Gold-Silver price Crash: સોનું અને ચાંદીના ભાવમાં સતત ચાલી રહેલી તેજી પર ગુરુવારે અચાનક બ્રેક લાગી ગઈ. એક જ ઝાટકે ચાંદીનો ભાવ લગભગ 20,000 રૂપિયા ઘટી ગયો, જ્યારે સોનું પણ 4000 રૂપિયાથી વધુ સસ્તુ થઈ ગયું.
સોના-ચાંદીની કિંમતો
સોના-ચાંદીનાં ભાવ છેલ્લા કેટલાક દિવસોથી સતત ધમાલ મચાવી રહ્યા હતા અને દરરોજ ભારે વધારા સાથે નવા શિખરે પહોંચ્યા હતા, પરંતુ સપ્તાહના ચોથા કારોબારી દિવસ ગુરુવારે MCX પર સોના-ચાંદીમાં મોટો ક્રેશ જોવા મળ્યો. વાયદા કારોબારની શરૂઆત સાથે જ એક ઝટકામાં ચાંદીનો ભાવ લગભગ 20,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ઘટી ગયો અને સાથે જ સોનાની કિંમત પણ પ્રતિ 10 ગ્રામ 4000 રૂપિયાથી વધુ ઘટી ગઈ. સોના-ચાંદીની કિંમતોમાં અચાનક આવેલા આ ઘટાડા પાછળ ટ્રમ્પ કનેક્શન માનવામાં આવી રહ્યું છે, ચાલો જાણીએ કેવી રીતે?
બજાર ખુલતા જ ચાંદીના ભાવમાં ક્રેશ
સૌપ્રથમ MCX પર ચાંદીના ભાવમાં આવેલા ક્રેશ વિશે વાત કરીએ તો, ગયા કારોબારી દિવસે બુધવારે 5 માર્ચની એક્સપાયરી વાળી ચાંદીનો ભાવ તેજ ગતિએ વધીને 3,25,602 રૂપિયા પર બંધ થયો હતો. પરંતુ ગુરુવારે જ્યારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર કારોબાર શરૂ થયો, ત્યારે અચાનક તે ઘટીને 3,05,753 રૂપિયા પર આવી ગયો. આ રીતે એક ઝટકામાં 1 કિલો ચાંદી 19,849 રૂપિયા સસ્તી થઈ ગઈ.
સોનું પણ પળભરમાં તૂટી પડ્યું
એક તરફ ચાંદીમાં ભારે ઘટાડો જોવા મળ્યો, તો બીજી તરફ સોનાના ભાવ પણ તૂટ્યા. છેલ્લા ત્રણ દિવસમાં સોનામાં પણ તોફાની તેજી જોવા મળી હતી અને તે સતત નવા લાઇફટાઇમ હાઇ પર પહોંચી રહ્યું હતું. બુધવારે 5 ફેબ્રુઆરીની એક્સપાયરી વાળા સોનાનો વાયદા ભાવ પ્રતિ 10 ગ્રામ 1,52,862 રૂપિયા પર બંધ થયો હતો, પરંતુ ગુરુવારે 24 કેરેટ સોનાનો ભાવ ઘટીને 1,48,777 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો. એટલે કે સોનું પ્રતિ 10 ગ્રામ 4,085 રૂપિયા સુધી સસ્તુ થઈ ગયું.
સોના-ચાંદીમાં ઘટાડાનું ટ્રમ્પ કનેક્શન
હવે સોનું-ચાંદીની કિંમતોમાં અચાનક આવેલા આ મોટા ઘટાડાના કારણો વિશે વાત કરીએ તો, આ ક્રેશનું સૌથી મોટું કનેક્શન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે જોડાયેલું લાગે છે. હકીકતમાં, છેલ્લા કેટલાક દિવસોથી ટ્રમ્પ સતત ટેરિફ બોમ્બ ફોડતા જોવા મળી રહ્યા હતા અને વેનેઝુએલા, ઈરાન તથા ગ્રીનલેન્ડને લઈને યુરોપ પર ટેરિફ હુમલાની ધમકી આપી રહ્યા હતા. ટ્રમ્પના આ પગલાંઓથી વૈશ્વિક સ્તરે તણાવ વધી ગયો હતો અને રોકાણકારો ફરી એકવાર સુરક્ષિત રોકાણ વિકલ્પ તરીકે સોનું અને ચાંદી તરફ દોડી રહ્યા હતા. માંગ વધતા બંને કિંમતી ધાતુઓના ભાવોમાં જોરદાર તેજી જોવા મળી હતી, પરંતુ હવે ટ્રમ્પે તણાવ ઘટાડનારા નિવેદનો આપ્યા છે, જેના પછી અચાનક સોનાં-ચાંદીમાં ક્રેશ જોવા મળી રહ્યો છે.
ગ્રીનલેન્ડ-EU પર નિવેદન
ગ્રીનલેન્ડને લઈને ડોનાલ્ડ ટ્રમ્પે હવે નવું નિવેદન આપ્યું છે, જે છેલ્લા દિવસોમાં ટેરિફ ધમકીથી વધેલા તણાવને ઘટાડતું લાગે છે. અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું છે કે, ગ્રીનલેન્ડ અંગે એવો કરાર કરવામાં આવશે, જે અમેરિકા અને નાટો બંનેને સંતોષ આપશે. જોકે તેમણે આ પણ સ્વીકાર્યું કે, ગ્રીનલેન્ડ પર કબજો કરવાની કાર્યવાહીથી અમેરિકા ખાતે યુરોપીયન દેશોના રોકાણ પર નકારાત્મક અસર પડી શકે છે.
ભારત-US ડીલ પર નિવેદન
માત્ર ગ્રીનલેન્ડ જ નહીં, પરંતુ અમેરિકન રાષ્ટ્રપતિએ સ્વિટ્ઝર્લેન્ડના ડાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દરમિયાન પોતાના સંબોધન બાદ પ્રેસ કોન્ફરન્સમાં ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલ અંગે પણ વાત કરી. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રત્યે તેમના મનમાં ખૂબ આદર છે, તેઓ એક ઉત્તમ વ્યક્તિ છે અને તેમના મિત્ર છે. અમારા બંને દેશો વચ્ચે એક શાનદાર ટ્રેડ ડીલ થવાની છે. તેની અસર શેર બજાર પર પણ જોવા મળી મળી રહી છે અને સોના-ચાંદીની કિંમતો પર પણ પડી રહી છે.








