Jio IPO: જિયોના IPOની રાહ જોઈ રહેલા રોકાણકારો માટે મોટા અપડેટ સામે આવ્યા છે. રોયટર્સના અહેવાલ અનુસાર જિયો પ્લેટફોર્મ્સનો IPO 21 ઓક્ટોબર 2026ના રોજ ખુલવાની શક્યતા છે. બીજી તરફ, ગ્રે માર્કેટમાં પણ IPOને લઈને જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઇન્વેસ્ટર્સ ગેઇનના અહેવાલ મુજબ જિયોના IPOનું GMP વધીને ₹151ના સ્તરે પહોંચી ગયું છે. જોકે, IPOની તારીખ, પ્રાઇસ બેન્ડ અને અન્ય વિગતો અંગે કંપની તરફથી હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. તેથી હાલમાં સામે આવેલી તમામ તારીખો અને આંકડાઓને સંભવિત માનવામાં આવી રહ્યા છે.
વિદેશોમાં જિયોના રોડ શો
અહેવાલ અનુસાર જિયો પ્લેટફોર્મ્સે IPO પહેલાં અમેરિકા, યુકે, દુબઈ, સિંગાપોર અને હોંગકોંગમાં રોડ શો કર્યા છે. આ રોડ શોની આગેવાની આકાશ અંબાણી અને ઈશા અંબાણીએ કરી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.
કેટલું હોઈ શકે જિયો IPOનું કદ?
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની આગેવાની હેઠળની ટેલિકોમ કંપનીના IPOનું કદ ₹27,800 કરોડથી ₹37,000 કરોડ વચ્ચે હોઈ શકે છે. અહેવાલો અનુસાર આ સંપૂર્ણપણે ફ્રેશ ઈશ્યૂ હશે અને કંપની લગભગ 27 કરોડ નવા શેર જાહેર કરી શકે છે.
શું હોઈ શકે પ્રાઇસ બેન્ડ?
જિયો IPOની સંભવિત પ્રાઇસ બેન્ડ ₹1,350થી ₹1,450 પ્રતિ શેર હોઈ શકે છે. જો આ પ્રાઇસ બેન્ડ પર IPO આવે તો લિસ્ટિંગ બાદ કંપનીનું મૂલ્યાંકન અંદાજે ₹12.40 લાખ કરોડથી ₹13.40 લાખ કરોડ વચ્ચે થઈ શકે છે. કંપનીનું લક્ષ્ય ઓક્ટોબરના અંતમાં અથવા નવેમ્બરની શરૂઆતમાં શેરબજારમાં લિસ્ટ થવાનું હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.
જિયો IPOની સંભવિત ટાઈમલાઈન
19 ઓક્ટોબર 2026: એન્કર રોકાણકારો માટે IPO ખુલવાની શક્યતા
21 ઓક્ટોબર 2026: સામાન્ય રોકાણકારો માટે IPO ખુલવાની શક્યતા
23 ઓક્ટોબર 2026: IPOમાં રોકાણ કરવાની છેલ્લી તારીખ સંભવિત
23 ઓક્ટોબર 2026: શેર ફાળવણી થવાની શક્યતા
28 ઓક્ટોબર 2026: શેરબજારમાં લિસ્ટિંગની સંભાવના
આ તમામ તારીખો હાલમાં સંભવિત છે. કંપનીએ હજુ સત્તાવાર રીતે કોઈ તારીખ જાહેર કરી નથી.
IPOના પૈસા ક્યાં વપરાશે?
જિયો પ્લેટફોર્મ્સનો પબ્લિક ઈશ્યૂ સંપૂર્ણપણે ‘ફ્રેશ ઈશ્યૂ’ હશે. એટલે કે કોઈ હાલના શેરધારક પોતાના શેર વેચશે નહીં અને IPOમાંથી મળેલી સમગ્ર રકમ કંપનીને મળશે. કંપનીના DRHP અનુસાર, IPOમાંથી મળેલી રકમમાંથી આશરે ₹27,500 કરોડનો ઉપયોગ રિલાયન્સ જિયો ઇન્ફોકોમનું દેવું ચૂકવવા માટે કરવામાં આવશે. બાકીની રકમ સામાન્ય કોર્પોરેટ કામગીરી માટે વપરાશે, જે કુલ ઈશ્યૂ કદના મહત્તમ 25% સુધી મર્યાદિત રહેશે.
જિયો પાસે 52 કરોડથી વધુ ગ્રાહકો
જિયો પ્લેટફોર્મ્સ દેશની સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર છે. FY26ના અંત સુધીમાં કંપનીનો કુલ સબ્સ્ક્રાઇબર બેઝ 52.44 કરોડ હતો, જ્યારે FY25માં આ આંકડો 48.82 કરોડ હતો. જૂન 2026 સુધી કંપની પાસે 26.85 કરોડ ગ્રાહકો હોવાના આંકડા પણ અહેવાલોમાં જણાવાયા છે. આ સંખ્યા અમેરિકાની T-Mobileના વર્તમાન ગ્રાહક આધાર કરતાં લગભગ 1.5 ગણી હોવાનું જણાવાયું છે.
20 વર્ષમાં રિલાયન્સ ગ્રુપનો પ્રથમ IPO
જિયો પ્લેટફોર્મ્સનો IPO રિલાયન્સ ગ્રુપ માટે લગભગ બે દાયકામાં પ્રથમ IPO હશે. સાથે જ તે રિલાયન્સ ગ્રુપના કન્ઝ્યુમર-ફેસિંગ બિઝનેસનું પ્રથમ લિસ્ટિંગ બનશે. 19 જૂને યોજાયેલી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 49મી એન્યુઅલ જનરલ મીટિંગમાં મુકેશ અંબાણીએ જિયોના DRHPને મંજૂરી મળ્યાની માહિતી આપી હતી. ત્યારબાદ 28 ઓગસ્ટે જિયોના IPOને સેબીની મંજૂરી મળી હતી.
જિયો માત્ર ટેલિકોમ કંપની નથી
જિયો પ્લેટફોર્મ્સ રિલાયન્સની ટેક્નોલોજી કંપની છે અને તેનું મુખ્યમથક મુંબઈમાં છે. કંપની ભારતમાં સૌથી મોટું મોબાઇલ નેટવર્ક ચલાવવા ઉપરાંત વિશ્વની અન્ય ટેલિકોમ કંપનીઓને પણ 5G ટેક્નોલોજી અને સેવાઓ પૂરી પાડે છે. કંપની પાસે 5G સંબંધિત સોફ્ટવેર, નેટવર્ક સેવાઓ અને AI ટૂલ્સ છે. આ ટેક્નોલોજી દ્વારા મોટી કંપનીઓ અને પ્રાઇવેટ નેટવર્ક્સ માટે 5Gનો ઉપયોગ સરળ બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. મુકેશ અંબાણીએ કહ્યું હતું કે જિયોનું લિસ્ટિંગ દુનિયાને બતાવશે કે ભારત વૈશ્વિક સ્તરની ટેક્નોલોજી કંપનીઓ બનાવી શકે છે.








