Formula 1 race in India: ભારતમાં ફરી એકવાર ફોર્મ્યુલા-1 રેસ યોજાવાની શક્યતાઓને વેગ મળ્યો છે. કેન્દ્ર સરકારે દેશમાં ફોર્મ્યુલા-1 અને મોટરસ્પોર્ટ્સને પુનર્જીવિત કરવાની શક્યતા તપાસવા માટે ખાસ ટાસ્ક ફોર્સ બનાવવાનો નિર્ણય લીધો છે. નીતિ આયોગની અધ્યક્ષતામાં રચાનારી આ 10 સભ્યોની સમિતિ દેશના મોટરસ્પોર્ટ્સ ક્ષેત્રની વર્તમાન સ્થિતિનો અભ્યાસ કરીને રેસના પુનઃઆયોજન માટે જરૂરી નીતિ અને માળખું તૈયાર કરશે. સૂત્રોના જણાવ્યા મુજબ, 2028માં ભારતમાં ફરી ગ્રાન્ડ પ્રિક્સ યોજાય તેવી શક્યતા છે.
બિઝનેસ અને ટુરિઝમ ક્ષેત્ર સાથે જોડાયેલા પ્રતિનિધિઓનો સમાવેશ
આ ટાસ્ક ફોર્સનું નેતૃત્વ યુગલ કિશોર જોશી કરશે. સમિતિમાં રમતગમત, બિઝનેસ અને ટુરિઝમ ક્ષેત્ર સાથે જોડાયેલા પ્રતિનિધિઓનો સમાવેશ કરવામાં આવશે. ભારતમાં ફોર્મ્યુલા-1નું આયોજન ફરી શરૂ કરવા માટે ટેક્સ, લાઇસન્સ ફી, નિયમો અને અન્ય ખર્ચ જેવા પડકારોનો અભ્યાસ કરવામાં આવશે. રેસના સફળ આયોજન માટે વર્તમાન વ્યવસ્થામાં કયા પ્રકારના ફેરફાર કરવાની જરૂર છે અને સરકાર તરફથી કઈ નીતિગત મદદ જરૂરી બની શકે છે તે અંગે પણ સમિતિ ભલામણ કરશે.
રેસમાં પોતાનું પ્રભુત્વ જાળવી રાખ્યું
ભારતમાં ફોર્મ્યુલા-1 ગ્રાન્ડ પ્રિક્સનું આયોજન અગાઉ ત્રણ વખત થઈ ચૂક્યું છે. વર્ષ 2011, 2012 અને 2013માં ગ્રેટર નોઇડાના બુદ્ધ ઇન્ટરનેશનલ સર્કિટ ખાતે ઇન્ડિયન ગ્રાન્ડ પ્રિક્સ યોજાઈ હતી. ત્રણેય સિઝનમાં રેડ બુલના સેબેસ્ટિયન વેટ્ટેલે વિજેતા બનીને રેસમાં પોતાનું પ્રભુત્વ જાળવી રાખ્યું હતું. ભારતમાં છેલ્લી ઇન્ડિયન ગ્રાન્ડ પ્રિક્સ 27 ઓક્ટોબર 2013ના રોજ યોજાઈ હતી, ત્યારબાદ દેશમાં ફોર્મ્યુલા-1નું આયોજન બંધ થઈ ગયું હતું.
મોટા ખર્ચને કારણે ભારતમાં ફોર્મ્યુલા-1ની વાપસી થઈ શકી
2013 બાદ ટેક્સ સંબંધિત વિવાદ, ઊંચી લાઇસન્સ ફી અને રેસના આયોજન સાથે જોડાયેલા મોટા ખર્ચને કારણે ભારતમાં ફોર્મ્યુલા-1ની વાપસી થઈ શકી નહોતી. હવે કેન્દ્ર સરકાર દ્વારા રચાનારી ટાસ્ક ફોર્સ ફરી એકવાર આ તમામ મુદ્દાઓનું મૂલ્યાંકન કરશે. જો જરૂરી નીતિગત અને વ્યવસ્થાકીય ફેરફારો શક્ય બનશે, તો 2028માં ભારતમાં ગ્રાન્ડ પ્રિક્સના પુનરાગમનનો માર્ગ ખુલી શકે છે. જોકે, અંતિમ નિર્ણય ટાસ્ક ફોર્સની ભલામણો અને આગામી પ્રક્રિયા બાદ જ સ્પષ્ટ થશે.








