India Urea Import Price Hike: મધ્ય પૂર્વમાં વણસેલી યુદ્ધની સ્થિતિએ હવે ભારતના કૃષિ ક્ષેત્ર માટે ચિંતા ઉભી કરી છે. યુદ્ધને કારણે વૈશ્વિક પુરવઠા શૃંખલા ખોરવાતા ખાતરના ભાવમાં તોતિંગ વધારો થયો છે. ભારત અત્યારે રેકોર્ડબ્રેક કિંમતે યુરિયાની આયાત કરવા જઈ રહ્યું છે, જેની સીધી અસર દેશની ખાતર સબસિડી અને સરકારી તિજોરી પર પડશે.
ભારતને યુરિયા માટે અગાઉ કરતા બમણી કિંમત ચૂકવવી પડશે
ભારત સરકારે ખેતી માટે અત્યંત આવશ્યક એવા યુરિયા ખાતરની જરૂરિયાત પૂરી કરવા માટે એક મોટો સોદો પાર પાડ્યો છે. ઈન્ડિયન પોટાશ લિમિટેડ (IPL) એ રેકોર્ડ 2.5 મિલિયન મેટ્રિક ટન યુરિયાની આયાત કરવા માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે. જોકે, ચિંતાની વાત એ છે કે આ વખતે ભારતને યુરિયા માટે અગાઉ કરતા લગભગ બમણી કિંમત ચૂકવવી પડશે.
કિંમતોમાં બમણો વધારો: $500 થી પહોંચી $950 ને પાર
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ટેન્ડરમાં પશ્ચિમ કિનારા સુધી ડિલિવરી માટે પ્રતિ ટન આશરે $935 ના દરે 1.5 મિલિયન ટન યુરિયા ખરીદવામાં આવશે. જ્યારે પૂર્વ કિનારા સુધી પહોંચાડવા માટે 1 મિલિયન ટન યુરિયાનો ભાવ પ્રતિ ટન $959 નક્કી કરાયો છે. માત્ર બે મહિના પહેલાની સરખામણી કરીએ તો આ કિંમતો આઘાતજનક છે. અગાઉના ટેન્ડરમાં પશ્ચિમ કિનારા માટે યુરિયા માત્ર $508 પ્રતિ ટન અને પૂર્વ કિનારા માટે $512 પ્રતિ ટનમાં મળતું હતું. આમ, માત્ર 60 દિવસના ટૂંકા ગાળામાં ખાતરના ભાવ લગભગ 100% વધી ગયા છે.
વૈશ્વિક બજાર અને સપ્લાયર્સની સ્થિતિ
અહેવાલો મુજબ, આ ટેન્ડર માટે કુલ 5.6 મિલિયન ટન યુરિયાની ઓફર મળી હતી, પરંતુ મોટાભાગના સપ્લાયર્સ પ્રતિ ટન $1,000 થી વધુની કિંમત માંગી રહ્યા હતા. ભારત વિશ્વનો સૌથી મોટો યુરિયા આયાતકાર દેશ હોવાથી સપ્લાયર્સે આખરે $935 ની ન્યૂનતમ કિંમત પર સહમતિ દર્શાવી હતી. ભારતની વર્ષ 2025 ની કુલ આયાત જરૂરિયાત 10 મિલિયન ટન હોવાનો અંદાજ છે, જેમાંથી એક ક્વાર્ટર (ચોથા ભાગની) જરૂરિયાત આ એક જ સોદાથી પૂરી થશે. નિષ્ણાતોના મતે, ભારતની આ વિશાળ ખરીદીને કારણે વૈશ્વિક બજારમાં યુરિયાની અછત સર્જાઈ શકે છે, જેનાથી અન્ય દેશો માટે ખાતરના ભાવ હજુ પણ વધી શકે છે.
સરકાર પર વધશે સબસિડીનો બોજ
આયાત મોંઘી થવા છતાં ભારત સરકાર ખેડૂતો પર તેનો બોજ નહીં નાખે. સરકાર ખેડૂતોને સસ્તા દરે ખાતર પૂરું પાડવા માટે ખાતર કંપનીઓને સબસિડી આપે છે. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ વધે છે, ત્યારે સરકારની સબસિડીનું બજેટ પણ નોંધપાત્ર રીતે વધે છે. યુરિયાના ભાવ બમણા થવાથી સરકારના ખર્ચમાં હજારો કરોડનો વધારો થવાની સંભાવના છે. યુદ્ધની આ સ્થિતિ જો લાંબો સમય ચાલશે, તો ભારત માટે ખાદ્ય સુરક્ષા અને કૃષિ ખર્ચ જાળવી રાખવો એક મોટો પડકાર સાબિત થશે.








