financial planning for children future: દરેક વ્યક્તિ પોતાની કમાણીમાંથી કંઈક બચત કરે છે અને તે બચતને એવી જગ્યાએ રોકાણ કરવા માંગે છે, જ્યાંથી સારું રિટર્ન મળે અને ભવિષ્યમાં પૈસાની તંગી ન પડે. આ માટે યોગ્ય નાણાકીય આયોજન ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને જ્યારે વાત બાળકોના ભવિષ્યની હોય, કારણ કે તેમના શિક્ષણ સહિતના તમામ ખર્ચ સમય જતાં સતત વધતા જાય છે અને આવનારા વર્ષોમાં તો એ વધુ વધવાના છે. આવા સમયમાં, જો થોડું વિચારીને અને સમજદારીથી રોકાણ કરવામાં આવે, તો તમે તમારા બાળક માટે મોટું ફંડ તૈયાર કરી શકો છો. એટલું જ નહીં, કોલેજ સુધી પહોંચતા પહોંચતા તમારું બાળક કરોડપતિ પણ બની શકે છે.
સારી નાણાકીય યોજના ખૂબ જરૂરી
ભારતમાં બચત કરવાની પરંપરા ઘણી જૂની છે, પરંતુ આજના સમયમાં ખર્ચ સતત વધી રહ્યા છે. પછી વાત બાળકના શિક્ષણની હોય કે દીકરીના લગ્નની, દરેક વસ્તુ મોંઘી બની રહી છે. તેથી માત્ર બચત નહીં, પરંતુ એવું ફાઇનાન્શિયલ પ્લાનિંગ જરૂરી છે, જે વધતા ખર્ચોને પહોંચી વળે તેવું રિટર્ન આપી શકે. જો તમારું બાળક હજુ ત્રણ વર્ષથી નાનું છે, તો તમારે આગળના 15 વર્ષ માટે પ્લાનિંગ કરવું જોઈએ. લક્ષ્ય એવું રાખવું જોઈએ કે, આ સમયગાળા દરમિયાન ઓછામાં ઓછા 1 કરોડ રૂપિયા અથવા તેથી વધુનું ફંડ તૈયાર થાય, જેથી તેના ભણતર અને અન્ય જરૂરિયાતોમાં પૈસાની તંગી ન આવે.
નિયમિત રીતે રોકાણ કરવું ખૂબ ઉપયોગી
આ વાત પણ સમજવી જરૂરી છે કે, 15 વર્ષ પછી આજના 1 કરોડ રૂપિયાની કિંમત આજ જેટલી નહીં રહે. મોંઘવારીને ધ્યાનમાં લઈએ તો 10 વર્ષમાં જ તેની કિંમત અડધી થઈ શકે છે અને 15 વર્ષમાં તો એથી પણ ઓછી થઈ શકે. તેથી ખાસ રીતોથી અને નિયમિત રીતે રોકાણ કરવું ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે.
પ્રથમ રીત: SIPની તાકાત કમાલ કરી દેશે
મ્યુચ્યુઅલ ફંડમાં SIP લાંબા ગાળે સારું રિટર્ન મેળવવાનો એક શ્રેષ્ઠ વિકલ્પ છે. તેમાં કમ્પાઉન્ડિંગની તાકાત હોય છે, જે તમારા નાનકડા રોકાણને મોટું ફંડ બનાવી શકે છે. મહાન વૈજ્ઞાનિક અલ્બર્ટ આઇન્સ્ટાઇન પણ કમ્પાઉન્ડિંગને દુનિયાની આઠમી અજાયબી કહી ચૂક્યા છે. SIP એ કમ્પાઉન્ડિંગનો ફાયદો મેળવવાનો સૌથી સારો રસ્તો છે અને ખાસ કરીને લાંબા ગાળાના રોકાણ માટે ખૂબ અસરકારક છે. HDFC Flexi Cap Fundથી લઈને Franklin Flexi Cap Fund સુધી એવા અનેક ઉદાહરણો છે, જ્યાં રોકાણકારોને 18% સુધીનું સારું રિટર્ન મળે છે.
રિટર્નના આધાર પર ગણતરી
જો માત્ર આટલા રિટર્નના આધાર પર ગણતરી કરીએ, તો બાળકના ભવિષ્ય માટે SIP એક ખૂબ ઉપયોગી વિકલ્પ બની શકે છે. માની લો કે, તમે દર મહિને 15,000 રૂપિયા SIPમાં રોકાણ કરો છો. SIP કેલ્ક્યુલેટર મુજબ,જો તમે 15 વર્ષ સુધી નિયમિત રીતે રોકાણ કરો અને સરેરાશ 18% રિટર્ન મળે, તો તમારું કુલ ફંડ 1.20 કરોડ રૂપિયા કરતા વધુ થઈ શકે છે. આ 15 વર્ષમાં તમે કુલ 27 લાખ રૂપિયાનું રોકાણ કરશો, જ્યારે કમ્પાઉન્ડિંગના કારણે તમને લગભગ 93.16 લાખ રૂપિયાનું રિટર્ન મળશે. એટલે કે કુલ ફંડ લગભગ 1,20,16,645 રૂપિયા થશે.
બીજી રીત: રિયલ એસ્ટેટમાં રોકાણ
બીજો વિકલ્પ છે રિયલ એસ્ટેટમાં રોકાણ. લાંબા ગાળે રિયલ એસ્ટેટે પણ સારું રિટર્ન આપ્યું છે. ઈતિહાસ જોવો તો પ્રોપર્ટીની કિંમત સૌથી ખરાબ સમયમાં પણ ઘટી નથી,પરંતુ વધતી જ ગઈ છે. ભારતીય રિયલ એસ્ટેટ માર્કેટમાં લાંબા ગાળે સરેરાશ 8થી 10 ટકા અથવા તેનાથી વધુ રિટર્ન મળતું રહ્યું છે. જો તમે અત્યારે બાળકના ભવિષ્ય માટે 30થી 40 લાખ રૂપિયાનો કોઈ પ્લોટ ખરીદો, તો જે રીતે પ્રોપર્ટીના ભાવ વધી રહ્યા છે, તે પ્રમાણે આગામી 15 વર્ષમાં તેની કિંમત 1 કરોડ રૂપિયાને પાર કરી શકે છે. આ રીતે રિયલ એસ્ટેટ પણ બાળકને કરોડપતિ બનાવવાનો એક મજબૂત વિકલ્પ બની શકે છે.
ત્રીજી રીત: સોનામાં રોકાણ
ભારતમાં સોનું ખરીદવું માત્ર દાગીનાના શોખ માટે નહીં, પરંતુ રોકાણ માટે પણ હંમેશાથી એક શ્રેષ્ઠ વિકલ્પ રહ્યું છે. આ પરંપરાગત રોકાણની રીત પણ તમારા બાળકના ભવિષ્ય માટે બહુ ઉપયોગી બની શકે છે. આ વર્ષે સોનાના ભાવમાં આવેલા ભારે ઉછાળાને જોઈને આ વિકલ્પને અવગણવો મુશ્કેલ છે. સામાન્ય રીતે જ્યારે બજારમાં અનિશ્ચિતતા હોય અથવા મંદી આવે, ત્યારે મોટા રોકાણકારો પણ સુરક્ષિત રોકાણ તરીકે સોનામાં પૈસા રોકે છે. 2025માં સોનાના ભાવ સતત નવા રેકોર્ડ બનાવી રહ્યા છે અને 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1.35 લાખ રૂપિયાને પાર પહોંચી ગયો છે. માત્ર એક વર્ષમાં જ સોનાએ લગભગ 50% રિટર્ન આપ્યું છે. જ્યારે વર્ષ 2026માં સોનાનો ભાવ 2 લાખ રૂપિયાને પાર જશે એવો અંદાજ પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
નિયમિત રોકાણ અને વહેલી શરૂઆત સૌથી મહત્વપૂર્ણ
નાણાકીય નિષ્ણાતો પણ કહે છે કે, રોકાણની શરૂઆત જેટલી વહેલી કરો, તેટલો વધુ ફાયદો મળે છે. SIP તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે, જે લાંબા ગાળે તમને કરોડપતિ બનાવી શકે છે. એટલે જો તમે તમારા બાળકના ભવિષ્ય માટે રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો, તો આજે જ શરૂઆત કરો. નિયમિત રોકાણ જ મોટું ફંડ બનાવવાનો સૌથી મહત્વપૂર્ણ આધાર છે.








