E-Commerce New Rules 2027:દેશમાં ઓનલાઈન શોપિંગનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે. કપડાંથી લઈને મોબાઈલ, ઈલેક્ટ્રોનિક્સ, ઘરવપરાશની વસ્તુઓ અને અન્ય અનેક સામાન લોકો હવે ઈ-કોમર્સ પ્લેટફોર્મ પરથી ખરીદે છે. આવી સ્થિતિમાં ગ્રાહકોને ખોટી સેલ, ભ્રામક ડિસ્કાઉન્ટ અને અન્ય ગેરમાર્ગે દોરતી રીતોથી બચાવવા માટે કેન્દ્ર સરકારે ઈ-કોમર્સના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. Consumer Protection (E-Commerce) (Amendment) Rules, 2026 મુજબ નવા નિયમો 1 જાન્યુઆરી, 2027થી અમલમાં આવશે. સરકારના જણાવ્યા પ્રમાણે આ સુધારાનો મુખ્ય હેતુ ઓનલાઈન ખરીદીમાં પારદર્શિતા વધારવાનો અને ગ્રાહકોના હિતનું રક્ષણ કરવાનો છે.
ડિસ્કાઉન્ટના નામે થતી છેતરપિંડી પર વાગશે બ્રેક
ઓનલાઈન સેલ દરમિયાન ઘણી વખત કોઈ પ્રોડક્ટ પર 40 ટકા, 50 ટકા કે તેનાથી વધુ ડિસ્કાઉન્ટ દેખાડવામાં આવે છે. હવે આવી ડિસ્કાઉન્ટની જાહેરાતમાં ગ્રાહકોને વધુ સ્પષ્ટ માહિતી આપવી પડશે. નવા નિયમ મુજબ જો કોઈ વસ્તુ અથવા સેવાની કિંમત ઘટાડીને બતાવવામાં આવે તો ઈ-કોમર્સ પ્લેટફોર્મે ઘટાડેલી કિંમત સાથે અગાઉની કિંમત પણ દર્શાવવી પડશે. અહીં અગાઉની કિંમતનો અર્થ ડિસ્કાઉન્ટ જાહેર કરવામાં આવે તેના અગાઉના 30 દિવસ દરમિયાન તે વસ્તુ કે સેવાની સૌથી ઓછી કિંમત છે. આ નિયમનો હેતુ ગ્રાહકને વાસ્તવિક ડિસ્કાઉન્ટ કેટલું છે તે સમજવામાં મદદ કરવાનો છે.
સર્ચ રિઝલ્ટ અને સ્પૉન્સર્ડ પ્રોડક્ટ્સમાં પારદર્શિતા
જ્યારે કોઈ ગ્રાહક ઓનલાઈન શોપિંગ સાઈટ પર કોઈ પ્રોડક્ટ સર્ચ કરે છે, ત્યારે ઘણી વખત કંપનીઓ પોતાના ફાયદા માટે ગ્રાહકની જરૂરિયાત સિવાયની વસ્તુઓ સૌથી ઉપર બતાવે છે. નવા કાયદા મુજબ, સર્ચ રિઝલ્ટ સાથે કોઈ પણ પ્રકારની હેરાફેરી કે ગેરમાર્ગે દોરતું રેન્કિંગ કરી શકાશે નહીં. આ ઉપરાંત, જે પ્રોડક્ટ્સ માટે સેલર્સ કે કંપનીઓએ પૈસા ચૂકવીને જાહેરાત (Sponsored Listing) કરાવી હશે, તેના પર સ્પષ્ટ અને મોટા અક્ષરે ‘Sponsored’ અથવા ‘Promoted’ લખવું ફરજિયાત બનશે. આનાથી ગ્રાહક જાણી શકશે કે વસ્તુ તેની સર્ચ મુજબ આવી છે કે જાહેરાતના આધારે.
'ડાર્ક પેટર્ન્સ' અને છુપા ચાર્જ પર લાગશે પ્રતિબંધ
ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ ઘણીવાર ગ્રાહકોને છેતરવા માટે વેબસાઈટ કે એપમાં એવી ડિઝાઈન રાખે છે, જેનાથી ગ્રાહક ન ઈચ્છતો હોય તો પણ વધારાનો ચાર્જ ચૂકવી દે છે કે પ્રોડક્ટ ખરીદી લે છે. હવે 2023ના ડાર્ક પેટર્ન વિરોધી નિયમોનું પાલન કરવું દરેક ઈ-કોમર્સ સાઈટ માટે ફરજિયાત રહેશે અને તેમણે દર વર્ષે સેલ્ફ-ઓડિટ કરીને કમ્પ્લાયન્સ સર્ટિફિકેટ પણ ડિસ્પ્લે કરવું પડશે. આ ઉપરાંત, પ્લેટફોર્મ ગ્રાહકની સ્પષ્ટ સંમતિ વિના વધારાના કોઈ સર્વિસ કે બંડલ ચાર્જ વસૂલી શકશે નહીં.
પ્રોડક્ટની ખરીદી પહેલાં તમામ માહિતી આપવી પડશે
નવા નિયમ અનુસાર, ઓનલાઈન ઓર્ડર બુક કરતા પહેલાં જ ગ્રાહકને પ્રોડક્ટ સંબંધિત તમામ જરૂરી વિગતો આપવી પડશે. ખાસ કરીને ખાદ્ય પદાર્થો કે દવાઓ જેવી વસ્તુઓ માટે 'બેસ્ટ બીફોર' કે એક્સપાયરી ડેટ, રીટર્ન અને રિફંડ પોલિસી, વોરંટીના નિયમો, ડિલિવરીનો સમય અને પેમેન્ટ સંબંધિત તમામ શરતો દર્શાવવી પડશે. એટલું જ નહીં, વિદેશથી આયાત કરાયેલી (Imported) વસ્તુઓ પર ઉત્પાદક દેશનું નામ (Country of Origin) અને ઈમ્પોર્ટરની સંપૂર્ણ વિગતો આપવી અનિવાર્ય રહેશે.
ગ્રાહકના ડેટાની સુરક્ષા અને ફરિયાદોનું ઝડપી નિવારણ
ઈ-કોમર્સ કંપનીઓ હવે ગ્રાહકોની અંગત માહિતી કે ખરીદી સંબંધિત ડેટાનો ઉપયોગ ગ્રાહકની લેખિત કે સ્પષ્ટ મંજૂરી (Express Consent) વિના કરી શકશે નહીં. મંત્રાલયના આંકડા અનુસાર, વર્ષ 2025માં નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઈન (NCH) પર નોંધાયેલી કુલ 17.71 લાખથી વધુ ફરિયાદોમાંથી આશરે 29 ટકા ફરિયાદો માત્ર ઈ-કોમર્સ ક્ષેત્રની હતી. આ સમસ્યાના ઉકેલ માટે તમામ ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સે નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઈન સાથે જોડાવું પડશે અને ગ્રાહકની ફરિયાદની નકલ પણ ગ્રાહકને આપવી પડશે.
કંપનીઓને તૈયારી માટે આપવામાં આવ્યો પૂરતો સમય
કેન્દ્ર સરકારે આ તમામ નિયમોની જાહેરાત અત્યારથી જ કરી દીધી છે જેથી ઈ-કોમર્સ સાઈટ્સ, ઓનલાઈન સેલર્સ અને ટેકનિકલ ટીમો પોતાની સિસ્ટમ, એપ્લિકેશન અને વેચાણ પ્રક્રિયામાં જરૂરી સુધારા કરી શકે. 1 જાન્યુઆરી 2027થી આ નિયમો લાગુ થયા બાદ જો કોઈ કંપની તેનું ઉલ્લંઘન કરતી જણાશે તો તેની સામે ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.








