Gold and Silver MCX Price: છેલ્લા કેટલાક દિવસોથી સોના-ચાંદીના ભાવમાં સતત તેજી જોવા મળ્યા બાદ આજે શુક્રવારે અચાનક મોટો ઘટાડો નોંધાયો છે. ધનતેરસના દિવસે જ બુલિયન માર્કેટ અને મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX)માં બંને કીમતી ધાતુઓના ભાવ ગગડતાં રોકાણકારોમાં ચિંતા જોવા મળી રહી છે. બજાર ખુલતાની સાથે જ નફારૂપી વેચવાલી અને આંતરરાષ્ટ્રીય બજારના સંકેતો વચ્ચે સોના-ચાંદીમાં ઘટાડો નોંધાયો હતો.
ચાંદીના ભાવમાં ₹3,440નો મોટો ઘટાડો
ચાંદીના વાયદા બજારમાં ગુરુવારનું ક્લોઝિંગ ₹1,87,140 રહ્યું હતું. જ્યારે આજે શુક્રવારે ચાંદી ₹1,85,499ના ભાવે ખૂલી હતી. આ જ ભાવ દિવસનો હાઈ પણ રહ્યો હતો. જોકે, બજાર ખુલ્યા બાદ વેચવાલીનું દબાણ વધતાં ચાંદીનો ભાવ ઘટીને પ્રતિ કિલો ₹1,83,700ની નીચલી સપાટીએ પહોંચ્યો હતો. આમ, અગાઉના બંધ ભાવની સરખામણીએ ચાંદીમાં એક જ ઝાટકે ₹3,440નો ઘટાડો નોંધાયો છે.
સોનાના ભાવમાં પણ ₹1,994નું ગાબડું
બીજી તરફ સોનાના ભાવમાં પણ કારોબારની શરૂઆતથી જ નરમાઈ જોવા મળી હતી. ગુરુવારે સોનાનું ક્લોઝિંગ ₹1,44,095 રહ્યું હતું. આજે શુક્રવારે બજાર ખુલતાં સોનાનો ભાવ ₹1,42,161 રહ્યો હતો અને ત્યારબાદ વધીને ₹1,42,601ના હાઈ સ્તરે પહોંચ્યો હતો. જોકે, વેચવાલીનું દબાણ વધતાં સોનું ઘટીને પ્રતિ 10 ગ્રામ ₹1,42,101ની નીચલી સપાટીએ આવી ગયું હતું. આ રીતે અગાઉના બંધ ભાવની સરખામણીએ સોનામાં ₹1,994નો મોટો ઘટાડો નોંધાયો છે.
સોના-ચાંદીના ભાવ કેમ ઘટ્યા?
બજારના નિષ્ણાતોના મતે, આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલરની સ્થિતિ અને છેલ્લા દિવસોમાં થયેલી તેજી બાદ રોકાણકારો દ્વારા કરવામાં આવેલી પ્રોફિટ બુકિંગને કારણે કીમતી ધાતુઓના ભાવમાં નરમાઈ જોવા મળી રહી છે. ખાસ વાત એ છે કે ધનતેરસ જેવા સોનાં-ચાંદીની ખરીદી માટેના શુભ દિવસે જ ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે.








