Indian Stock Market Rally: અમેરિકાની ટેરિફ લાદવાની સતત ધમકીઓ અને વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે પણ ભારતીય શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી છે. સપ્તાહના કારોબારી દિવસે બજાર ખુલતાની સાથે જ રોકાણકારોની ચોતરફી લેવાલીને કારણે BSE સેન્સેક્સ અને NSE નિફ્ટીમાં મોટી છલાંગ જોવા મળી હતી. સેન્સેક્સમાં 1,434 પોઈન્ટ અને નિફ્ટીમાં 407 પોઈન્ટ સુધીનો ઉછાળો નોંધાયો હતો. નોંધનીય છે કે સોમવારના કારોબારમાં બજારમાં ભારે ઉથલપાથલ જોવા મળી હતી અને સેન્સેક્સમાં 1,800થી વધુ પોઈન્ટની હલચલ થઈ હતી.
સેન્સેક્સ 83,869ની સપાટીએ પહોંચ્યો
BSE સેન્સેક્સ ગત સત્રના 82,435.99ના બંધ સ્તર સામે આજે 1,000 પોઈન્ટથી વધુના ગેપ-અપ સાથે 83,436.89 પર ખૂલ્યો હતો. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 83,380.75ની નીચી સપાટીએ પહોંચ્યો હતો. જોકે, ત્યારબાદ બજારમાં જોરદાર ખરીદી નીકળતાં ઇન્ડેક્સમાં તેજી આવી હતી. કારોબાર દરમિયાન સેન્સેક્સ 1,434 પોઈન્ટ ઉછળીને 83,869.60ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. સેન્સેક્સની 52 સપ્તાહની ઊંચી સપાટી 86,159.02 અને નીચી સપાટી 71,292.88 રહી છે.
નિફ્ટી 50માં પણ 407 પોઈન્ટની છલાંગ
સેન્સેક્સની સાથે NSE નિફ્ટી 50માં પણ શરૂઆતથી જ તેજીનો માહોલ જોવા મળ્યો હતો. નિફ્ટી ગત સત્રના 25,349.65ના બંધ સ્તર સામે 25,658.35 પર ખૂલ્યો હતો. કારોબાર દરમિયાન નિફ્ટી શરૂઆતમાં 25,619.00ની નીચી સપાટીએ ગયો હતો. જોકે, ખરીદી વધતાં ઇન્ડેક્સમાં 407 પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો અને તે 25,756.00ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. નિફ્ટીની 52 સપ્તાહની ઊંચી સપાટી 26,373.20 અને નીચી સપાટી 22,179.90 છે.
શેરબજારમાં તેજી પાછળનાં મુખ્ય કારણો
સ્થાનિક રોકાણકારોની સતત ખરીદી: વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો અને રિટેલ રોકાણકારોની ખરીદીએ બજારને મજબૂત ટેકો આપ્યો છે.
હેવીવેઇટ શેરોમાં લેવાલી: બેન્કિંગ, ફાઇનાન્શિયલ સર્વિસિસ અને IT ક્ષેત્રના મોટા શેરોમાં નીચલા સ્તરે આકર્ષક વેલ્યુએશનને કારણે ખરીદી જોવા મળી હતી. આ શેરોની તેજીએ મુખ્ય ઇન્ડેક્સને ઉપર લઈ જવામાં મદદ કરી હતી.
શોર્ટ કવરિંગથી તેજીને વેગ: અગાઉના ઘટાડા બાદ બજારમાં ખરીદી વધતાં મંદીની પોઝિશન ધરાવતા ટ્રેડર્સે પોતાના સોદા બંધ કરવા પડ્યા હતા. આ શોર્ટ કવરિંગના કારણે બજારમાં ઉછાળાને વધુ વેગ મળ્યો હતો.
ભારતીય અર્થતંત્ર પર રોકાણકારોનો વિશ્વાસ: અમેરિકાની ટેરિફ નીતિ અંગેની અનિશ્ચિતતા વચ્ચે પણ ભારતની આંતરિક માંગ અને અર્થતંત્રના મજબૂત આંકડાઓએ રોકાણકારોનો વિશ્વાસ જાળવી રાખ્યો છે.
આમ, વૈશ્વિક અનિશ્ચિતતા અને ટેરિફની ચિંતાઓ વચ્ચે પણ સ્થાનિક ખરીદી, હેવીવેઇટ શેરોમાં લેવાલી અને શોર્ટ કવરિંગના સહારે ભારતીય શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી છે.








