Crude Oil Price: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ક્રૂડ ઓઈલની સપ્લાયને લઈને વૈશ્વિક સંકટ ઊભું થયું છે. ઓઈલની સપ્લાય ચેઈનમાં વારંવાર વિક્ષેપ પડતાં ક્રૂડના ભાવમાં ઝડપી ઉછાળો જોવા મળી રહ્યો છે. 9 સપ્ટેમ્બરે બ્રેન્ટ ક્રૂડ ઓઈલનો ભાવ 100 ડૉલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયો હતો, જ્યારે WTI ક્રૂડ ઓઈલ 94 ડૉલર પ્રતિ બેરલની આસપાસ કારોબાર કરી રહ્યું હતું. બંનેમાં 2 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. આ દરમિયાન અમેરિકાની દિગ્ગજ ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ ફર્મ ગોલ્ડમેન સૅક્સે ક્રૂડ ઓઈલને લઈને મોટી ચેતવણી આપી છે.
ક્રૂડ ઓઈલ 120 ડૉલર સુધી પહોંચવાની આશંકા
ગોલ્ડમેન સૅક્સના જણાવ્યા અનુસાર, જો સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ઓઈલ ટેન્કરો પર થતા હુમલા અટકશે નહીં તો ક્રૂડ ઓઈલના ભાવ 120 ડૉલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. ગોલ્ડમેન સૅક્સમાં કોમોડિટીઝ રિસર્ચના કો-હેડ ડેન સ્ટ્રુયવેને આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક દિવસોની ઘટનાઓને જોતા જહાજોની અવરજવર પર અવરોધો વધુ ગંભીર બન્યા છે. અમેરિકા અને ઈરાન વચ્ચે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈને હજુ પણ સ્થિતિ વણસેલી છે. વિશ્વના આશરે 20 ટકા ઓઈલની અવરજવર આ માર્ગ પરથી થાય છે, પરંતુ હાલ અહીંથી ઓઈલની સપ્લાય ખૂબ જ ઓછી થઈ ગઈ છે. આવી સ્થિતિમાં મોંઘવારીનું દબાણ વધવાની સાથે વૈશ્વિક આર્થિક સંકટનો ખતરો પણ વધી રહ્યો છે.
ઓઈલ મોંઘું થશે તો ભારતમાં શું અસર થશે?
અમેરિકા અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ વધુ વધશે તો ક્રૂડ ઓઈલના ભાવ 100 ડૉલરને પાર જઈ શકે છે. ભારત માટે આ સ્થિતિ મોટો ફટકો સાબિત થઈ શકે છે, કારણ કે ક્રૂડ મોંઘું થવાથી દેશનું આયાત બિલ વધી જશે. ઓઈલના ભાવ વધવાથી લોજિસ્ટિક્સ અને કાચા માલના ખર્ચમાં વધારો થઈ શકે છે. તેની સીધી અસર ધીમે-ધીમે રિટેલ માર્કેટ સુધી પહોંચી શકે છે અને સામાન્ય લોકો પર મોંઘવારીનો બોજ વધી શકે છે.
શેરબજાર પર કેવી અસર પડી શકે?
જો ક્રૂડ ઓઈલના વધતા ભાવને કારણે દેશમાં મોંઘવારી વધે છે તો તેની અસર શેરબજાર પર પણ પડી શકે છે. ઉત્પાદન અને અન્ય ખર્ચ વધવાથી કંપનીઓના નફા અને કમાણી પર દબાણ આવી શકે છે. આ સ્થિતિમાં કેટલાક શેરોમાં ઘટાડો જોવા મળી શકે છે અને બજારમાં પણ મોટો કડાકો આવવાની શક્યતા વધી શકે છે.
એપ્રિલમાં ક્રૂડ ઓઈલ 125 ડૉલર સુધી પહોંચ્યું હતું
નોંધનીય છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે 28 માર્ચે યુદ્ધ શરૂ થયું હતું, ત્યારથી જ ક્રૂડ ઓઈલના ભાવમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. 30 એપ્રિલે ક્રૂડ ઓઈલનો ભાવ 125 ડૉલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયો હતો. હવે ફરી એકવાર હોર્મુઝની ખાડીમાં વધતા તણાવ વચ્ચે ક્રૂડના ભાવ ઉપર જઈ રહ્યા છે.








