Gold and Silver Price Crash: વૈશ્વિક બજારમાં નબળા સંકેતો વચ્ચે સ્થાનિક વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં જોરદાર ઘટાડો નોંધાયો છે. આજના કારોબારમાં સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ ₹2,998 અને ચાંદીના ભાવમાં પ્રતિ કિલો ₹5,823નો મોટો કડાકો બોલી ગયો છે. અચાનક થયેલી આ ભારે વેચવાલીને કારણે બુલિયન માર્કેટમાં ખળભળાટ મચી ગયો છે. અમેરિકન ડોલરની મજબૂતી, વ્યાજદર ઊંચા રહેવાની શક્યતા અને યુએસ બોન્ડ યીલ્ડમાં વધારાને કારણે કિંમતી ધાતુઓ પર દબાણ વધ્યું છે.
સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ ₹2,998નો ઘટાડો
સ્થાનિક વાયદા બજારમાં સોનાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. સોનું તેના અગાઉના બંધ ભાવ ₹1,34,223ની સરખામણીએ આજે ઘટીને ₹1,31,622ના સ્તરે ખુલ્યું હતું. કારોબાર દરમિયાન સોનાએ મહત્તમ ₹1,31,979ની સપાટી બનાવી હતી, જ્યારે વેચવાલી વધતાં ભાવ ઘટીને ₹1,31,225ના નીચલા સ્તરે પહોંચી ગયા હતા. આમ, સોનામાં પ્રતિ 10 ગ્રામ ₹2,998નો ઘટાડો નોંધાયો છે.
ચાંદીમાં એક જ ઝાટકે ₹5,823નો કડાકો
સોનાની સાથે ચાંદીમાં પણ ભારે વેચવાલી જોવા મળી હતી. ચાંદી અગાઉના બંધ ભાવ ₹1,69,702ની સરખામણીએ આજે ₹1,67,301ના ભાવે ખુલી હતી. આ ભાવ જ આજનો અત્યાર સુધીનો ઊંચો સ્તર રહ્યો હતો. ત્યારબાદ વેચવાલીનું દબાણ વધતાં ચાંદી ગગડીને ₹1,63,879ના નીચલા સ્તરે પહોંચી ગઈ હતી. આમ, ચાંદીના ભાવમાં પ્રતિ કિલો ₹5,823નો મોટો ઘટાડો નોંધાયો છે.
સોના-ચાંદીના ભાવમાં ઘટાડા પાછળનાં 5 મુખ્ય કારણો
આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવ પર દબાણ વધવા પાછળ અમેરિકાની નાણાકીય નીતિ સહિતનાં અનેક પરિબળો જવાબદાર માનવામાં આવે છે.
અમેરિકન ડોલરની મજબૂતી: ડોલર મજબૂત થતાં અન્ય કરન્સી ધરાવતા રોકાણકારો માટે સોનું અને ચાંદી ખરીદવું મોંઘું બને છે. પરિણામે માંગ પર દબાણ આવી શકે છે.
વ્યાજદર ઊંચા રહેવાની શક્યતા: અમેરિકામાં વ્યાજદર લાંબા સમય સુધી ઊંચા રહેવાની આશંકાથી સોના-ચાંદી જેવા વ્યાજ ન આપતા રોકાણોનું આકર્ષણ ઘટે છે.
યુએસ બોન્ડ યીલ્ડમાં વધારો: અમેરિકન બોન્ડ યીલ્ડ વધતાં રોકાણકારો માટે બોન્ડમાં રોકાણ વધુ આકર્ષક બની શકે છે, જેના કારણે કિંમતી ધાતુઓ પર વેચવાલીનું દબાણ વધે છે.
ફેડરલ રિઝર્વની બેઠકની મિનિટ્સની રાહ: રોકાણકારો અમેરિકાની ફેડરલ રિઝર્વની બેઠકની મિનિટ્સની રાહ જોઈ રહ્યા છે. તેના સંકેતોને ધ્યાનમાં રાખીને બજારમાં સાવચેતી જોવા મળી રહી છે.
ગોલ્ડ ETFમાંથી ઉપાડ: ગોલ્ડ-બેક્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ETF)માંથી સતત નાણાં બહાર નીકળતાં સોનાના ભાવ પર વધારાનું દબાણ ઊભું થયું છે.
રોકાણકારો માટે શું સંકેત?
સોના અને ચાંદીમાં થયેલો આ મોટો ઘટાડો વૈશ્વિક આર્થિક સંકેતો અને અમેરિકાની નાણાકીય નીતિ પ્રત્યે બજારની સંવેદનશીલતા દર્શાવે છે. ખાસ કરીને ડોલરની ચાલ, બોન્ડ યીલ્ડ અને ફેડરલ રિઝર્વના આગામી સંકેતો પર રોકાણકારોની નજર રહેશે. કિંમતી ધાતુઓમાં અચાનક થતી વધઘટને ધ્યાનમાં રાખીને રોકાણકારોએ ઉતાવળમાં નિર્ણય લેવાને બદલે સાવચેતી રાખવી જરૂરી છે.








