Global GDP increased: નવી દિલ્હીમાં યોજાયેલા 18મા BRICS શિખર સંમેલન અંતર્ગત BRICS બિઝનેસ ફોરમના લીડર્સ સેશનમાં વૈશ્વિક અર્થતંત્રમાં બદલાતા શક્તિ સંતુલનનો મુદ્દો મુખ્ય રહ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ BRICSની વધતી આર્થિક ભૂમિકાનો ઉલ્લેખ કરતા કહ્યું કે 2006માં માત્ર ચાર દેશોથી શરૂ થયેલું આ સંગઠન આજે સભ્ય અને ભાગીદાર દેશો મળીને 21 દેશોના પરિવાર સુધી પહોંચી ગયું છે. તેમણે જણાવ્યું કે BRICS દેશો વિશ્વની 50 ટકા વસતી, લગભગ 40 ટકા GDP અને 25 ટકાથી વધુ વૈશ્વિક વેપારનું પ્રતિનિધિત્વ કરે છે. વૈશ્વિક GDP આ સમયગાળામાં લગભગ અઢી ગણું વધ્યું છે, જ્યારે BRICS દેશોની સંયુક્ત GDP સાડા ચાર ગણી વધી છે.
GDPમાં 40 ટકાથી વધુ ઉત્પાદન BRICS દેશોનું રહ્યું
આ જ મંચ પરથી રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને G7 દેશો પર સીધો પ્રહાર કર્યો હતો. તેમણે દાવો કર્યો કે છેલ્લા પાંચ વર્ષમાં વિશ્વના કુલ GDPમાં 40 ટકાથી વધુ ઉત્પાદન BRICS દેશોનું રહ્યું છે, જ્યારે G7નો હિસ્સો આશરે 29 ટકા રહ્યો છે. વૈશ્વિક આર્થિક વિકાસમાં પણ BRICSનો ફાળો અડધાથી વધુ રહ્યો હોવાનું તેમણે જણાવ્યું, જ્યારે G7 દેશોનો હિસ્સો માત્ર 18 ટકા જેટલો રહ્યો હોવાનો દાવો કર્યો. પુતિને G7ને ‘ગ્રેટ-7’ તરીકે ઓળખાવવાના મુદ્દે પણ કટાક્ષ કર્યો હતો. તેમના આ નિવેદન બાદ સમિટમાં હાજર પ્રતિનિધિઓએ તાળીઓ વગાડી હતી.
બજારો આર્થિક વિકાસ અને સ્થિરતાને સતત વેગ આપી રહ્યા છે
પુતિને વધુમાં કહ્યું કે BRICS દેશોમાં વિશ્વની અડધીથી વધુ વસતી રહે છે અને તેમની પાસે વિશાળ તથા ગતિશીલ સ્થાનિક બજારો છે. આ બજારો આર્થિક વિકાસ અને સ્થિરતાને સતત વેગ આપી રહ્યા છે. તેમના મતે 20મી સદીના બીજા ભાગમાં વૈશ્વિક આર્થિક વિકાસનું નેતૃત્વ કરનારા જૂના દેશોની સાથે હવે નવા ગ્રોથ એન્જિન પણ ઊભરી રહ્યા છે. જોકે, પશ્ચિમી દેશો પાસે હજુ પણ મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેકનોલોજી અને વિજ્ઞાન ક્ષેત્રે નોંધપાત્ર ક્ષમતા છે. તેમ છતાં પુતિને કહ્યું કે પરિવર્તન અર્થતંત્રનો સ્વાભાવિક નિયમ છે અને વૈશ્વિક શક્તિનું સંતુલન નવા કેન્દ્રો તરફ ખસી રહ્યું છે.
શિખર સંમેલનને ધ્યાનમાં રાખીને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી
આ દરમિયાન ઈરાનના રાષ્ટ્રપ્રમુખ મસૂદ પેઝેશ્કિયાને પણ BRICSની ભૂમિકા અંગે મહત્વપૂર્ણ વાત કરી હતી. તેમણે કહ્યું કે ભૌગોલિક રાજકીય અનિશ્ચિતતા અને સપ્લાય ચેઈનમાં અવરોધો વચ્ચે BRICSની તાકાત માત્ર સભ્ય દેશોની અર્થવ્યવસ્થાના કદમાં નથી, પરંતુ વેપાર, રોકાણ અને સંયુક્ત ફાઇનાન્સિંગ દ્વારા વાસ્તવિક સહયોગ વધારવામાં છે. બીજી તરફ દિલ્હીમાં 13 અને 14 સપ્ટેમ્બરના મુખ્ય શિખર સંમેલનને ધ્યાનમાં રાખીને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આશરે 15 હજાર દિલ્હી પોલીસકર્મીઓ, પેરામિલિટરીની 200 કંપનીઓ અને 500થી વધુ CCTV કેમેરા તૈનાત કરાયા છે, જ્યારે ટ્રાફિક વ્યવસ્થા માટે 4,800થી વધુ જવાનોને ફરજ પર રાખવામાં આવ્યા છે. ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ સહિત અનેક વૈશ્વિક નેતાઓ આ સંમેલનમાં ભાગ લઈ રહ્યા છે.








