EPFO takes major action: કર્મચારીઓના PF અને સામાજિક સુરક્ષાને લઈને EPFOએ નોઈડાની આશરે 800 કંપનીઓ સામે કડક વલણ અપનાવ્યું છે. કર્મચારીઓને હજુ સુધી PF વ્યવસ્થામાં સામેલ નહીં કરનારી કંપનીઓને નોટિસ પાઠવીને 31 ઓક્ટોબર સુધીની અંતિમ મુદત આપવામાં આવી છે. સમયમર્યાદામાં પ્રક્રિયા પૂર્ણ નહીં થાય તો સંબંધિત સંસ્થાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે.
800 કંપનીઓને નોટિસ
EPFOએ ગૌતમ બુદ્ધ નગરમાં વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત આશરે 800 એવી કંપનીઓની ઓળખ કરી છે, જેઓએ પોતાના કર્મચારીઓને PF સિસ્ટમ સાથે જોડ્યા નથી. આ યાદીમાં મુખ્યત્વે રેસ્ટોરન્ટ, લેબર એજન્સી, કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટર અને ટ્રાન્સપોર્ટ ક્ષેત્ર સાથે જોડાયેલી સંસ્થાઓનો સમાવેશ થાય છે. EPFOએ તમામ કંપનીઓને નોટિસ પાઠવીને 31 ઓક્ટોબર સુધીમાં કર્મચારીઓનું PF રજિસ્ટ્રેશન પૂર્ણ કરવા સૂચના આપી છે. સાથે જ કર્મચારીઓને પણ પોતાનું PF સ્ટેટસ ચેક કરવા જણાવવામાં આવ્યું છે.
કર્મચારીઓને શું ફાયદો મળશે?
EPFOની આ પહેલનો મુખ્ય હેતુ વધુમાં વધુ કામદારોને સામાજિક સુરક્ષાના દાયરામાં લાવવાનો છે. PF ઉપરાંત કર્મચારીઓને પેન્શન, વીમા અને ભવિષ્ય માટેની નાણાકીય સુરક્ષા જેવા લાભ મળી શકે છે. રિજનલ પ્રોવિડન્ટ ફંડ કમિશનર-1 સુયશ પાંડેના જણાવ્યા મુજબ, કંપનીઓ તેમજ કામદારોમાં PFના નિયમો અને કર્મચારીઓના અધિકારો અંગે જાગૃતિ લાવવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
31 ઓક્ટોબર બાદ થશે કડક કાર્યવાહી
પ્રથમ તબક્કામાં કંપનીઓને PF સંબંધિત નિયમો અને પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. પરંતુ 31 ઓક્ટોબરની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ પાલન ન કરનારી કંપનીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ થઈ શકે છે. EPFO દ્વારા કંપનીઓની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવશે અને નિયમોનું પાલન ન કરનારી સંસ્થાઓ સામે જરૂરી પગલાં લેવામાં આવશે. આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે કોઈપણ પાત્ર કર્મચારી PF અને અન્ય સામાજિક સુરક્ષાના લાભોથી વંચિત ન રહે.








