Rupee 110 lakh crore for the Indian Army: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં સોમવારે યોજાયેલી ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC)ની બેઠકમાં રક્ષા ક્ષેત્રને વધુ મજબૂત બનાવતો મોટો નિર્ણય લેવાયો છે. સશસ્ત્ર દળોની ક્ષમતામાં વધારો કરવા માટે કુલ ₹1.10 લાખ કરોડના ખરીદ પ્રસ્તાવોને ‘એક્સેપ્ટન્સ ઑફ નેસેસિટી’ (AoN)ની મંજૂરી આપવામાં આવી છે. ખાસ વાત એ છે કે મંજૂર થયેલી ખરીદીમાંથી લગભગ 98 ટકા સાધનો અને સિસ્ટમ્સ ભારતીય કંપનીઓ તથા દેશના ઘરેલુ સંરક્ષણ ઉદ્યોગ પાસેથી મેળવવામાં આવશે. આ નિર્ણયથી ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને પણ મોટો વેગ મળવાની શક્યતા છે.
હાઇ મોબિલિટી વ્હીકલ્સ (HMV)નો સમાવેશ થાય છે
ભારતીય સેનાને ધ્યાનમાં રાખીને અનેક અત્યાધુનિક સાધનોની ખરીદીને મંજૂરી મળી છે. તેમાં કેમિકલ, બાયોલોજિકલ, રેડિયોલોજિકલ અને ન્યૂક્લિયર જોખમ ધરાવતા વિસ્તારોની તપાસ માટે CBRN રિકોનિસન્સ વાહનો, મુશ્કેલ ભૂપ્રદેશમાં સૈનિકોની અવરજવર અને લોજિસ્ટિક્સને વધુ અસરકારક બનાવવા માટે હાઇ મોબિલિટી વ્હીકલ્સ (HMV)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત સેલ્ફ-પ્રોપેલ્ડ મિકેનિકલ માઇન લેયર (MML), ઍડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર (ALH), ટ્રોલ ટેન્ક અને સર્વત્ર બ્રિજ સિસ્ટમ જેવા મહત્વપૂર્ણ સાધનો પણ ખરીદવામાં આવશે.
ભારતીય નૌકાદળ માટે અરુધ્રા રડારની ખરીદી થશે
નૌકાદળ અને વાયુસેનાની ક્ષમતામાં વધારો કરવા માટે પણ મહત્વની ખરીદીઓને લીલી ઝંડી આપવામાં આવી છે. ભારતીય નૌકાદળ માટે અરુધ્રા રડારની ખરીદી થશે, જે જૂની એર રૂટ સર્વેલન્સ રડાર સિસ્ટમનું સ્થાન લેશે. સાથે જ મરીન ગેસ ટર્બાઇન (MGT)નું સ્વદેશી ડિઝાઇન અને ઉત્પાદન હાથ ધરાશે. ભારતીય વાયુસેના માટે ફાઇટર અને ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટની લડાયક ક્ષમતા વધારવા ગ્રાઉન્ડ-બેઝ્ડ મલ્ટી-પર્પઝ જેબર્સ (GBMPJ)ની ખરીદી કરાશે, જે દુશ્મનના રડારને નિષ્ક્રિય કરવામાં મદદરૂપ થશે.
RFID ટેક્નોલોજી આધારિત સ્માર્ટ કાર્ડથી બદલવામાં આવશે
આ બેઠકમાં સશસ્ત્ર દળો માટે સુરક્ષિત ઓળખ અને ઍક્સેસ સિસ્ટમને પણ મંજૂરી આપવામાં આવી છે. ‘સિક્યોર એક્સેસ કાર્ડ સિસ્ટમ’ હેઠળ હાલના પેપર આઇડી કાર્ડને RFID ટેક્નોલોજી આધારિત સ્માર્ટ કાર્ડથી બદલવામાં આવશે. આ નવી વ્યવસ્થા સુરક્ષા દળોના સભ્યોની ઓળખ અને નિયંત્રિત વિસ્તારોમાં પ્રવેશને વધુ સુરક્ષિત અને આધુનિક બનાવશે. એકંદરે, DACનો આ નિર્ણય સેનાની આધુનિકીકરણ પ્રક્રિયા સાથે દેશના સ્થાનિક સંરક્ષણ ઉદ્યોગને પણ મજબૂત બનાવતો મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યો છે.








