SpiceJet Crisis: હવાઈ મુસાફરીનો મુખ્ય હેતુ સમય બચાવવાનો હોય છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી સ્પાઇસજેટના મુસાફરો માટે ઍરપૉર્ટ પર રાહ જોવી એ એક મોટી સમસ્યા બની ગઈ છે. મુંબઈ સહિતના ઍરપૉર્ટ પર ફ્લાઇટ્સ મોડી પડવી કે છેલ્લી ઘડીએ રદ થવી એ સામાન્ય બની ગયું છે, જેના કારણે મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. બાગડોગરાથી અમદાવાદ આવતી ફ્લાઇટ વારંવાર રી-શેડ્યૂલ થયા બાદ અંતે રદ થતાં 50થી 70 મુસાફરો ઍરપૉર્ટ પર અટવાઈ ગયા હોવાની ઘટનાએ એરલાઇનની કામગીરી સામે સવાલો ઊભા કર્યા છે. ઘણા મુસાફરોએ ફરિયાદ કરી છે કે મદદના અભાવે તેમને ઊંચા ભાવે બીજી ટિકિટ લેવી પડી અને હોટલની વ્યવસ્થા પણ જાતે કરવી પડી.
'કેશ એન્ડ કેરી' નિયમ, વિમાનોની અછત અને પગારનો પ્રશ્ન
સ્પાઇસજેટની આ મુશ્કેલી પાછળ બાકી લેણાં અને સંચાલનની ખામીઓ મુખ્ય કારણ છે. ઍરપૉર્ટ ઓપરેટર્સ, ફ્યુઅલ સપ્લાયર્સ અને ગ્રાઉન્ડ હેન્ડલિંગ એજન્સીઓના બાકી નાણાંને કારણે ઘણા ઍરપૉર્ટે એરલાઇનને 'કેશ એન્ડ કેરી' સિસ્ટમ પર મૂકી દીધી છે, એટલે કે અગાઉથી ચુકવણી થાય તો જ સેવા મળે. દુબઈમાં ગ્રાઉન્ડ હેન્ડલિંગ કંપની Dnataને 14 મિલિયન UAE દિરહામ ચૂકવવાના બાકી રહેતા ચેક-ઇન સેવા બંધ થવાથી ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી. આ ઉપરાંત, 60 વિમાનોમાંથી માત્ર 12 વિમાન જ કાર્યરત હોવાનું અને કર્મચારીઓને 4 મહિનાથી પગાર ન મળતા સ્ટાફની અછત ઊભી થઈ હોવાનું અહેવાલમાં જણાવાયું છે, જેની સીધી અસર રોજિંદા શેડ્યૂલ પર પડી છે.
માર્કેટ શેરમાં ઘટાડો, દેવાનો બોજ અને BSEની ચેતવણી
સતત મુશ્કેલીઓને કારણે સ્પાઇસજેટના બિઝનેસ પર મોટી અસર પડી છે. 13 નવેમ્બરના રોઇટર્સના રિપોર્ટ મુજબ, 2019માં 15% રહેલો માર્કેટ શેર 2026માં ઘટીને માત્ર 0.6% રહી ગયો છે. અહેવાલ અનુસાર, કંપની 9000 કરોડના નુકસાન અને 6000 કરોડથી વધુની જવાબદારીઓનો સામનો કરી રહી છે, જેમાં TDS, EPF અને GST જેવી કાનૂની જવાબદારીઓનો પણ સમાવેશ થાય છે. બીજી તરફ, બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) એ 7 ડિસેમ્બર સુધીમાં બાકી નાણાકીય પરિણામો જાહેર નહીં થાય તો 10 ડિસેમ્બરથી શેરમાં ટ્રેડિંગ બંધ કરવાની ચેતવણી આપી છે.
જૂનો વિવાદ અને કોર્ટ કેસનું દબાણ
સ્પાઇસજેટની આર્થિક કટોકટીમાં જૂના કરાર અને કાનૂની લડાઈએ પણ મોટો ભાગ ભજવ્યો છે. 2010માં અજય સિંહ અને અન્ય પ્રમોટર્સે સન ગ્રૂપના કલાનિધિ મારનને કંપનીનો હિસ્સો વેચ્યો હતો, અને 2015માં દેવાની સ્થિતિ વચ્ચે મારન પાસેથી 58.46% હિસ્સો ફરી અજય સિંહે ખરીદ્યો હતો. ત્યારથી ચાલી રહેલા વિવાદમાં જાન્યુઆરી 2026માં દિલ્હી હાઇકોર્ટે વ્યાજ અને બાકી લેણાં પેટે 144.51 કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો. અહેવાલ મુજબ, કંપની નિયત સમયમાં રકમ ચૂકવવામાં નિષ્ફળ રહી અને ગુરુગ્રામની મિલકત ગીરવે મૂકવાની ઓફર પણ કોર્ટે ફગાવી દીધી, જેનાથી સંકટ વધુ ઘેરું બન્યું છે.
5500 કરોડના ભંડોળની મંજૂરી અને ભવિષ્યની આશા
2016થી અત્યાર સુધીમાં દેશમાં 11 એરલાઇન્સ બંધ થઈ ચૂકી હોવાથી લોકોમાં સ્પાઇસજેટના ભવિષ્ય અંગે ચિંતા જોવા મળી રહી છે. જોકે, 18 નવેમ્બરની બોર્ડ મીટિંગમાં કંપનીને કટોકટીમાંથી બહાર કાઢવા માટે 5500 કરોડ રૂપિયાનું નવું ભંડોળ ઊભું કરવાની મંજૂરી આપવામાં આવી હોવાના અહેવાલ છે અને ઓથોરાઇઝ્ડ શેર કેપિટલ પણ 7500 કરોડ રૂપિયા કરવાનો નિર્ણય લેવાયો છે. આ સાથે ECLGS સ્કીમ હેઠળ 150 કરોડ રૂપિયાની સહાય મળ્યાના સમાચાર બાદ શેરમાં 5% અપર સર્કિટ લાગી અને ભાવ 9.97 રૂપિયા પર પહોંચ્યો, જે દર્શાવે છે કે જો આ ભંડોળ સમયસર અને યોગ્ય રીતે આવે તો એરલાઇનને ફરી બેઠા થવાની તક મળી શકે છે.








