Why EPF Deduction is Better Than FD and Mutual Fund SIP: દર મહિને જ્યારે પગાર હાથમાં આવે છે અને તેમાંથી પ્રોવિડેન્ટ ફંડ (PF) ના નામે કપાત થયેલી રકમ દેખાય છે, ત્યારે ઘણા કર્મચારીઓને તે શરૂઆતમાં ઓછી સેલરી આવવાનું કારણ લાગે છે. પરંતુ વાસ્તવમાં આ રકમ કોઈ નુકસાન નથી, પણ તમારા ભવિષ્યને સુરક્ષિત બનાવતી એક ખૂબ જ મજબૂત નાણાકીય સુરક્ષા યોજના છે. આપણે અવારનવાર બેંક ફિક્સ્ડ ડિપોઝિટ (FD) કે મ્યુચ્યુઅલ ફંડ SIP માં રોકાણ કરીએ છીએ, પરંતુ પીએફ જેવી સુરક્ષા અને ખાસ લાભો આ પૈકીના કોઈ પણ વિકલ્પમાં એકસાથે મળવા મુશ્કેલ છે. આ રોકાણ માત્ર નિવૃત્તિ સમયની મૂડી જ નથી બનાવતું, પરંતુ કટોકટીના સમયે પણ ખૂબ કામ આવે છે.
જેટલી તમારી બચત, સામે એટલું જ કંપનીનું મફતમાં રોકાણ
પીએફ ખાતાની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં માત્ર કર્મચારી પોતે જ પૈસા જમા નથી કરાવતો, પરંતુ તેની સામે એમ્પ્લોયર એટલે કે કંપની પણ સરખો હિસ્સો ઉમેરે છે. દાખલા તરીકે, જો તમારી બેઝિક સેલરી 30,000 રૂપિયા હોય, તો તેના 12% લેખે 3,600 રૂપિયા તમારા પગારમાંથી પીએફ ખાતામાં જમા થાય છે. આટલી જ રકમ સામે કંપની પણ પોતાના ભંડોળમાંથી આપે છે. કંપનીના આ યોગદાનમાંથી 8.33 ટકા રકમ કર્મચારી પેન્શન યોજના (EPS) માં જાય છે, જે નિવૃત્તિ પછી માસિક પેન્શન તરીકે મળે છે, જ્યારે બાકીનો ભાગ ઇપીએફ (EPF) માં જમા થાય છે. ખાસ વાત એ છે કે કંપની પોતાના હિસ્સાના પૈસા કર્મચારીના પગારમાંથી કાપી શકતી નથી.
ઉત્તમ વ્યાજ સાથે ટેક્સમાં છૂટ
ઇપીએફ ખાતામાં જમા થતી રકમ પર સરકાર દ્વારા દર વર્ષે આકર્ષક અને ચક્રવૃદ્ધિ વ્યાજ આપવામાં આવે છે. આ ઉપરાંત, જૂની ટેક્સ વ્યવસ્થા પસંદ કરનારા કર્મચારીઓ આવકવેરા કલમ 80C હેઠળ વાર્ષિક 1.5 લાખ રૂપિયા સુધીની ટેક્સ છૂટનો લાભ પણ મેળવી શકે છે. માત્ર એટલું જ નહીં, કર્મચારી ડિપોઝિટ લિંક્ડ ઇન્સ્યોરન્સ (EDLI) સ્કીમ હેઠળ પીએફ ખાતેદારોને કોઈપણ વધારાના પ્રીમિયમ વગર રૂ. 7 લાખ સુધીનું મફત જીવન વીમા કવર પણ મળે છે. કાનૂની દ્રષ્ટિએ પણ આ રકમ અત્યંત સુરક્ષિત હોય છે, જેને કોઈ પણ સામાન્ય પરિસ્થિતિમાં જપ્ત કરી શકાતી નથી.
જરૂરિયાતના સમયે એડવાન્સ ઉપાડ
ઘણા લોકોને એવો ભ્રમ હોય છે કે પીએફમાં જમા થયેલા પૈસા માત્ર નિવૃત્તિ સમયે જ ઉપાડી શકાય છે, પરંતુ એવું નથી. ઘર ખરીદવા કે બાંધકામ કરવા, બાળકોના ઉચ્ચ શિક્ષણ, લગ્ન પ્રસંગ કે અચાનક આવી પડેલી ગંભીર બીમારી જેવી જરૂરિયાતો વખતે નિયમો મુજબ પીએફમાંથી એડવાન્સ રકમ ઉપાડી શકાય છે. આ ઉપરાંત, જો તમે નોકરી બદલો છો તો પણ તમારો યુનિવર્સલ અકાઉન્ટ નંબર (UAN) એ જ રહે છે. UAN ની મદદથી તમારા જૂના પીએફ ખાતાની આખી રકમ નવી કંપનીના ખાતામાં ડિજિટલી અને સરળતાથી ટ્રાન્સફર થઈ જાય છે, જેથી તમારી નાણાકીય બચત અવિરત ચાલુ રહે છે.








