Food Inflation in India: દેશમાં ખાદ્ય ચીજવસ્તુઓના વધતા ભાવને કારણે સામાન્ય લોકોનું ઘરેલું બજેટ ફરી એકવાર ખોરવાઈ રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં ખાંડ, ડુંગળી, ટામેટાં, ખાદ્ય તેલ અને વિવિધ દાળોના ભાવમાં વધારો નોંધાયો છે. આગામી દિવસોમાં પણ કઠોળ અને ખાદ્ય તેલના ભાવ ઊંચા રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વધતી મોંઘવારીને કાબૂમાં લેવા માટે કેન્દ્ર સરકાર હવે વિવિધ પગલાં લઈ રહી છે.
ખાંડના ભાવમાં એક સપ્તાહમાં ₹7નો વધારો
ખાંડના ભાવમાં છેલ્લા એક સપ્તાહમાં પ્રતિ કિલો આશરે ₹7નો વધારો થયો છે, જ્યારે છેલ્લા એક મહિનામાં ભાવ લગભગ ₹17 વધ્યા છે. પરિણામે ઘણા બજારોમાં ખાંડનો ભાવ હવે ₹70 પ્રતિ કિલોની આસપાસ પહોંચી ગયો છે. ભાવ વધવા પાછળ વેપારીઓ દ્વારા સંગ્રહખોરી કરવામાં આવી રહી હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થિતિને નિયંત્રણમાં લેવા કેન્દ્ર સરકારે 31 ઓક્ટોબર સુધી 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાત કરવાની મંજૂરી આપી છે. આ ઉપરાંત વેપારીઓ માટે 30 નવેમ્બર સુધી 400 ટનની સ્ટોક મર્યાદા નક્કી કરવામાં આવી છે. સરકારે ખાંડ મિલોમાં પિલાણની પ્રક્રિયા પણ 15 ઓક્ટોબરથી શરૂ કરવા સૂચના આપી છે.
ડુંગળીના ભાવ પણ વધ્યા, ચોમાસાની અસર
સરકારી આંકડા મુજબ ડુંગળીનો સરેરાશ છૂટક ભાવ વધીને ₹40.79 પ્રતિ કિલો થયો છે. એક મહિના પહેલાં આ ભાવ આશરે ₹34.87 હતો. દક્ષિણ ભારત અને મહારાષ્ટ્રના નાસિક જેવા મુખ્ય ડુંગળી ઉત્પાદક વિસ્તારોમાં ચોમાસું મોડું શરૂ થવાને કારણે ખરીફ ડુંગળીની આવકમાં વિલંબ થયો છે. પરિણામે સપ્લાય પર અસર પડી રહી છે અને ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ભાવને કાબૂમાં રાખવા સરકાર હવે બફર સ્ટોકમાંથી ડુંગળી બજારમાં ઉતારવાની તૈયારી કરી રહી છે.
તુવેર, મગ, અડદ અને ચણાના ભાવમાં પણ વધારો
નબળા અથવા અનિયમિત ચોમાસાની અસર કઠોળના ઉત્પાદન પર પણ જોવા મળી રહી છે. તુવેર, મગ, અડદ અને ચણા સહિતની વિવિધ દાળોના ભાવમાં પ્રતિ કિલો ₹1થી ₹2 સુધીનો વધારો નોંધાયો છે. ચાલુ વર્ષે કઠોળના વાવેતરમાં આશરે 35 હજાર હેક્ટરનો ઘટાડો થયો છે. જ્યારે તુવેરનું વાવેતર પણ લગભગ 1.69 લાખ હેક્ટર ઘટ્યું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જો ઉત્પાદન અને સપ્લાય પર દબાણ યથાવત રહેશે તો આગામી દિવસોમાં દાળોના ભાવમાં વધુ વધારો થવાની શક્યતા છે.
આંતરરાષ્ટ્રીય બજારની અસરથી ખાદ્ય તેલ મોંઘું
ખાદ્ય તેલના ભાવમાં પણ છેલ્લા કેટલાક સમયથી વધારો જોવા મળી રહ્યો છે. વૈશ્વિક બજારમાં પામ ઓઇલના ભાવ 20 મહિનાની ઊંચી સપાટીએ પહોંચતા ભારતમાં પણ તેની અસર જોવા મળી છે. મુખ્ય પામ ઓઇલ ઉત્પાદક દેશ ઇન્ડોનેશિયામાં સૂકાની સ્થિતિને કારણે ઉત્પાદન પર અસર થઈ છે. બીજી તરફ રશિયા-યુક્રેન યુદ્ધને કારણે સૂરજમુખી તેલની સપ્લાય અને આયાત પર પણ અસર પડી રહી છે. ભારતમાં છેલ્લા એક મહિનામાં સીંગતેલ, સરસવ તેલ સહિતના વિવિધ ખાદ્ય તેલના ભાવમાં 2થી 3 ટકા સુધીનો વધારો નોંધાયો છે.
મોંઘવારી કાબૂમાં લેવા સરકારની કવાયત
ખાંડ, ડુંગળી, દાળ અને ખાદ્ય તેલ જેવી રોજિંદા જીવનમાં ઉપયોગી વસ્તુઓના ભાવ વધતા સરકાર માટે મોંઘવારી નિયંત્રણનો પડકાર ફરી મોટો બન્યો છે. એક તરફ ચોમાસું, ઉત્પાદન અને સપ્લાય જેવા સ્થાનિક પરિબળો ભાવને અસર કરી રહ્યા છે, તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારની સ્થિતિ પણ ખાદ્ય ચીજવસ્તુઓને મોંઘી બનાવી રહી છે. હવે સરકાર બફર સ્ટોક, ડ્યૂટી ફ્રી આયાત અને સ્ટોક મર્યાદા જેવા પગલાં દ્વારા ભાવને નિયંત્રણમાં લાવવાનો પ્રયાસ કરી રહી છે. જો, કે આગામી દિવસોમાં ચોમાસાની સ્થિતિ અને બજારમાં સપ્લાય કેવી રહે છે તેના પર ખાદ્ય વસ્તુઓના ભાવની દિશા મોટા પ્રમાણમાં નિર્ભર રહેશે.








