ત્યારે લીંબુના ભાવ સામાન્ય સપાટી પર આવશે.








