Gold Silver Price Crash: વૈશ્વિક બજારમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો યથાવત્ રહેતા ભારતીય ઝવેરી બજારમાં પણ કિંમતોમાં મોટો કડાકો જોવા મળ્યો છે. વૈશ્વિક સોનાનો ભાવ ઘટીને ઔંસદીઠ 3,700 ડોલરની નીચે ઉતરી ગયો છે. બીજી તરફ, પ્લેટિનમના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે. દરમિયાન, કસ્ટમ વિભાગ દ્વારા ટેરિફ અપડેટમાં વિલંબ થતાં દેશનાં વિવિધ પોર્ટ પર આશરે રૂ.6,700 કરોડનો આયાતી સોના-ચાંદીનો જથ્થો અટવાઈ ગયો હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા છે.
અમદાવાદમાં સોનું રૂ.1,500 અને ચાંદી રૂ.4,000 સસ્તી
વૈશ્વિક બજારમાં મંદીની અસર અમદાવાદના ઝવેરી બજારમાં પણ જોવા મળી હતી. આજે સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ રૂ.1,500નો ઘટાડો થયો હતો. આ સાથે 995 શુદ્ધતાવાળા સોનાનો ભાવ રૂ.1,34,700 અને 999 શુદ્ધતાવાળા સોનાનો ભાવ રૂ.1,35,000 નોંધાયો હતો. ચાંદીના ભાવમાં પણ પ્રતિ કિલો રૂ.4,000નો ઘટાડો થતાં ભાવ રૂ.1,64,000 પર પહોંચ્યા હતા.
વૈશ્વિક બજારમાં સોનું 3,700 ડોલરની નીચે
વિશ્વ બજારમાં ફંડો દ્વારા વેચવાલી વધતાં સોનાના ભાવમાં વધુ ઘટાડો નોંધાયો હતો. અગાઉ ઔંસદીઠ 3,752 ડોલર રહેલો સોનાનો ભાવ ઘટીને 3,693 ડોલર સુધી પહોંચ્યો હતો અને ત્યારબાદ 3,715 ડોલર આસપાસ રહ્યો હતો. સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ નરમાઈ જોવા મળી હતી. વૈશ્વિક બજારમાં ચાંદીનો ભાવ અગાઉ 45.41 ડોલર હતો, જે ઘટીને 44.54 ડોલર થયો હતો અને બાદમાં 44.99 ડોલર રહ્યો હતો.
રૂ.6,700 કરોડનો સોના-ચાંદીનો જથ્થો પોર્ટ પર અટવાયો
કસ્ટમ વિભાગ દ્વારા ટેરિફ અપડેટ કરવામાં વિલંબ થતાં દેશનાં વિવિધ પોર્ટ પર આશરે રૂ.6,700 કરોડના આયાતી સોના-ચાંદીનો જથ્થો અટવાઈ ગયો હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા છે. આ ઉપરાંત, ઈમ્પોર્ટ ડ્યુટીની ચૂકવણીમાં વિલંબના મામલે કસ્ટમ વિભાગ દ્વારા વ્યાજની માગણી કરવામાં આવી રહી હોવાના સમાચાર પણ સામે આવ્યા છે.
મુંબઈમાં સોના-ચાંદીના ભાવમાં પણ ઘટાડો
મુંબઈ બુલિયન બજારમાં GST વગર સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ રૂ.1,500થી રૂ.1,600નો ઘટાડો થયો હતો. 995 શુદ્ધતાવાળા સોનાનો ભાવ રૂ.1,29,012 અને 999 શુદ્ધતાવાળા સોનાનો ભાવ રૂ.1,29,531 નોંધાયો હતો. મુંબઈમાં ચાંદીના ભાવમાં પ્રતિ કિલો રૂ.3,300નો ઘટાડો થતાં ભાવ રૂ.1,60,439 પર પહોંચ્યા હતા.
પ્લેટિનમ અને પેલેડિયમમાં પણ નરમાઈ
સોના-ચાંદી ઉપરાંત પ્લેટિનમના ભાવમાં પણ ઘટાડો નોંધાયો હતો. વૈશ્વિક બજારમાં પ્લેટિનમનો ભાવ ઔંસદીઠ 1,364 ડોલરથી ઘટીને નીચામાં 1,356 ડોલર થયો હતો અને ત્યારબાદ 1,385 ડોલર રહ્યો હતો. મુંબઈ બુલિયન બજારમાં પ્લેટિનમના ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ.500થી રૂ.600 ઘટીને રૂ.51,000 થયા હતા. બીજી તરફ, પેલેડિયમનો ભાવ ઔંસદીઠ ઊંચામાં 967 ડોલર અને નીચામાં 944 ડોલર નોંધાયા બાદ 945 ડોલર રહ્યો હતો. વૈશ્વિક કોપરના ભાવમાં પણ વધુ 0.15 ટકાનો ઘટાડો નોંધાયો હતો અને ભાવ સાત મહિનાના તળિયે પહોંચ્યા હતા.
2035 સુધી ભારતમાં ક્રૂડતેલનું ઉત્પાદન 20% ઘટવાની શક્યતા
વૈશ્વિક બજારમાં ક્રૂડતેલના ભાવમાં પણ નરમાઈ જોવા મળી હતી. બ્રેન્ટ ક્રૂડનો ભાવ બેરલદીઠ 93.03 ડોલરથી ઘટીને નીચામાં 91.21 ડોલર થયો હતો અને ત્યારબાદ 92.42 ડોલર રહ્યો હતો. જ્યારે યુએસ ક્રૂડનો ભાવ નીચામાં 82.60 ડોલર થયા બાદ 83.66 ડોલર રહ્યો હતો. દરમિયાન, ઈન્ટરનેશનલ એનર્જી એજન્સીએ શક્યતા દર્શાવી છે કે ભારતમાં વર્ષ 2035 સુધીમાં ક્રૂડતેલનું ઉત્પાદન આશરે 20 ટકા ઘટી શકે છે. આ સ્થિતિમાં આગામી વર્ષોમાં દેશની ક્રૂડતેલની આયાત વધવાની શક્યતા જાણકારો વ્યક્ત કરી રહ્યા છે.








